19 વર્ષીય કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરના આરોપીને પકડવા માટેની ઇનસાઇડ સ્ટોરી સાંભળી તમે પણ આશ્ચર્ય મુકાઈ જશો. સિરિયલ કિલરને પકડવા માટે પોલીસે સુરતના સ્કેચ- આર્ટિસ્ટ દીપેન જગીવાલા પાસેથી સ્કેચ બનાવડાવ્યો હતો, સાથે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં દેખાતા આરોપીના ફૂટેજ પોલીસ દ્વારા સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલના કર્મચારીએ ઇ-પ્રિઝનર્સ વેબસાઈટથી શોધખોળ કરી અને ત્યારે પોલીસને ખબર પડી કે આરોપી અગાઉ જોધપુર જેલમાં હતો અને આ કડીના આધારે તેમજ જેલના કેદીઓએ સિરિયલ કિલરને ઓળખી કાઢ્યો, એ કારણે આ સિરિયલ કિલર સુધી પોલીસ પહોંચી શકી હતી. હજારો આરોપીને જોયા બાદ તેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. ગુજરાતના સ્કેચ-આર્ટિસ્ટ પાસે સ્કેચ બનાવડાવ્યો
ચકચારી વલસાડ જિલ્લા પારડી ખાતે 19 વર્ષની દીકરી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. આરોપી કોણ છે એની તપાસ ચાલી રહી હતી. આરોપીને કઈ રીતે ઓળખી શકાય એ માટે સીસીટીવી ફૂટેજ પણ કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીની ઓળખ સારી રીતે થાય એ માટે ગુજરાતના સ્કેચ-આર્ટિસ્ટ દીપેન જગીવાલાની મદદ લેવામાં આવી હતી. તેમણે તમામ સીસીટીવી ફૂટેજમાં કેદ આરોપીને જોયો હતો અને ત્યાર બાદ જે વાપી રેલવે સ્ટેશન પરથી આરોપી પસાર થયો હતો ત્યાં પણ મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશન પર ચા વેચનાર એક કાકાએ પણ આરોપીને જોયો હતો. દીપેન જગીવાલાએ તેમની સાથે વાતચીત કરી અને આરોપી કેવો દેખાય છે એ અંગે તમામ વિવરણ લીધું હતું અને ચાર કલાકની મહેનત બાદ આરોપીના વિવરણના આધારે સ્કેચ તૈયાર કર્યો હતો. ઇ-પ્રિઝનર્સના માધ્યમથી આરોપીની તપાસ હાથ ધરી
બીજી બાજુ સ્કેચ તૈયાર થતાં વલસાડ પોલીસ દ્વારા એને જાહેર જગ્યાઓ પર ચોંટાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસને આશંકા હતી કે કોઈ અપરાધિક વ્યક્તિ પણ આમાં સામેલ હોઈ શકે છે, જેથી વલસાડ પોલીસે સ્કેચ અને સીસીટીવી ફૂટેજમાં કેદ તસવીર અને વીડિયોને સુરત લાજપોર જેલમાં મોકલ્યાં હતાં, જેથી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વ્યક્તિ હોય તો તેની ઓળખ થઈ શકે. આ વચ્ચે સુરત લાજપોર જેલના કર્મચારીઓએ ઇ-પ્રિઝનર્સ વેબસાઈટના માધ્યમથી તસવીર અને સ્કેચના આધારે આરોપીની ઓળખ કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો અને આખરે તસવીર અને સ્કેચના માધ્યમથી આરોપીની ઓળખ થઈ. આરોપીનું કનેક્શન જોધપુર જેલ સુધી નીકળ્યું હતું. આ આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ રાહુલ જાટ હતો. પોલીસ જ્યારે જોધપુર જેલ સુધી પહોંચી ત્યારે આરોપી રાહુલ જાટ ત્યાં કેદી તરીકે રહી ચૂક્યો હોય એવી જાણકારી પણ મળી. પોલીસ તપાસ હરિયાણાના રોહતક જિલ્લા સુધી પહોંચી
વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે સ્કેચ અને સીસીટીવી ફૂટેજ સુરત લાજપોર જેલ મોકલ્યા હતા. સુરત લાજપોર જેલ પાસે એક એપ્લિકેશન છે, જેમાં મોટા ભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવનારા લોકોના ડેટા ઉપલબ્ધ છે. આરોપીની ઓળખ જે પણ માધ્યમથી થાય છે એના આધારે જેલની એપ્લિકેશનથી રાહુલ જાટના આધારકાર્ડ, સરનામું, તેના સંબંધીના ફોનનંબર વગેરે માહિતી પણ મેળવી લીધી અને તપાસ પહોંચી હરિયાણાના રોહતક જિલ્લા સુધી. રાહુલ ત્યાંનો વતની હતો. આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ‘કાકાની પૂછપરછ કરી મેં સ્કેચ બનાવ્યો’
સ્કેચ-આર્ટિસ્ટ દીપેન જગીવાલાએ જણાવ્યું હતું કે પારડી ખાતે એક દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ થયો હતો. ત્યાર પછી ત્યાંના પોલીસ-ઇન્સ્પેક્ટરનો મારી પર ફોન આવ્યો હતો. હું જાતે ત્યાં રૂબરૂ સ્કેચ બનાવવા માટે ગયો હતો. ત્યાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હતા, પરંતુ આ ફૂટેજ પરથી ફોટો ક્લિયર ધ્યાનમાં આવતો નહોતો, જેથી બાદમાં આ ફૂટેજનો એક સહારો લીધો તેમજ સ્ટેશન પર ચા બનાવતા એક કાકા, જેમણે આરોપીને જોયો હતો તે કાકાની પૂછપરછ કરીને મેં સ્કેચ બનાવ્યો હતો. સ્કેચ બનાવવામાં ત્રણથી ચાર કલાક લાગ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાકા એક તો વૃદ્ધ હતા અને તેમની માનસિક પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી. ઉપરથી ગ્રામીણ વિસ્તાર હતો. સ્કેચ બનાવવામાં ત્રણથી ચાર કલાક લાગ્યા હતા. પોલીસે સ્કેચને જાહેર કરીને તમામ જેલમાં મોકલી આપ્યા હતા. લાજપોર જેલમાંથી તેમને એવી માહિતી મળી હતી. સ્કેચના આધારે જે દેખાય છે એવી વ્યક્તિ અને ફૂટેજમાં દેખાતી વ્યક્તિ, જે લંગડાઈને ચાલતી હતી, એને મેચ કરતાં એક વ્યક્તિની ઓળખ થઈ છે. પોલીસે અગાઉની તપાસ કરતાં તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો.