બેંગલુરુ પોલીસે AI એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે. બેંગલુરુ પોલીસ ડીસીપી શિવકુમારે જણાવ્યું કે અતુલ સુભાષની સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગની પ્રયાગરાજથી ધરપકડ કરી છે. જ્યારે પત્ની નિકિતા ગુરુગ્રામમાંથી ઝડપાઈ છે. આ તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસ ગુરુવારે 12 ડિસેમ્બરે જૌનપુર પહોંચી હતી. જ્યારે પોલીસ અતુલ સુભાષના સાસરે પહોંચી તો ત્યાં તાળું હતું. ટીમે ત્યાં નોટિસ ચોંટાડી હતી. અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં FIR નોંધાયા બાદ સાસુ, સાળા અને પત્ની ફરાર થઈ ગયા હતા. ફ્લેટમાંથી AI એન્જિનિયરનો મૃતદેહ મળી આવ્યો હતો મૂળ બિહારના અતુલ સુભાષે 24 પાનાનો સુસાઈડ લેટર લખીને જીવનનો અંત આણ્યો હતો. તેનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટ સ્થિત તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. મરતા પહેલા તેણે 1 કલાક 20 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. અતુલે તેની પત્ની નિકિતા અને તેના પરિવાર પર ઉત્પીડન અને પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. આત્મહત્યા કરતા પહેલાં તેણે કોર્ટ સિસ્ટમ અને પુરુષો સામેના ખોટા કેસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. અતુલની સુસાઈડ નોટના મહત્વના મુદ્દા…
સુસાઇડ નોટની શરૂઆત ‘જસ્ટિસ ઇઝ ડ્યૂ’થી થાય છે. આમાં પોતાના વિશે વાત કરતા અતુલ લખે છે- મારી પત્નીએ મારી સામે 9 કેસ નોંધ્યા છે. તેમાંથી 2022માં હત્યા અને અકુદરતી સેક્સનો કેસ પણ નોંધાયેલ છે. જોકે બાદમાં તેણે આ કેસ પાછો ખેંચી લીધો હતો. બાકીના કેસોમાં દહેજ ઉત્પીડન, છૂટાછેડા અને ભરણપોષણનો સમાવેશ થાય છે, જે જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે. અતુલે જૌનપુર કોર્ટના પ્રિન્સિપલ ફેમિલી જજ રીટા કૌશિક, પત્ની નિકિતા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને પત્નીના કાકા સુશીલ સિંઘાનિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. મારી પત્ની, સાસુ અને તેના કાકા સુશીલ સિંઘાનિયાએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જે હવે વધીને 3 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કોર્ટે મને મારા 4.5 વર્ષના પુત્રની સંભાળ માટે દર મહિને 80,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આનાથી મારો તણાવ વધી ગયો. આ માટે મેં ઘણી વખત કોર્ટમાં અરજી કરી હોવા છતાં હું 3 વર્ષથી મારા પુત્રને મળી શક્યો નથી. પત્નીએ દર મહિને 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જોકે તે શિક્ષિત અને નોકરી કરતી મહિલા છે. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે.