ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં ત્રીજી મેચ રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના બેટર્સના નામે રહ્યો હતો. ટીમે મેચના બીજા દિવસે રવિવારે પહેલી ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા. વિકેટકીપર એલેક્સ કેરી 45 રને અને મિચેલ સ્ટાર્ક 20 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્ટીવ સ્મિથે 101 રનની સદી અને ટ્રેવિસ હેડે 152 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારી થઈ હતી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને નીતિશ રાણાને એક-એક વિકેટ મળી હતી. આ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે રદ થયો હતો. શનિવારે માત્ર 13.2 ઓવર જ નાખી શકાઈ હતી. ભારતીય ટીમ ટૉસ જીતીને બોલિંગ કરી રહી છે. હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એક-એક પર બરાબરી પર છે. ભારતે પહેલી ટેસ્ટ 295 રનથી જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 10 વિકેટે જીતી હતી. ટ્રેવિસ હેડની સદી, ભારત સામે ત્રીજી સેન્ચુરી
ટ્રેવિસ હેડે પોતાની કરિયરની નવમી સદી પૂરી કરી હતી. તેણે સતત બીજી મેચમાં સદી ફટકારી છે. ભારત સામે હેડની આ ત્રીજી સેન્ચુરી છે. હેડે 160 બોલમાં 152 રન ફટકાર્યા હતા. સ્ટીવ સ્મિથની 33મી ટેસ્ટ સદી
સ્ટીવ સ્મિથે પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 33મી સદી ફટકારી છે. સ્મિથે 190 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેને બુમરાહે આઉટ કર્યો હતો. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં બીજીવાર પાંચ વિકેટ ઝડપી છે. આ તેણે ટેસ્ટમાં 12મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. બુમરાહે જ બીજા દિવસે ભારતીય ટીમનો રંગ રાખ્યો હતો. તેણે ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શને પેવેલિયન ભેગા કર્યા હતા. આજે વરસાદના માત્ર 25% શક્યતા
વરસાદ આ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર, 14 ડિસેમ્બરે સૌથી વધુ 88% વરસાદની શક્યતા હતી અને થયું પણ એવું જ. મેચનો પહેલો દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. મેચના બીજા દિવસે એટલે કે ગઈકાલે વરસાદની 49% છે. પરંતુ મેચ પૂરી રમાઈ હતી. હવે આજે 25% વરસાદની શક્યતા છે. તો ચોથા દિવસે વરસાદની 42% સંભાવના છે. પાંચમા દિવસે પણ 25% વરસાદ થવાનો અંદાજ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.