ભાસ્કર ન્યૂઝ | લંડન/વૉશિંગ્ટન
બ્રિટનમાં એક નવ વર્ષના બાળકમાં ત્રણ વર્ષની બાળકીના હૃદયનું પ્રત્યારોપણ કરાયું હતું. હાલમાં જ તેમના પરિવારજનોએ કહ્યું કે બાળકને પાણીથી ખૂબ ડર લાગે છે. તે પાણીની નજીક જતા જ ગભરાય છે. વાસ્તવમાં ડોનર બાળકીનું મૃત્યુ પાણીમાં ડૂબવાથી થયું હતું. જોકે રિસીવર બાળકને એ અંગે જાણકારી અપાઇ ન હતી. એ જ રીતે એક પ્રોફેસરમાં પોલીસ અધિકારીના હૃદયનું પ્રત્યારોપણ કરાયું હતું. પ્રોફેસર કહે છે કે અનેકવાર તેમનો ચહેરો ગુસ્સામાં લાલઘૂમ થઇ જાય છે. તેમને ગોળી લાગી હોવાનાં સપનાં આવે છે. પ્રોફેસર જાણતા ન હતા કે પોલીસ અધિકારીનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે.
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે કે અંગ પ્રત્યારોપણના દર્દીઓને ડોનર્સની યાદો અને વ્યક્તિત્વ વારસામાં મળી રહ્યા છે. અંગ પ્રત્યારોપણ કરાવનારા અનેક લોકોએ પોતાની યાદો, ભાવનાઓ, સ્વાદ અને યાદોમાં અજીબોગરીબ ફેરફારની વાત કરી છે. રિસર્ચ અનુસાર આ લક્ષણો હૃદય પ્રત્યારોપણ કરાવનારા લોકોમાં સૌથી સામાન્ય છે, પરંતુ જે લોકોને કિડની, ફેફસાં અને ચહેરા પણ મળ્યા છે, તેઓએ ભોજન અને સંગીતની પસંદગીથી લઇને શારીરિક ફેરફાર પણ અનુભવ્યા છે. દર્દીઓનું માનવું છે કે આ ફેરફાર તેમને મળેલાં નવાં અંગના કારણે થઇ રહ્યા છે.
સંશોધકોએ પ્રત્યારોપણના 74 કેસના વિશ્લેષણના આધાર પર કહ્યું કે ઉભરતા પુરાવા દર્શાવે છે કે હૃદયના પ્રત્યારોપણમાં ડોનરના વ્યક્તિત્વથી જોડાયેલાં લક્ષણો તેમજ યાદો પણ રિસીવરમાં સ્થાનાંતરિત થઇ શકે છે. તેનું કારણ એ પણ છે કે હૃદય અને મગજ આંતરિક રીતે જોડાયેલાં છે. ઉપરોક્ત કેસમાં 23 હૃદય પ્રત્યારોપણ સાથે જોડાયેલા છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે રિસીવર સર્જરીથી પહેલાં ડોનરના વ્યવહાર અથવા વ્યક્તિત્વના લક્ષણોને વારસામાં લેવા અંગે પહેલાથી જ ચિંતિત હોય શકે છે. તેનાથી પણ વ્યવહારમાં ફેરફાર સંભવ છે. તે ઉપરાંત એક મોટા ઑપરેશનના તણાવને કારણે પણ દર્દીમાં જીવનના કેટલાંક પાસાંઓ જેમ કે સંબંધો વગેરેને લઇને દૃષ્ટિકોણ બદલાઇ શકે છે. આ નવી ઑપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા જેવું છે: રિપોર્ટ
જર્નલ ટ્રાન્સપ્લાન્ટોલૉજીના રિપોર્ટ અનુસાર મગજને અતિશય સક્રિય કરતા આ ફેરફારો ‘સેલ્યુલર મેમરી’’ને કારણે હોઈ શકે છે. વિચાર એ છે કે અપાયેલાં અંગ પોતે જ ડોનરની યાદો, વ્યક્તિત્વનાં લક્ષણો તેમજ વ્યક્તિગત પ્રાથમિકતાઓને ‘સેલ્યુલર મેમરી’’ના રૂપમાં લઇ જઇ શકે છે. આ યાદો અને લક્ષણો રિસીવરને ટ્રાન્સફર થઇ શકે છે. આ નવી ઑપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા જેવું છે. રિપોર્ટ અનુસાર હૃદયમાં જટિલ કોષિકાઓનું તંત્ર હોય છે, જેને હાર્ટ બ્રેન નામ અપાયું છે. જે ડોનરના મહત્ત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરી શકે છે. સંશોધકોના મતે ડીએનએ, આરએનએ અથવા પ્રોટિન મારફતે પણ સેલ્યુલર મેમરી ટ્રાન્સફર થઇ શકે છે.