સ્ટેટ જીએસટી વિભાગે નવેમ્બર 2024માં 12,192 કરોડની આવક મેળવી છે. જે નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની આવક થઇ હતી, આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જીએસટીની આવકમાં 12%નો વધારો થયો છે. જીએસટીની આવકમાં દર મહિને વધારો નોંધાતો જાય છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ડોમેસ્ટિક રેવન્યુ અંતર્ગત નવેમ્બર 2024માં થયેલી આવક જોવા જઈએ તો સેન્ટ્રલ GSTની 34,141, SGSTની આવક 43,047, IGSTની આવક 50.093 અને શેસની આવક 12,398 મળીને કુલ 1,39,679 કરોડની આવક થઇ છે. ગત વર્ષે નવેમ્બર 2023 સુધીમાં આ આવક કુલ રૂપિયા 1,27,695 હતી. આમ 11,984 કરોડની આવક વધારે થઈ છે. જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત અનેક સ્થળોએ બોગસ ઇન્વોઇસ બનાવીને ITC મેળવવાના કૌભાંડ પકડ્યા હતા. જે કૌભાંડનો આંકડો પણ અત્યાર સુધીમાં જોવા જઈએ તો સાતથી દસ હજાર કરોડની આસપાસ થાય છે. જીએસટી એન ફોર્સમેન્ટ વિભાગ પણ તબક્કાવાર રાજ્યભરમાં દરોડા પાડી રહ્યું છે. માત્ર ભાવનગરમાં જ જીએસટી ચોરીના કૌભાંડમાં અંદાજે 4,000 કરોડના બોગસ બિલીગના કૌભાંડો પકડાયા હતા. તેમાં ગુજસીટોક કાયદા અંતર્ગતનો ગુનો ગુજરાતમાં સૌથી પહેલો દાખલ થયો હતો જેમાં હજુ રિકવરી પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 150થી વધારે લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. એક તરફ મોબાઈલ વાન અને સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ બાતમીના આધારે દરોડા પાડીને તપાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જીએસટીની ચોરી કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો પણ મળ્યા છે. જીએસટીની નિયમિત મળતી આવકની સાથે જીએસટી ચોરીના કિસ્સાઓમાં જે કરદાતાઓ ટેક્સની રકમ ભરપાઈ કરી દેતા હોય છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, જીએસટી વિભાગને મોટી આવક થશે. ગુજરાતમાં રિફ્ન્ડ ચુકવવાની રકમમાં ઘટાડો થયો
ગુજરાતમાં દર વર્ષે જીએસટીની આવકમાં વધારો થતો હોવાથી સરકારની તિજોરી દર મહિને મોટી આવક થઇ રહી છે, ત્યારે નવેમ્બર મહિનામાં પણ જીએસટીની આવકમાં વધારો થયો છે તેની સામે વર્ષ 2023 અને વર્ષ 2024માં ડોમેસ્ટિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, ડોમેસ્ટિક આવકની સામે નવેમ્બર 2024માં સીજીએસટી દ્વારા 2,326 કરોડ, એસજીએસટી રૂપિયા 3,238 કરોડ, આઈ જીએસટીનું રૂપિયા 4,373 કરોડ અને શેસનું રૂપિયા 174 કરોડ મળીને કુલ 10,111 કરોડનું રિફન્ડ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ડોમેસ્ટિક રિફંડ વર્ષ 2023માં CGSTએ 2,952, SGSTએ 3,522 અને IGSTએ 5,797 અને શેસના રૂપિયા 304 કરોડ મળીને કુલ 12,575 કરોડનું રિફન્ડ ચૂકવ્યું હતું. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રિફંડ ચુકવવાના આકડાંમાં પણ ઘટાડો થયો છે. ખોટી રીતે કલેઇમ કરાતાં હોવાનું કારણ જવાબદાર
સૂત્રોના જણાવ્યા મુજબ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), બોગસ રિફન્ડ કલેઇમ કરવા, બોગસ ઇનવોઇસ, બોગસ કંપની અને કંપનીઓના નામે જીએસટીના નંબરો મેળવીને નાણાંકીય હેરાફેરી કરીને સહભાગી કંપનીઓમાં કરીને ખરીદ-વેચાણ બતાવીને જીએસટીમાં રિફન્ડ મેળવવામાં આવતું હોવાની ઉઠેલી ફરીયાદોના પગલે હવે વિભાગો તરફથી કડકાઇ દાખવવાની સાથોસાથ ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવતી હોવાથી હજુ રિફંડની રકમ ચુકવવામાં આગામી દિવસોમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. હાય વેલ્યુ રિફ્ન્ડ કલેઇમ કરનારા સામે પણ તવાઇ આવશે
હાય વેલ્યુ રિફંડ કલેઇમ કરનારા પર આગામી દિવસોમાં તવાઇ આવવાની સંભાવના છે. કેમ કે, મોટાભાગે નાના-મોટા ઉદ્યોગો કેટલું રિફંડ કલેઇમ કરે છે. જે તે કંપનીનો એક અંદાજિત આંકડો કાઢીને તેમની પાસેથી ડિપોઝીટ પહેલેથી ભરાવી દેવાની દરખાસ્ત જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો પાછળથી ચકાસણીમાં જે તે કંપનીએ ખોટી રીતે રિફન્ડ મેળવી લીધું હોવાનું માલૂમ પડે તો તે ડિપોઝીટની રકમમાંથી તે રિફન્ડની રકમની વસૂલ કરી લેવામાં આવે તેવી જોગવાઇ સૂચવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.