ચિંતન આચાર્ય
ગુજરાત ભાજપમાં સંગઠન પુનર્રચનાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ શહેરને ભાજપ કર્ણાવતી તરીકે ઓળખાવે છે અને હાલ સમગ્ર શહેરનું એક સંગઠન માળખું છે. પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભાજપ હવે અમદાવાદ શહેરને બે વિભાગમાં વિભાજિત કરશે અને ભૌગોલિક વિસ્તારને આધારે તેનું વિભાજન થશે. વિભાજન બાદ બે અલગ એકમો બનશે જે કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ તરીકે ઓળખાશે અને તેમાં સંગઠનના બે અલગ અલગ એકમો બનશે અને બે પ્રમુખો પણ આવશે.
ભાજપના સૂત્રો જણાવે છે કે, ભાજપમાં કાર્યકર્તાઓનો વ્યાપ ખૂબ વિશાળ થયો હોવાથી હાલ ઘણાં લોકોની અપેક્ષાઓ રહે છે કે તેઓને કોઇ હોદ્દો મળે. સતત કાર્યરત રહેનારાં આવા કાર્યકર્તાઓની અપેક્ષા વાજબી છે, પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે શક્ય હોતું નથી, પરંતુ અમદાવાદ શહેર વિસ્તારની દૃષ્ટિએ મોટું હોવાથી તેનું વિભાજન કરી બે અલગ માળખાં બને તો તેનો ઉકેલ શક્ય છે. આ અંગે હાલમાં ખૂબ પ્રાથમિક રીતે વિચારણા ચાલી રહી છે અને સંભવતઃ નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલા આ બાબતનો નિર્ણય લેવાઇ ગયો હશે.
ભાજપ અમદાવાદ મ્યુનિ.માં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર ઉપરાંત સંગઠનમાં પણ પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે પૂર્વ અને પશ્ચિમનું સંતુલન જાળવવા પ્રયત્ન કરે છે. વોર્ડ પ્રમુખથી માંડી તમામ મોરચામાં પણ નિમણૂક કરવામાં આવશે
હાલ જે વ્યવસ્થા વિચારાઇ છે તે અનુસાર બન્ને વિભાગના પ્રમુખોની નીચે સમગ્ર માળખું આવશે તેમાં વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચા અને બાકીના સભ્યો તેમના સંબંધિત પ્રમુખને રિપોર્ટ કરશે. આ ઉપરાંત બન્ને વિભાગનું મુખ્ય સંગઠન માળખું શહેર પ્રભારીને રીપોર્ટ કરશે. વિભાજનથી કામ વધુ સારું થશે સંગઠનનું વિભાજન થવાથી કામની વહેંચણી કરવામાં આવતા કામગીરી સરળ બનશે
આ સંજોગોમાં એકબીજાના વિસ્તારમાં હસ્તક્ષેપ ઓછો થશે અને સંગઠનનું વિભાજન થવાથી કામની વહેંચણી વધુ આસાન બનશે. શહેર પ્રમુખને માથે સમગ્ર શહેરની જવાબદારી આવવાથી તમામ મોરચા પર ધ્યાન કેન્દ્રીત કરવું મુશ્કેલ બનતું હતું તેને સ્થાને સંબંધિત વિસ્તારમાંથી જ પ્રમુખ અને મહામંત્રી સહિતની ટીમ હોવાથી કામ કરવું આસાન બની જશે. વિસ્તારો કેવી રીતે વહેંચવા તે હવે નક્કી થશે, નવા કાર્યકરને તક મળશે
અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમમાં વહેંચવા માટે સાબરમતી નદીના બન્ને કાંઠે આવેલા વિસ્તારને પૂર્વ પશ્ચિમમાં વહેંચવા કે એક આભાસી રેખાને આધારે વસતી અને વોર્ડની ગણતરી કરીને તેની વહેંચણી કરવી તે મુદ્દે હવે નિર્ણય લેવાશે. આ નક્કી કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો, કોર્પોરેટરો સહિતના લોકોનો અભિપ્રાય લેવાઇ શકે છે. આ વહેંચણી પાછલનો મુખ્ય ઉદ્દેશ પક્ષમાં વર્ષોથી કાર્ય કરનારા અને સારું કાર્ય કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોને હોદ્દો આપી શકાય અને સાથે નવી નેતાગીરી પણ ઊભી કરી શકાશે.