આણંદની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર ચાર દાયકાથી દબાણો ખડકાયા હતા. કેટલાક પરિવારોએ ગેરકાયદે કાચા-પાકા ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેક વાર પ્રયત્નો કરાયા હતા. પરંતુ રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દરેક વખતે પડતી મુકાતી હતી. જોકે, આજે વહેલીસવારથી દબાણ હટાવ કામગીરી થઈ ગઈ હતી. પરંતુ બપોર બાદ મંદિરનું દબાણ દૂર કરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જેને પગલે પોલીસે પથ્થરમારો કરનાર સ્થાનિકો પર પોલીસે બળપ્રયોગ કર્યું હતું. જ્યારે 15 જેટલા લોકોની અટકાયત કરી હતી. મંદિર તોડવા જતાં સ્થાનિકોએ પથ્થરમારો કર્યો
દબાણકર્તાઓ દ્વારા આ જગ્યામાં ચાર જેટલાં નાના-મોટા મંદિર પણ બનાવી દેવામાં આવ્યાં હતાં. તંત્ર દ્વારા કાચા-પાકા મકાનો તેમજ ઝુંપડા તોડ્યાં બાદ આ મંદિરો તોડવાની કામગીરી આરંભી હતી. જે દરમિયાન સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં. રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. જોકે, સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે હળવો બળપ્રયોગ કરી, આ છમકલું કરનાર 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી. હિન્દઓએ તોડવાની મનાઈ કરી, અન્ય ધર્મના શીખાઉ ડ્રાઈવર પાસે મંદિર તોડાવ્યાં
સ્થિતિ કાબૂમાં આવ્યાં બાદ રહીશોએ મંદિરમાં પૂજા-આરતી કરી, જાતે જ ભગવાનની મૂર્તિઓ હટાવી હતી. જે બાદ તંત્ર દ્વારા આ મંદિર તોડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, જે.સી.બી.ના ડ્રાઈવરોએ મંદિર તોડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી, તંત્રની ટીમે એક બિનહિન્દુ ડ્રાઈવરને આ મંદિર તોડવા તૈયાર કર્યો હતો. પરંતુ, તે ડ્રાઈવર યોગ્ય રીતે જે.સી.બી મશીન ચલાવી શકતો ન હોવાથી મંદિર તોડવાની કામગીરી અટકી હતી. જોકે, મહામુસીબતે આ શીખાઉ ડ્રાઈવરે જે.સી.બી.થી તમામ મંદિરનો શિખર સહિતનો થોડો-થોડો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. મંદિર તોડતાની સાથે જ સ્થાનિકોના આંખમાં આંસુ આવી ગયાં હતાં. મહિલાઓએ તો રોક્કળ મચાવી હતી અને તંત્રની કામગીરી ઉપર આકરા પ્રહાર કર્યાં હતાં. દબાણ દૂર કરવા 7 જેસીબી કામે લગાડાયા હતા
આખરે હાઇકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતા. તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરીએ થોડા દિવસો અગાઉ સ્થળ મુલાકાત કર્યા બાદ આ દરેક કાચા-પાકા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ ગઈકાલે (13મી ડિસેમ્બરે) આ ગેરકાયદે દબાણોમાં લાઈટ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજરોજ તંત્રની ટીમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને સાત જે.સી.બી મશીનની વડે બોરસદ ચોકડી સ્થિત સરકારી પડતર જમીનમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. અમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો- સ્થાનિક
સ્થાનિક કિરણભાઈ જણાવે છે કે, 30થી 35 વર્ષ જૂના આ અમારા દબાણો છે. જે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ, તંત્રએ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. માટે તંત્રને અમારે બસ એટલું જ કહેવું છે કે, અમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. બાકરોલમાં બે હેક્ટરનો પ્લોટ રિઝર્વ રખાયો છે- SDM
આ અંગે એસ.ડી.એમ ડૉ.મયુર પરમારે જણાવ્યું હતું કે, બોરસદ ચોકડી ખાતે વર્ષોથી જે દબાણ હતાં, તેને દૂર કરવા માટે નિયમોનુસાર નોટિસ આપવામાં આવી હતી. સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની તક પણ આપવામાં આવી હતી. જે અનુસાર 150 જેટલાં લોકોએ પોતાની જાતે જ દબાણો ગઈકાલ સુધીમાં દૂર કરી દીધાં હતાં. જે લોકોએ દબાણ હટાવ્યા ન હતાં, તે દૂર કરવા માટે બનાવેલી સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ટીમ, મામલતદારની ટીમ સહિત કુલ સાત ટીમો દ્વારા 300થી વધારે દબાણો હાલ દૂર કરી દેવામાં આવ્યાં છે. બાકરોલમાં બે હેક્ટરનો એક પ્લોટ તમામ દબાણકર્તાઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ, દરેક કુટુંબને 25 સ્ક્વેર મીટર સુધીનો એક પ્લોટ મળવાપાત્ર છે. તેની અરજી કરી, સરકારમાં નિયમોનુસારની ફી ભરવાથી તેમને 25 સ્ક્વેર મીટરનો પ્લોટ મળી જવાનો છે.