હર્ષિલ પરમાર
શિયાળામાં કચ્છ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી વળતી હોય છે. આ વર્ષે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છ સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીની અસર હેઠળ છે. નલિયામાં પારો 4 દિવસથી સિંગલ ડિજિટમાં છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે કચ્છ સહિત સમગ્ર ઉત્તરભારતના અાકાશમાં 12 કિમી ઉપરથી અંદાજે 300 કિમી પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતી જેટસ્ટ્રીમના લીધે પણ ઠંડીની અસર વધી છે. ખુદ ભારતીય હવામાન વિભાગ અા વાત કરી રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ભુમધ્ય સાગરમાંથી ઉઠતી એક હવા પ્રણાલી છે. ઉત્તરીય ઠંડા અને દક્ષિણ ભાગમાંથી આવતા સહારાના રણ સહિત આફ્રિકાના પવનો ભુમધ્ય સાગરમાં ટકરાય છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. શું છે જેટ સ્ટ્રીમ ?
ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળની ઉપરના અને સમતાપમંડળની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારાને જેટ સ્ટ્રીમ કહેવાય છે. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. ક્યારેક તે 320 કિમી/કલાકના વેગથી વાય છે. ‘જેટ સ્ટ્રીમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ વધારી રહી છે’
સામાન્ય રીતે જેટ સ્ટ્રીમની ભારતીય ગોળાર્ધમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં અસર વધારે હોય છે. જોકે હાલ 12 કિમી ઊંચાઇએથી જે ઝડપે આ હવા વહી રહી છે તેનાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ વધવામાં મદદ મળી રહી છે. જેટ સ્ટ્રીમની હવા નીચે પશ્ચિમી વિક્ષોભ સાથે ભળતા ઠંડીનું જોર વધી રહ્યું છે. > ઋષિકેશ આગરે, હવામાન નિષ્ણાંત