કોઈપણ કર્મચારીએ પોતાની ફરજ દરમિયાન જવાબદારી નિભાવવાની હોય છે અને એમાં જો બેદરકારી દાખવે તો એ કર્મચારીને ઉપરી અધિકારી ફરજ મુક્ત કરતા હોય છે. ત્યારે મોડાસા રુલર પીઆઇને રેન્જ આઈજીએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. ગત સપ્તાહે સાયબર ક્રાઇમની ટીમે 21.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતાં આઈજીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ સ્વામીને સસ્પેન્ડ કર્યા. દારૂ ભરેલી ટ્રક દાહોદથી લુણાવાડા, માલપુર અને મોડાસાથી ટીંટોઈ શામળાજી પોલીસ સ્ટેશન ભેદીને વાંટડા ટોલપ્લાઝા સુધી કઈ રીતે પહોંચી…!સાયબર ક્રાઇમે દાહોદ તરફથી આવેલી દારૂ ભરેલી ટ્રક મોડાસા રૂરલ પો.સ્ટે હદમાં ઝડપી હતી. જેને લઈને અનેક તર્ક વિતર્કો ઉઠ્યાં હતા. બુટલેગરો અને ખાખીમાં રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દારૂની લાઇન ચલાવવા અવનવા પેંતરા કરતા હોય છે. ત્યારે, સાયબર ક્રાઇમ ટીમની કામગીરી સામે પણ અનેક તર્ક વિતર્ક ઉઠ્યાં છે કે, દારૂ ભરેલી ટ્રકને વોંટડા ટોલપ્લાઝા નજીક લઇ જવાની સૂચના આપનાર કોણ..! અરવલ્લી જિલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કડક અમલવારી કરાવતાં રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવવામાં આવતી હોય છે. ત્યારે વર્ષે દહાડે ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતાં બુટલેગરો અને પોલીસવર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સમસમી ઉઠ્યા છે. દારૂની લાઇન ચલાવવા તેઓ છેક ગાંધીનગર સુધી આંટાફેરા મારી રહ્યા હોવા છતાં જિલ્લા પોલીસ દારૂની લાઇન ચાલવા ન દેતાં જિલ્લા પોલીસતંત્રને બદનામ કરવાના નીતનવા નુસખા અપનાવાતા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના વાંટડા ટોલપ્લાઝા નજીક થોડાં દિવસ અગાઉ સાયબર ક્રાઇમ ટીમે 21.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતાં આઈજીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ સ્વામીને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.