આજથી સુરતમાં ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કાપડ, હીરા અને સોલાર પેનલ બાદ હવે સુરતને સેમીકન્ડક્ટર ક્ષેત્રે નવી ઓળખ મળશે. ટીવી, એસી, ફ્રીજ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ થતી ચીપનું ઉત્પાદન હવે સુરતમાં થશે. સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે 100 મિલિયન ડોલર (રૂ.840 કરોડ)ના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમીકન્ડક્ટર ઍસેમ્બ્લી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. 30 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે શુભારંભ
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફૅક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરિયલ સેમીકન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમીકન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે. કોરોના કાળ બાદ સૂચિ સેમિકોન કંપની દ્વારા ખૂબ ઓછા સમયમાં પ્લાન્ટ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં તેમના સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના વિઝનની વડાપ્રધાને પણ સરાહના કરી હતી અને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમીકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા બદલ પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. રૂ.840 કરોડના ખર્ચે પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં ચીપ્સનું ઉત્પાદન શરૂ
મંત્રી સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે, દેશમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાતમાં મેડિકલ ડિવાઈસ બનાવવામાં સુરત પ્રથમ ક્રમે છે. તાપીથી વાપીની ધરતીનું પાણી જ ઉદ્યોગકારોને સાહસ કરવા પ્રેરે છે. આ ધરતીની તાસીર જ રહી છે કે, ઉદ્યોગ સાહસિકો જે ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં ડંકો વગાડે છે. ‘તાપીથી વાપીની ધરતીનું પાણી ઉદ્યોગકારોને સાહસ કરવા પ્રેરે છે’ : પાટીલ
તેમણે સૂચિ સેમિકોનના સ્થાપક અશોક મહેતાને અભિનંદન આપતાં કહ્યું કે, રૂ.1500ની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર અશોકભાઈ આજે સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં 1500 હોનહાર ઇલેક્ટ્રોનિક એન્જિનિયરને રોજગારી આપી રહ્યા છે. એમ જણાવી તેમણે ઉદ્યોગકારોને રેઈન વોટર હાર્વેસ્ટિંગથી જળસંચયને વેગ આપી ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં સહયોગી બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ‘ચીપ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન’ : અશોક મહેતા
સુચી સેમિકોનના એમ.ડી અશોક મેહતાએ જણાવ્યું કે, પલસાણા તાલુકાના બગુમરા ખાતે 100 મિલિયન ડોલર (રૂ.840 કરોડ)ના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ એવા અદ્યતન સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ કામ ખુબ જ પડકારજનક છે. પરંતુ આ ઉદ્યોગના સપોર્ટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વર્ષ 2021માં કોરોના દરમિયાન સેમીકન્ડક્ટર ચીપની વિશ્વભરમાં તંગી હતી. જેના કારણે કાર સહિતની વસ્તુઓની ડિલવરી લોકોને સમયસર મળતી ન હતી. આ સમય ગાળા દરમિયાન મને વિચાર આવ્યો કે, આપડે ભારતમાં આવી ચીપ કેમ ન બનાવી શકીએ ? આપણો દેશ આત્મનિર્ભર કેમ ન બને? આ વિચાર સાથે રિસર્ચ શરૂ કર્યુ. કોરોનાકાળ બાદ વર્ષ 2021થી સતત બે વર્ષ સુધી રિસર્ચ અને એનાલિસિસ કર્યું હતું. આ માટે જુદા જુદા 12 દેશોમાં ભ્રમણ કર્યું હતું. ‘સેમી કન્ડકટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની ગુજરાતમાં ક્ષમતા’ : સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, કાર, ડિવાઈસ, ઈન્ટરનેટની ડેટા ટેકનોલોજી વગેરેમાં ‘સેમીકન્ડક્ટર’ ચાલક બળ હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમીકન્ડક્ટર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’બનાવવા માટે સરકારે જાન્યુઆરી-2022માં સેમીકન્ડક્ટર પોલિસી અમલી બનાવી છે. જેના પરિણામે સેમીકન્ડક્ટર-માઈક્રો ચીપ્સ અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે
