વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2016ની અંદર નોંધાયેલા અપહરણ અને ગેંગરેપના ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને નવ વર્ષનો સમય લાગ્યો છે. ગંભીર ગુનો હોવા છતાં પોલીસ માત્ર એક આરોપીને જ પકડી શકી છે, જ્યારે ત્રણ આરોપી હજુ પોલીસને હંફાવી રહ્યા છે. પોલીસે બેંકકર્મી હોવાનું કહી આરોપીની વિગત મેળવી
આ અંગે ઓપરેશન પાર પાડનાર અને સિટી પોલીસ મથકના સેકન્ડ PI આર. એલ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું અને અન્ય બે કોન્સ્ટેબલે આરોપીના ઘર મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના પ્રરનાલીખેડા તથા પાંચખીરિયામાં બેંકકર્મચારીઓ બની ગામલોકો સાથે હળીમળી આરોપીઓ વિશેની માહિતી એકત્રિત કરી હતી. અમે તેમના પરિવાર સુધી આરોપીની લોન બાકી હોવાનું કહી તેમની પાસેથી આ આરોપીનો નંબર મેળવી આખું ઓપરેશન પાર પાડ્યું હતું. એમાં નંબર મળતાંની સાથે જ આરોપી વડોદરા હોવાનું જાણવા મળતાં અન્ય ટીમે તાત્કાલિક આરોપી શાંતુ ઈલુ નીનામા (મૂળ રહે. ગામ- પાંચખીરિયા, થાના કાકાનવાની તાલુકો થાંદલા, જિલ્લો થાંબવા મધ્યપ્રદેશ, હાલ રહે. શુભદર્શન ગ્રીન ટીમ્બી તળાવ સામે હનુમાનપુરા વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વડોદરામાં હોવાનું જણાતાં પોલીસે દબોચી લીધો
આ અંગે એસીપી જી. બી. બાંભણિયાએ જણાવ્યું હતુ કે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નાસતાફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગ રૂપે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગરેપ-અપહરણ ગુનામાં નાસતાફરતા આરોપીઓ પૈકી શાંતુ ઇલુ નિનામા સામે વર્ષ 2016માં કેસ નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી છેલ્લાં નવ વર્ષથી પકડાયા ન હતા. આખરે વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને બાદમી મળતા આરોપીને શહેરના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીનો ઝડપી પાડવા બેંકકર્મચારીના નામે જઈ આરોપીને દબોચ્યો હતો. આજે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ અંગેની માગણી કરવામાં આવશે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. શું હતો સમગ્ર મામલો?
વડોદરામાં વર્ષ 2016માં સાઈટ પર કામ કરતી પંચમહાલની શ્રમિક યુવતીની એકલતાનો લાભ લઈને આરોપી શાંતુ ઇલુ નિનામા, કમલેશ નિનામા, કૈલાસ ભાભોર અને કાંતુ ભાંભોર રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડી એસટી ડેપોમાં લઈ ગયા હતા. ત્યાંથી રાજકોટ ખાતેના એક મકાનમાં 20 દિવસ સુધી તેને ગોંધી રાખવામાં આવી હતી. ત્યાં શાંતુ નિનામા સહિત 4 આરોપીએ 3 દિવસ વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ ત્રણ આરોપીએ આ યુવતીને કમલેશ નિનામાને સોંપી દેવામાં આવી હતી. ત્યારે આ કમલેશ નિનામાએ પણ યુવતી પર બળજબરી કરીને વીસ દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે મામલે પીડિત યુવતીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં મધ્યપ્રદેશ ખાતે રહેતો શાંતુ ઇલુ નિનામા વડોદરામાં રહીને મજૂરીકામ કરી રહ્યો હતો. તેની સાથે અન્ય શ્રમિકો અને યુવતીઓ પણ કામ કરતી હતી.