back to top
Homeગુજરાતમેટ્રો-BRTS-પ્લેન એક જ જગ્યાએથી મળશે:સુરતમાં રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની 25% કામગીરી...

મેટ્રો-BRTS-પ્લેન એક જ જગ્યાએથી મળશે:સુરતમાં રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની 25% કામગીરી પૂર્ણ, બુલેટ ટ્રેન-એરપોર્ટ સાથે કનેક્ટ કરાશે; જુઓ અંદર-બહારની સુવિધાઓ

સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમકક્ષ બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા 1476 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. રેલવે, એસ.ટી. બસ, મેટ્રો રેલ તથા BRTS-સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એક જગ્યાએથી ઉપલબ્ધ બને એવા હેતુથી MMTH (મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ બની રહ્યો છે. આ સાથે બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે, જેની 25 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. પહેલું એવું રેલવે સ્ટેશન, જ્યાં મેટ્રો અને બસની પણ કનેક્ટિવિટી
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે. સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. રૂ. 1476 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે. નવનિર્માણ બાદ સુરતનું રેલવે સ્ટેશન એવું બનશે, જે મેટ્રો ટ્રેન અને બસ સ્ટેશનની સાથે કનેક્ટ હશે. સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળનું કોમર્શિયલ બિલ્ડિંગ પણ તૈયાર થશે. વર્ષ 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે. સમગ્ર રેલવે સ્ટેશનની બ્લૂપ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી
MMTH પ્રોજેક્ટની પ્રસ્તાવિત સુવિધાઓમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, સુરતની પૂર્વ બાજુને કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, રેલવે પ્લેટફોર્મ, GSRTC ટર્મિનલને વિના અવરોધ કનેક્ટિવિટી માટે પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોનકોર્સ અને વોકવેનો સમાવેશ થાય છે. મુસાફરો માટે BRTS-સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, એલિવેટેડ કોરિડોર, સ્કાયવોક્સ વગેરે સુવિધાઓને આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય 63%, રાજ્ય સરકાર 24% અને સુરત મનપા 3% ખર્ચ વહન કરી રહી છે. ‘સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે’
આ અંગે વેસ્ટર્ન રેલવેના ચીફ પી.આર.ઓ. વિનીત અભિષેકે જણાવ્યું હતું કે MMTH પ્રોજેક્ટ અંતર્ગત 62,129 ચોરસ મીટર જમીન પર ઇસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 26,297 ચોરસ મીટર જમીન પર વેસ્ટ સ્ટેશન બિલ્ડિંગ, 33,188 ચોરસ મીટર જમીન પર એસ.ટી. (GSRTC) બસ સ્ટેશન અને 5.50 કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોરનું કામ પ્રગતિમાં છે. એલિવેટેડ કોરિડોર સુગમ વાહન-વ્યવહારની કનેક્ટિવિટી માટે ઇસ્ટ, વેસ્ટ બિલ્ડિંગ અને આસપાસના ફ્લાયઓવર્સને જોડશે. સુરત રેલવે સ્ટેશનમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે. સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે. વર્ષ 2026ના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલવે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. ‘બસમાંથી ઊતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકાશે’
SITCOના DGM જતિન શાહે જણાવ્યું હતું કે MMTH પ્રોજેક્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નં. 4નું કાર્ય પૂર્ણ કરી રેલવે બોર્ડને પૂર્વવત્ રેલ પરિવહન માટે સોંપી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રેલવેતંત્ર દ્વારા બ્લોક મળ્યેથી પ્લેટફોર્મ નં. 2 અને 3નું કામ શરૂ કરી 98 દિવસમાં પૂર્ણ કરાશે. નોંધનીય છે કે મુસાફર MMTH સ્થળેથી સીધો ઇસ્ટ તરફના રેલવે સ્ટેશન, વેસ્ટ તરફના સ્ટેશને, એસ. ટી. બસમાં, સિટી બસ-BRTS બસમાં પ્રવેશ કરી શકશે. ઉપરાંત તમામ બસોમાંથી ઊતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકશે અને એ માટે કોઈપણ પ્રવાસીને MMTH બિલ્ડિંગની બહાર રસ્તા પર આવવાની જરૂર નહીં રહે. ઉપરાંત તમામ ટ્રાન્સપોર્ટેશન મોડ એકસાથે ઇન્ટર્નલ કનેક્ટેડ રહેશે, એ માટે 6 મીટર પહોળાઈના 3 સ્કાયવોક બનાવાશે. 2026ના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે
સુરત રેલવે સ્ટેશનને ઈન્ટિગ્રેશન ઓફ ઓલ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ્સ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2026ના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલવે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત છે. MMTH પ્રોજેક્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નં. 4નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી દિવસોમાં પ્લેટફોર્મ નં. 2 અને 3નું કામ શરૂ કરી 98 દિવસમાં પૂર્ણ કરાશે. સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પ. લિ. (SITCO) દ્વારા મુસાફરો માટે BRTS-સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, એલિવેટેડ કોરિડોર, સ્કાયવોક્સનું કાર્ય પ્રગતિમાં છે. આ પણ વાંચો…. કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી શરૂ; બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા એક જ જગ્યાએથી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments