back to top
Homeગુજરાતરાજકોટમાં ઉમિયાધામનું CMએ કર્યું ખાતમુહૂર્ત:જશવંતપુરમાં 550 કરોડના ખર્ચે સંકુલ બનશે, અયોધ્યામાં લાગેલા...

રાજકોટમાં ઉમિયાધામનું CMએ કર્યું ખાતમુહૂર્ત:જશવંતપુરમાં 550 કરોડના ખર્ચે સંકુલ બનશે, અયોધ્યામાં લાગેલા પથ્થરોથી મંદિર નિર્માણ પામશે; રૂપાલાની સમાજને ટકોર

રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવા પ્રયત્ન કરો. ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર-સંકુલ માટે કુલ 32 વીઘા જમીનની ખરીદી કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, હરિભાઈ પટેલ અને કડવા પાટીદાર સમાજની દરેક સંસ્થાના પ્રમુખ હાજર રહ્યાં હતાં. સો.મીડિયાથી યુવા ગુમરાહ થતાં હોય તો બચાવી લો- રૂપાલા
રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરતાં જણાવ્યું હતું કે જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ એવી જ રીતે આપણે સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો અને ઉદ્યોગની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ. વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવી જોઈએ. આપણો દીવો ચાલુ હોય તો એમાં આડા બે હાથ રાખી એને પવનનો ઝપાટો ન લાગે એની કાળજી રાખવી જોઈએ. યુવાનોને વ્યસનો અને આદતોથી દૂર રાખશો તો સમાજ છે એના કરતાં પણ હજુ આગળ વધશે. ધર્મની સાથે સેવાનાં કાર્યો પણ કરવામાં આવશે
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં પણ કાર્યક્રમ કરીશું. ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ધર્મના કાર્યની સાથે સમાજ સેવાનાં કર્યો પણ કરવામાં આવશે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યો છે. રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં સુશાસનના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે. સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનની માફક રાજકોટનો વિકાસનો પ્રયત્ન છે. ગુજરાતમાં 14 લાખ પ્રધાનમંત્રી આવાસો બનાવ્યાં છે. 2047ના સમયને વડાપ્રધાને અમૃતકાળ ગણાવ્યો છે. નગરો હરિયાળા, સ્વચ્છ બને એ જરૂરી છે. સ્વચ્છ, સમૃદ્ધ અને વિકસિત ગૂજરાતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ મનોદિવ્યાંગનો એવોર્ડ મેળવનાર નીતિ રાઠોડને રાજ્ય સરકાર તરફથી રૂ. 51,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અયોધ્યામાં લાગેલા પથ્થરોથી ઉમિયા મંદિર નિર્માણ પામશે
ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે. અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે
મંદિરની સાથે 10 એકર જગ્યામાં સેવાશ્રમ અને શિક્ષણધામ આકાર લેશે અને એના માટે અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રિંગ રોડથી એક કિલોમીટરના અંતરે આ બંને પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક પણ આકાર લેશે. અત્યારસુધીમાં સંસ્થાને 8 કરોડ રૂપિયા જેટલું દાન મળી ચૂક્યું છે, જે પૈકી 2.50 કરોડનાં મુખ્ય બે દાતા પ્રવીણાબેન અશોકભાઈ કાલાવાડિયા અને જેન્તીભાઇ રવજીભાઈ કાલાવડિયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તક્તી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રૂ.36.17 કરોડના ખર્ચે 14 હજાર ચો.મી. બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડરગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેંક, ટેરેસમાં ચાઇનામોજેક વોટરપ્રૂફિંગ, વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અદ્યતન ભવન નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રીને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ.150 કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. 12 માળની આ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બી.ટી.સવાણી હોસ્પિટલના ચેરમેન જયંતી ફળદુએ જણાવ્યું હતું કે સરકારની આયુષ્માન યોજના લોકો માટે વરદાનરૂપ બની રહી છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશીએ નિર્માણાધીન શિતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેને પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લિવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે 12 એડવાન્સ પ્રકારનાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ, જેમાં રોબોટિકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પૂરી પાડવામાં આવશે. વિવિધ પ્રકારની ઓપીડી માટે લગભગ 30 જેટલા કન્સલ્ટિંગ રૂમ અને વેઇટિંગ માટે વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ કેમ્પસ ગ્રીન અને સસ્ટેઇનેબલ બની રહે એ માટે સોલર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પાંચ માળના પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments