સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકો તો પરેશાન છે પણ વાહનચાલકો પણ પરેશાન છે, પરંતુ વેપારીઓનો પ્રશ્ન ઘણો મોટો પુરવાર થઈ રહ્યો છે. સીધી રીતે તેમની આજીવિકા ઉપર અસર થઈ રહી છે, તેનાથી તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે. મેટ્રોએ જે કંપનસેશનની વાત કરી હતી તેના કરતાં વિપરીત પ્રકારની સ્થિતી ઉભી થવાને કારણે વેપારીઓમાં ભૂતકાળમાં પણ રોષ જોવા મળ્યો હતો. 325 દુકાનના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
સુરતના ભાગળ વિસ્તાર પર ખૂબ મોટો વેપાર ધંધો થતો હોય છે, ત્યાંના વેપારીઓની રોજની આવક પણ ખૂબ સારી હોય છે, પરંતુ મેટ્રોની કામગીરી ભાગળ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર અસર થઈ છે. આર્યમન આર્કેડના 325 જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. રોડ ખુલ્લો કરવાની વાત કરી હતી, પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દીધો છે જેના કારણે ગ્રાહકો તેમની દુકાનમાં પ્રવેશી પણ શકતા નથી. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે, વેપાર ઉપર સૌથી મોટી અસર થાય એટલું જ નહીં, પરંતુ આર્યમન આર્કેટમાં જ્યાં બેંક આવેલી છે તે બેંક પણ પોતાનો કરાર 2025-26 માં પૂરો થતો હતો તેને બદલે અત્યારે જ પૂરો કરી દીધા હોવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે અહીં રસ્તો ન હોવાને કારણે બેંકમાં ગ્રાહકો આવી શકતા નથી તેમ જ કેસ ભરવાને લઈને પણ સિક્યુરિટીને ભારે મુશ્કેલી થઈ રહી છે. જેથી બેંકના સંચાલકોએ પણ સ્થળ બદલવા માટેની તૈયારી કરી લીધી છે, આવી સ્થિતિ હોવા છતાં પણ મેટ્રોના અધિકારીઓ વેપારીઓને કોઈપણ પ્રકારનો સહયોગ આપી રહ્યા નથી. મેટ્રોના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ
વેપારી હરીકિશન દોરીવાળાએ જણાવ્યું કે, અમે જ્યારે ધરણા પર આજે સવારે બેઠા હતા, ત્યાર બાદ અધિકારીઓએ અમને મળવા માટે બોલાવ્યા છે. અધિકારીઓને મળ્યા બાદ સંતોષકારક જવાબ ન મળે તો ફરીથી અમે ધારણા શરૂ રાખીશું. અત્યાર સુધી જે પ્રકારની વાત થઈ છે તે મુજબ અમને મેટ્રોના અધિકારીઓને એવી માનસિકતા દેખાતી નથી કે તેઓ અમને આર્થિક રીતે મદદરૂપ કે સહયોગ આપશે. પરંતુ હજી એક વખત અમે આટલા સમયથી પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમણે બોલાવ્યા છે તો અમે એમને મળવા માટે જઈ રહ્યા છીએ. જોકે, એક વાત ચોક્કસ છે કે, મેટ્રો પ્રોજેક્ટના કારણે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે.