સુરતના પાલ વિસ્તારમાં કેનાલ રોડ પર બુધવારે પીવાના પાણીની લાઈન ફાટતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ લાઈનમાં ભૂલના કારણે હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું અને રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી ફરી વળ્યા હતા. આ ઘટના બાદ ત્રણેક વાહનચાલકો ખાડામાં પટકાયા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે ઘટના પર વધુ પ્રકાશ પાથરે છે. એક બાદ એક ત્રણ વાહનચાલકો ખાડામાં પટકાયા
પાલ વિસ્તારમાં બુધવારે સવારે કેનાલ રોડ પર પૂજા ફ્લેટ્સ પાસે પીવાના પાણીની પાઈપલાઈન ફાટતાં રસ્તા પર ભારે પાણી ફરી વળ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સપ્લાય અવર્સ દરમિયાન લાઈન લીક થઈ, જેના કારણે હજારો લિટર પાણી વ્યર્થ વહી ગયું. લાઈન ફાટવાના કારણે રસ્તા પર પાણી ફરી વળતા મસમોટો ખાડો પડ્યો હતો. આ ખાડામાં રાત્રિના સમય દરમિયાન ત્રણેક વાહનચાલકો પટકાયા હતા, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, અંધારામાં વાહનચાલકો ખાડા પર કાબુ ન રાખી શકતા તેમના વાહનને નુકસાન થયું હતું. પાલિકાને જાણ કર્યા બાદ પર મોડી કામગીરી
આ અંગે સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, અમે તરત જ પાલિકાને જાણ કરી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં મોડું થયું. આ ખાડાને કારણે કેટલાય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ મ્યુનિસિપલ તંત્રએ સ્થિતી નિયંત્રિત કરવા માટે ગુરૂવારે રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. સવારથી શરૂ કરાયેલા કામકાજ બાદ રાત્રે લાઈનની મરામત પૂર્ણ કરી લેવાઈ હતી. જાગૃત નાગરિકે ખાડામાં વૃક્ષની ડાળી મુકી મદદ કરી
સૌથી મહત્વની વાત એ છે કે, આ ભૂવો સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરવામાં આવ્યો ન હતો, ત્યારે એક જાગૃત નાગરિક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને આ રીતે ભૂવો જોતા તેને પોતાનું મોપેડ ત્યાં ઉભું રાખ્યું હતું અને તાત્કાલિક ધોરણે એક ઝાડની ડાળખી લઈ આ ભૂવામાં મૂકી હતી. આ ડાળીને કારણે કોઈપણ વાહનચાલક આ રીતે પટકાય નહીં કે પડે નહીં. CCTV ફૂટેજમાં દૃશ્યો તંત્રની કામગીરી દેખાડે છે. હાલ તો લીકેજ રિપેર કરવામાં આવ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવું પુનરાવર્તન અટકાવવા માટે તંત્ર કેટલું સજાગ રહેશે?