છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં જવાનો અને સ્થાયી થવાનો ટ્રેન્ડ જેમ-જેમ વધી રહ્યો છે, તેમ-તેમ આપણી સંસ્કૃતિ પણ વિસ્તરી રહી છે. વિદેશમાં હવે મંદિરો પણ બનવા લાગ્યા છે. અમદાવાદમાં રહેતા રવિભાઈ સોની છેલ્લા 20 વર્ષથી વિદેશી ધરતી પર મંદિર બનાવવાનું કામ કરે છે. તેમણે અત્યાર સુધીમાં આઠેક દેશમાં 50 જેટલા મંદિરો બનાવ્યા છે. પરંતુ તેમના દ્વારા બનાવાતા મંદિરો પરંપરાગત પદ્ધતિ કરતા ઘણા અલગ હોય છે. સામાન્ય રીતે તમે પૌરાણિક અને ભવ્ય મંદિરો પથ્થર કે ઈંટ, RCC સ્ટ્રક્ચરથી બનેલા જોયા હશે. પરંતુ રવિભાઈ સોની અને તેમનો પરિવારના લોકો ફાઇબર ગ્લાસથી મંદિર બનાવે છે. વિદેશમાં તેની ખૂબ માગ વધી છે. રવિભાઈ સોનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, મારા પિતા બાબુલાલ સોની ખૂબ જ સારા ચિત્રકાર હતા. અમે પણ પિતાના વ્યવસાયમાં જ પરોવાયા હતા. 2004ના વર્ષથી દેવગીત આર્ટ એન્ડ ક્રાફ્ટના નામથી મારી ફર્મ શરૂ કરી અને ત્યારથી અમે ફાઇબરના મોટા મંદિરો બનાવવાની શરૂઆત કરી હતી. ફાઇબર ગ્લાસથી મંદિર બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?
પિતાની જેમ મને પણ બાળપણથી જ ચિત્રકામ ક્ષેત્રે આગળ વધવું હતું એટલે મેં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસનો અભ્યાસ કર્યો. ફાઈન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 1999માં જ અમને પ્રેસ્ટન લંડનમાં પેન્ટીંગનો પહેલો મોટો ઓર્ડર મળ્યો હતો. પહેલી જ વાર ભારતની બહાર જવાનું થયું. હાથમાં પીંછી અને કલર સાથે શરૂ થયેલી સફર કેવી રીતે ફાઇબર ગ્લાસમાંથી મોટા મોટા મંદિરો તૈયાર કરવામાં તબદીલ થઈ ગઈ એ અંગે વાત કરતાં રવિભાઈ સોનીએ કહ્યું, ‘2003-04માં વોલસોલના શ્રી રામ મંદિરમાં કેન્વાસ પેન્ટીંગ અને માર્બલની મૂર્તિઓના રંગરોગાનનો ઓર્ડર મળ્યો હતો. આ કામ દરમિયાન ત્યાંના સંચાલકો સાથે અમારી વ્યવસ્થિત ઓળખાણ થઈ ગઈ. વાત-વાતમાં તેમણે અમને કહ્યું કે આ મંદિર બહારથી વેરહાઉસ (ગોડાઉન) જેવું લાગે છે. ભારતીય મંદિર જેવું જ આબેહૂબ લાગે એ માટે શું કરવું જોઈએ? અમને ફાઇબરના મટિરિયલના કામનો અનુભવ હતો. જો મૂર્તિઓ આ મટિરિયલમાંથી બને તો ફાઇબર ગ્લાસમાંથી શિખર કેમ ન બને? આવી વાત મૂકી એટલે તેમને ખૂબ જ પસંદ પડી અને અમને આ રીતે ફાઇબર ગ્લાસના મંદિર બનાવવાનું પહેલું કામ મળ્યું.’ ‘જો કે અમારા માટે આ કામ સરળ ન હતું. અમે સૌથી પહેલાં 400 બાય 200 ફૂટના સ્ટ્રક્ચરની વ્યવસ્થિત માપણી કરી. પછી ત્યાંને ત્યાં જ મારા ભાઈએ આખું રફ સ્કેચ તૈયાર કર્યું અને ડિઝાઈન બતાવી. એ મુજબ મંદિરના 3 શિખર, 40થી 50 જરૂખા, અંદરના કોલમ સહિત ઘણી વસ્તુઓ બનાવવાની હતી.’ પહેલો ઓર્ડર 11થી 12 હજાર પાઉન્ડમાં મળ્યો
‘અમદાવાદ આવ્યા પછી મારા પિતા ઉપરાંત કાકાનો દીકરા કિશોર સોનીને સાથે રાખ્યો. જેને ફાઇબર ગ્લાસ અને મૂર્તિઓનો સારો અનુભવ હતો. મંદિર બનાવવાના અનુભવી નવિન સોમપુરાનો પણ સહકાર લીધો. આપણા દેશમાંથી આ તમામ વસ્તુઓને વિદેશ સુધી પહોંચડાવા માટે અમે સી રૂટનો ઉપયોગ કર્યો. એ માટે બધી જ વસ્તુને 500થી 1000 અલગ-અલગ પીસમાં તૈયાર કરી હતી. અમે જાતે જ આ તમામ વસ્તુ ફીટ કરીને મંદિર તૈયાર કર્યું હતું.એ પછી અમને ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. 20 વર્ષ પહેલાં ફાઇબર ગ્લાસમાંથી મંદિર બનાવવા માટે 11થી 12 હજાર પાઉન્ડમાં ઓર્ડર લીધો હતો.’ રવિભાઈ સોનીએ કહ્યું, પહેલો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી અમને સ્મેથવિકમાં દુર્ગાભવનનું કામ કર્યું. બર્મિંગહામમાં ગીતા મંદિરનું કામ મળ્યું, 2013માં લોસ એન્જલસ અને ફ્લોરિડામાં જૈન મંદિર તૈયાર કર્યું, પીટ્સબર્ગમાં હિન્દુ જૈન મંદિર, શિકાગોનું જલારામ મંદિર અને ઉમિયા માતાજી મંદિર, લંડનના ગ્રીનફર્ડ જલારામ બાપાનું ખૂબ જ પ્રચલિત મંદિરનું કામ પણ અમે કર્યું. ઓસ્ટ્રેલિયામાં શક્તિ મંદિર તૈયાર કર્યું. ન્યૂઝીલેન્ડમાં શ્રીરામ મંદિર બનાવ્યું. આમ, અત્યાર સુધીમાં 6થી 7 દેશોમાં 40થી 50 મંદિરો અમે ફાઇબર ગ્લાસમાંથી બનાવ્યા છે. સ્થાનિક વાતાવરણ મુજબ તૈયાર થાય છે ડિઝાઇન અને મટિરિયલ
‘ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં અલ્ટ્રા વાયોલેટ રેઝ ખૂબ જ વધારે અને તીવ્ર હોય છે. જેના કારણે મટિરિયલ ઝડપી ખરાબ થઈ જાય. એટલે અમે વાતાવરણને ધ્યાનમાં રાખીને મંદિર બનાવીએ છીએ. પિટ્સબર્ગમાં આવેલું હિન્દુ જૈન મંદિર 50થી 60 વર્ષ પહેલાં પથ્થરમાંથી બનેલું હતું. પણ આ મંદિરમાં ઉપરથી પાણી પડતું હતું. આ સમસ્યાને દૂર કરવા મંદિર ટ્રસ્ટે ઘણો ખર્ચ કર્યો પરંતુ સમસ્યા દૂર નહોતી થતી. અમને આ પ્રોજેક્ટ મળ્યો એટલે મંદિર ઉપરથી ઈંટો હટાવી અને આખી ડિઝાઇન બદલીને નવું રંગ-રૂપ આપી દીધું.’ ‘સૌથી મોટું અને વૈભવશાળી જલારામ મંદિર ગ્રીનફર્ડ બનાવ્યું છે. જેનો ઘેરાવ 100 બાય 200 ફૂટ છે. જ્યારે ઊંચાઈ 50 ફૂટ છે. જેમાં 4 શિખર, મુખ્ય દરવાજો, કોલમ, તોરણ, અંદરના સિંહાસન સોનાના પાંદડે મઢેલા છે. અમે નાનામાં નાનું મંદિર અમેરિકામાં બનાવ્યું હતું, જે 50 પાર્ટસમાં બન્યું. જ્યારે મોટામાં મોટું મંદિર બનાવવામાં હજારો પાર્ટ વપરાય છે.’ કોરોના સમયે અમદાવાદમાં બેઠાં-બેઠાં માર્ગદર્શન આપ્યું અને મંદિર બન્યું
રવિભાઈએ એક કિસ્સો યાદ કરતા કહ્યું, 2014માં અમને બર્મિંગહામના લક્ષ્મી નારાયણ ટેમ્પલને ફાઇબર ગ્લાસમાંથી બનાવવાનો ઓર્ડર મળ્યો. વર્ષો જૂના ચર્ચને મંદિરનું લૂક આપવાનું હતું. એ ઇમારતની ઊંચાઈ 200 ફૂટ હતી. હું મારી ટીમને લઈને ત્યાં ગયો હતો. માપ લીધા પણ અમારા માટે પડકાર એ હતો કે ઇમારતની ઊંચાઈની સાપેક્ષમાં પહોંળાઈ ઓછી હોતી. એટલે અમે શિખર બનાવવું નવી ડિઝાઈન કરી અને બધી જ વસ્તુ અમદાવાદમાં તૈયાર કરી હતી. આ જ સમયગાળામાં કોરોનાના કારણે વિદેશ પ્રવાસ બંધ થઈ ગયો હતો. એટલે અમે ત્યાં રૂબરું જઈ શક્યા નહોતા. છતાં અમે એક-એક વસ્તુ અંગે વીડિયો કોલમાં માહિતી આપીને આખો પ્રોજેક્ટ 2019-20માં પૂર્ણ કર્યો. એક પ્રોજેક્ટ પૂરો થતો એક વર્ષનો સમય લાગે
