પાકિસ્તાન ટેસ્ટ ટીમના હેડ કોચ જેસન ગિલેસ્પીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદને ટેસ્ટ ટીમના વચગાળાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે આ જાણકારી આપી હતી. PCBના કેટલાક નિર્ણયોથી ગિલેસ્પી ખુશ નહોતો. તેણે સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા બોર્ડને આ અંગે જાણકારી આપી હતી. ગિલેસ્પીને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતા. પાકિસ્તાનની ટીમ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમશે જ્યારે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. આ પહેલા પાકિસ્તાને સાઉથ આફ્રિકામાં ત્રણ વનડે અને ત્રણ T20 મેચની સિરીઝ પણ રમવાની છે. ગેરી કર્સ્ટને છ મહિનામાં કોચિંગ છોડી દીધું
તાજેતરમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના કેપ્ટન અને મુખ્ય કોચની પસંદગીનો અધિકાર છીનવી લીધો હતો. આ જ કારણ હતું કે ગેરી કર્સ્ટને ઓક્ટોબરમાં છ મહિના પછી પદ છોડ્યું હતું. ODI વર્લ્ડ કપ 2023 બાદ મિકી આર્થરે રાજીનામું આપ્યું
ICC ODI વર્લ્ડ કપ 2023 પછી, PCBએ તેના સપોર્ટ સ્ટાફમાં ઘણા ફેરફાર કર્યા હતા. ટીમ ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. મિકી આર્થર, ગ્રાન્ટ બ્રેડબર્ન અને એન્ડ્રુ પુટિકે વર્લ્ડ કપ બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આર્થરને એપ્રિલ 2023માં પાકિસ્તાન મેન્સ ક્રિકેટ ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. બ્રેડબર્નને ગયા વર્ષની શરૂઆતમાં ટીમના મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા હતા.