રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલનાં ખાતમુહૂર્તને 17 વર્ષ થયાં છતાં કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જેને લઈને આજે આટલા વર્ષોમાં તો તાજમહેલ પણ બની જાય સહિતનાં બેનરોની સાથે યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગી કાર્યકરોએ ડીગ્રીધારકોનો વેશ ધારણ કર્યો હતો અને નાટકીય રીતે રીબીન કાપી કોન્વોકેશન હોલનું ઉદ્દઘાટન કરી ખંઢેરને ‘જોશીપુરાનો ઉતારો’ નામ અપાયું હતું. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાય સહિત વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી આ કામમાં થયેલા રૂ. 1.61 કરોડનાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માગ કરી હતી. 2007માં કોન્વોકેશન હોલનું ખાતમૂહર્ત થયું હતુંઃ કોંગ્રેસ
સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સંઘ અને ભાજપ સાથે જોડાયેલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડૉ. કમલેશ જોષીપૂરાના કાર્યકાળ દરમિયાન એટલે કે, વર્ષ 2007માં કોન્વોકેશન હોલનું ખાતમૂહર્ત થયું હતું. જોકે, આજે 17 વર્ષ બાદ પણ આજની તારીખે આ સ્થળ ખંઢેરમાં ફેરવાયુ છે. અનેક કાયમી અને ઇન્ચાર્જ કુલપતિઓ આવ્યા છતાં આજે પણ વિદ્યાર્થીઓ આ કોન્વોકેશન હોલ ક્યારે બને અને તેમાં ક્યારે ડીગ્રીનું વિતરણ થશે તેની રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ સ્થળ અસામાજીક તત્વોનો અડ્ડો બન્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનુ નામકરણ કરી નાટકીય રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તેમજ રાજ્યપાલ સહિત સત્તાધીશોની આંખ ઉઘડવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરીને ખાતમુહુર્તો જ કરે છે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુસાશનની વાતો કરતી ભાજપ સરકાર પોતાના પક્ષના કહેવાતા આગેવાનને બચાવવા કેમ તપાસ કમિટીઓમાં ક્લીનચિટ આપી હતી? વિપક્ષ તરીકે અમારી ફરજ બને કે જનતા સમક્ષ સરકાર અને યુની.ના સતાધિશોની લોલમલોલ છતી કરવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે, ખરેખર કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરીને ખાતમુહુર્તો જ કરે છે. અમે ખાતમુહૂર્ત કરીએ તેના લોકાર્પણ પણ કરીએ છીએ, તેવા ભાજપનાં દાવા પોકળ સાબિત થયા છે. જો ગુજરાતના નામદાર રાજ્યપાલ ખરા અર્થમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાન્સેલર હોય તો સમગ્ર બાબતને વિજિલન્સ દ્વારા તપાસ કરાવે અને ભ્રષ્ટાચારમાં સામેલ જોશીપુરા કંપનીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરે તેવી અમારી માંગ છે. કોન્વોકેશન હોલ ભ્રષ્ટાચારનુ શ્રેષ્ઠ પ્રતીક બન્યુંઃ જીત સોની
જીત સોની નામના ડીગ્રીધારક બનેલા કોંગ્રેસના કાર્યકારે જણાવ્યું હતું કે, તાજમહેલ બનાવતા અંદાજે 17 વર્ષો લાગ્યા હતા. તેના કરતા વધુ સમયથી બનતા કોન્વોકેશન હોલે એક ઐતિહાસીક રેકૉર્ડ બનાવતા ભ્રષ્ટાચારનુ શ્રેષ્ઠ પ્રતીક બન્યું છે. વિદ્યાર્થીઓના હકના પૈસાથી બનનાર કોન્વોકેશન હોલમાં 17 વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓનો એકપણ પદવીદાન સમારોહ યોજાયો નથી. કોન્ટ્રાક્ટરોને આ માટે કરોડોની રકમ ચૂકવી છે એ પણ વસુલાતી નથી અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. ત્યારે ગુજરાત સરકારનાં રાજ્યપાલ આ મામલે તટસ્થ પગલાં લે તેવી અમારી માગ છે. રાજ્યપાલની હાજરીમાં જાહેરાત કરાઈ હતી
ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2007માં વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવામાં આવશે તેવી જાહેરાત તત્કાલિન કુલપતિ કમલેશ જોષીપુરા દ્વારા પદવીદાન સમારંભ વખતે રાજ્યપાલની હાજરીમાં કરવામાં આવી હતી. આ હોલ કેમ્પસમાં આવેલા કાયદા ભવન પાછળ બનાવવામાં આવશે, તેવું જાહેર કરાયું હતું. આ હોલનું ખાતમુહુર્ત વર્ષ 2007માં તત્કાલીન સતાઘીશો ડૉ. કમલેશ જોષીપુરા અને કલ્પક ત્રિવેદીએ સંઘ અગ્રણી મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતા હસુભાઈ દવેના હસ્તે કરાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા ટેન્ડર વગર કોન્વોકેશન હોલનું કામ મળતિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યાના આક્ષેપો થયા હતા અને રૂ. 1.61 કરોડ જેટલી રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટરોને ચૂકવી આપવામાં આવી હતી.