સુરતની સુચિ સેમિકૉન નામની કંપની દ્વારા રોજની 3 લાખ ચીપનું નિર્માણ થશે. આ તમામ ચીપ અમેરિકાની ટી.વી, એસી. કોમ્પ્યુટર બનાવતી કંપનીને એક્સપોર્ટ કરવામાં આવશે. ગુજરાતમાં સેમિકંડક્ટર ઉત્પાદનની 4 કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી આ પહેલી કંપની છે, જેમાં ઉત્પાદન શરૂ થશે. આજના ઉદ્દઘાટન બાદ સુચી સેમિકોનમાં ચીપનું ઉત્પાદનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ટ્રાયલમાં 50 હજાર સેમિકંડક્ટર ચીપનો લોટ બનાવીને ટેસ્ટિંગ માટે અમેરિકા મોકલવામાં આવશે. ત્યાંથી એપ્રુવલ આવ્યા બાદ તેનું કોમર્શિયલ લેવલ પર ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ચીપ માટેનું રોમટીરીયલ્સ જાપાનથી ઈમ્પોર્ટ કરાશે
સુરતના ટેક્સટાઈલ વેપારી દ્વારા કડોદરા ખાતે સુચિ સેમિકોન કંપની સ્થાપવામાં આવી છે. જેમાં હાલ રોજની 3 લાખ સેમિકંડક્ટર ચીપનું ઉત્પાદન થશે, ત્યાર બાદ 3 વર્ષમાં આ કંપની રોજની 30 લાખ સેમિકંડક્ટર ચીપ બનાવે તેવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાન્ટ માટે મશીનરી જાપાન, કોરિયા, સિંગાપોર અને મલેશિયાથી મંગાવવામાં આવી છે. ચીપ માટેનું રોમટીરીયલ્સ જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવશે. આજના ઉદ્દઘાટન બાદ રોજની 3 લાખ ચીપનું ઉત્પાદન થશે. આ તમામ સેમીકન્ડક્ટર ચીપ અમેરિકાની કંપનીને એક્સપોર્ટ કરવામાં આવશે. ચીપનું ઉત્પાદન કરવા માટે ખાસ ટીમ તૈયાર
સુચી સેમિકોનના ડિરેક્ટર શેલત મેહતાએ કહ્યું હતું કે, સેમિકંડક્ટર ચીપનું ઉત્પાદન કરવા માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેના માટે કંપની દ્વારા દેશ અને વિશ્વના અલગ અલગ દેશમાંથી એક્સપર્ટને ટીમમાં સામેલ કરાયા છે. કંપનીમાં બીટેક અને એમટેક સુધી અભ્યાસ કરેલા 50 એન્જિનિયર્સ અને 25 આઈટીઆઈ ઓપરેટરની ભરતી કરવામાં આવી છે. તમામ સ્ટાફ મળી કંપનીમાં 150 લોકોનો સ્ટાફ છે. આ તમામ કર્મચારીઓની છેલ્લાં ત્રણ મહિનાથી ટ્રેનિંગ ચાલી રહી છે. તેઓ રોજની 3 લાખ ચીપનું ઉત્પાદન કરશે. બે વર્ષ સુધી રિસર્ચ-એનાલિસિસ
સુચી સેમિકોનના એમ.ડી અશોક મહેતા દ્વારા વર્ષ 2021થી સતત 2 વર્ષ સુધી રિસર્ચ અને સંશોધન કરવામાં આવ્યું હતું. સેમિકંડક્ટર ચીપ કેવી રીતે બને? તેનો ઉપયોગ ક્યાં થાય?, કંપની કેવી હોય?, તેની મશીનરી કેવી હોય?, તેમાં કોણ કામ કરે? સહિતની વિગતો જાણવા માટે 2 વર્ષ સુધી વિશ્વના અલગ અલગ 12 દેશમાં ફર્યા હતાં. જેમાં જાપાન, કોરિયા, તાઈવાન, મલેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, જર્મની સહિતા દેશમાં ફર્યા, જેમાં મલેશિયા 15 વખત ગયા જ્યારે જાપાન 3 વખત ગયા હતા. ભારત સહિત વિશ્વના દેશોમાં એક્સપોર્ટ કરાશે
સુરતમાં ઉત્પાદિત ચીપ ટી.વી, એસી, કોમ્પ્યુટર, ફ્રિઝ સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણોમાં ઉપોયગ કરવામાં આવશે. અત્યાર સુધી 98 ચીપ વિદેશમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી. જેમાં ચાઈના, તાઈવાન, મલેશિયા, કોરિયા અને જાપાનથી ચીપ ઈમ્પોર્ટ થતી હતી, પરંતુ હવે આ ચીપનું સુરતમાં જ ઉત્પાદન થઈને ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. ભવિષ્યમાં મેમરી ચીપ્સ પણ બનાવવાનું લક્ષ્ય
હાલ આ કંપની દ્વારા ટી.વી, એસી, કોમ્પ્યુટર, ફ્રિઝ સહિતના ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવતી સેમિકંડક્ટર ચીપ બનાવવામાં આવશે. ત્યાર બાદ કંપની દ્વારા ધીમે ધીમે ઓટો ઈન્ડસ્ટ્રીને લાગતી ચીપ્સ ચીપનું ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં મેમરી ચીપ્સ પણ બનાવવાનું લક્ષ્ય છે. ચીપનું ડિઝાઈનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીનું કામ એક જ જગ્યાએ થઈ શકશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પોલીસવડા હિતેષ જોઈસર, જે કે પેપર લિ.ના પ્રેસિડેન્ટ એ. એસ. મહેતા સહિત ઉદ્યોગકારો, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.