‘અમને જ્યારે કોઈ ઓર્ડર મળે ત્યારે સૌપ્રથમ બેઝિક ડ્રોઈંગ મંગાવીએ છીએ. જેના પર અમારા આર્કિટેક કામ કરીને એ ડિઝાઇન ઓર્ડર આપનારને મોકલીએ છીએ. એમને પસંગ આવે તો ટેક્નિકલ બાબતો ઉપર કામ કરીએ છીએ. જેમાં સ્ટ્રક્ચરને જે તે ઇમારત પર લગાવવાથી લઈને માસ્ટર બનાવવો (મુખ્ય ભાગ) મોલ્ડ બનાવીએ છીએ. ફાઈનલ પીસ તૈયાર થયા પછી પેઈન્ટિંગ તેમજ જ્યાં જરૂર હોય ત્યાં વરખ લગાવીને પેકિંગ કરી દઈએ છીએ. ત્યાર બાદ કન્ટેનરમાં સમુદ્ર માર્ગે જે તે દેશમાં મોકલાય છે. એ પછી અમારી ટીમમાંથી એક વ્યક્તિ ત્યાંના આર્કિટેક્ચર સાથે સંપર્કમાં રહીને ફિટિંગની માહિતી આપે છે. આમ, એક પ્રોજેક્ટ પૂર્ણ થતાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય લાગે છે.’ ફાઇબર ગ્લાસથી તૈયાર થતાં મંદિરના શિખરનું વજન 1 ટનથી 3 ટન સુધીનું હોય છે. તેની સાથે મેટલનું સ્ટ્રક્ચર પણ હોય એટલે દોઢથી 2 ટન વધી જાય છે. રવિભાઈ સોનીએ કહ્યું, પથ્થરના સ્ટ્રક્ચરની સરખામણીએ ફાઇબર ગ્લાસનું વજન ખૂબ ઓછું હોય છે. જો ભવિષ્યમાં કોઈ પાર્ટમાં ખરાબી આવે તો તેને બદલી પણ શકાય છે. જેમ વાહનને પેઈન્ટ કરાવીએ એમ આ મટિરિયલને પણ પેઇન્ટ કરી શકાય છે. ‘અમદાવાદમાં અમારી ફેક્ટરી વટવા-નારોલ રોડ પર આવેલી છે. જ્યાં 25થી 30 માણસ કામ કરે છે. કેટલાક લોકો અન્ય સ્થળોથી પણ જોડાય છે. હાલમાં અમારું વાર્ષિક ટર્નઓવર 4થી 6 કરોડ રૂપિયાનું છે. અમારો કોઈ પણ પ્રોજેક્ટ ઓછામાં ઓછા 1 લાખ અમેરિકન ડોલરથી શરૂ થાય છે.’ ‘હાલમાં લોસ એન્જલસમાં રાધા કૃષ્ણ મંદિર બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ જગ્યા ભૂકંપ ઝોનમાં આવે છે. એટલે અમે ત્યાંના નિયમો પ્રમાણે જ તેના સ્ટ્રકચરમાં કેટલું વજન રાખવું અને કેવી રીતે તૈયાર કરવું એ બાબતે વિશેષ ધ્યાન રાખી રહ્યા છીએ.’ ‘ભારતમાં અમારો પહેલો પ્રોજેક્ટ ગોવામાં બિરલા મંદિરનો હતો. અત્યારે હું ફરિણીધામમાં એક હવેલી બનાવી રહ્યો છું, આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન સ્વામીનારાયણે મહામંત્રની ઘોષણા કરી હતી. ત્યાં અમે રજવાડું સ્ટાઈલથી આખી હવેલી બનાવી રહ્યા છીએ.’ ‘અમે મૂળ કચ્છના ભિમાસર ગુટકિયાના છીએ. જે વાગડ પ્રાંતમાં આવેલો છે. મારા પિતાજીની ઉમંર 10 કે 12 વર્ષની હતી ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું. મારા પિતાને નાનપણથી જ પેન્ટીંગમાં રસ હતો. આ વાત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય મુક્તજીવન સ્વામીના ધ્યાનમાં આવી એટલે તેમને અમદાવાદ બોલાવ્યા. એ પછી મારા પિતાએ પોતાની કળા દર્શાવવાનો મોટો અવસર મળ્યો અને ખૂબ જ પ્રસિદ્ધ થયા. મારા પિતાની કામગીરી બદલ તેમને લલિતકલાથી લઈને રાષ્ટ્રપતિના હસ્તે પણ એવોર્ડ મળી ચૂક્યા છે.’