સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી થઇ હતી. આ બાદ સરપંચ અને તેમનો પુત્ર સગીરને સમજાવવા માટે સગીરના ઘરે ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા સગીરે પિતા-પુત્રને ચપ્પાના ઘા માર્યા હતા. એમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે, જ્યારે સરપંચની હાલત ગંભીર છે. બોલાચાલી બાદ મામલો બગડ્યો
આ ઘટના અંગે મળતી માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમશી ઝીણાભાઈ કાલિયાનો 23 વર્ષીય પુત્ર આદર્શ ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, જ્યાં તેના કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. જેથી ગતરોજ મોડી સાંજે નટવરગઢ ગામમા સરપંચ કરમશીભાઈ કાલિયા તેમના પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા તેના ઘરે ગયા હતા, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચપ્પુના ઘા મારી સગીર ફરાર થઈ ગયો
આ દરમિયાન ઉશ્કેરાયેલા સગીરે ચપ્પુના ઘા મારી સરપંચ અને તેમના પુત્ર આદર્શને અધમૂઓ કરી દીધા હતા અને તે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સગીરે પિતા-પુત્રને ચપ્પાના આડેધડ ઘા મારતાં બંને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી આદર્શને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ કરમશીભાઈના પુત્ર આદર્શનું મૃત્યુ થયું હતું. સરપંચ કરમશીભાઈ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મારામારીના આ બનાવમાં કુલ ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેઓ પણ સારવાર હેઠળ છે. પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ
આ અંગે લીંબડી DySP વી.એમ.રબારીએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચ અને ફરિયાદી કરમશીભાઈ ઝીણાભાઈ કાલિયાનો પુત્ર આદર્શ કરમશીભાઈ કાલિયા, જે ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો. તેને એના કાકાના સગીર વયના દીકરા સાથે બોલાચાલી થઈ હતી. આથી કરમશીભાઈ કાલિયા અને તેમનો દીકરો આદર્શ કાલિયા તેમના ભત્રીજાને સમજાવવા તેના ઘેર ગયા હતા. ત્યારે આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને સગીરે ઘરમાંથી ચાકુ લઇ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. એમાં આદર્શ કાલિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા કરમશીભાઈ ઝીણાભાઈ કાલિયાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી ફરાર સગીર વયના આરોપીને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.