ઇઝરાયલે રવિવારે આયર્લેન્ડમાં તેની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડોન સારે આયર્લેન્ડ પર બેવડી માનસિકતા અને ઇઝરાયલ વિરોધી નીતિનો આરોપ લગાવ્યો હતો. આયર્લેન્ડ દ્વારા પેલેસ્ટાઈનને અલગ રાજ્ય તરીકે માન્યતા આપ્યા બાદ ઇઝરાયલે આ નિર્ણય લીધો છે. આ સિવાય આયર્લેન્ડે સાઉથ આફ્રિકા દ્વારા ઇઝરાયલ વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કરાયેલા નરસંહારના કેસનું પણ સમર્થન કર્યું છે. સાઉથ આફ્રિકાએ આ વર્ષે જાન્યુઆરીમાં ICJમાં ઇઝરાયલ વિરુદ્ધ ગાઝા યુદ્ધમાં પેલેસ્ટિનિયનોના નરસંહારનો આરોપ લગાવીને કેસ કર્યો હતો. વિદેશ પ્રધાન સારે આયર્લેન્ડ પર યહૂદી-વિરોધીના વધતા જતા મામલાઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યા હતા. આ આરોપોને કારણે ઇઝરાયલે મે મહિનામાં જ આયર્લેન્ડથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઇઝરાયલના નિર્ણય પર આયર્લેન્ડે નારાજગી વ્યક્ત કરી
આયર્લેન્ડના વડાપ્રધાન સિમોન હેરિસે ઈઝરાયેલના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે તેને ખેદજનક ગણાવ્યું હતું. હેરિસે ઇઝરાયલ વિરોધી આરોપોને પણ ફગાવ્યા છે. હેરિસે કહ્યું કે આયર્લેન્ડ શાંતિ, માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું હિમાયતી છે. હેરિસે બે અલગ રાજ્યો એટલે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની સ્થાપના (ટુ સ્ટેટ સોલ્યુશન)ને સમર્થન આપ્યું હતું. બીજી તરફ આયર્લેન્ડના વિદેશ મંત્રી માઈકલ માર્ટિને કહ્યું કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો જળવાઈ રહેશે. આયર્લેન્ડ ઇઝરાયલમાં તેનું દૂતાવાસ બંધ કરશે નહીં. ઇઝરાયલના વિપક્ષ નેતા અને પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે સરકારના આ પગલાની ટીકા કરી છે. તેમણે ઇઝરાયલ વિરોધી દેશોમાં દૂતાવાસો જાળવી રાખવાની સલાહ આપી હતી. ઇઝરાયલ ગોલાન હાઇટ્સમાં નવા લોકોને વસાવશે
ઇઝરાયલે ગોલાન હાઇટ્સમાં વસ્તી બમણી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે અહીં નવા લોકોનું વસવાટ થશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયલને મજબૂત કરવા માટે ગોલાનને મજબૂત બનાવવું પડશે. અમે તેને જાળવી રાખીશું અને નવી વસાહત બનાવીશું. ગોલાન હાઇટ્સ ઇઝરાયલ દ્વારા 1967માં કબજે કરવામાં આવી હતી. અગાઉ તે સીરિયાનો એક ભાગ હતો, જેને ઇઝરાયલે 6 દિવસના યુદ્ધ બાદ જીતી લીધું હતું. સીરિયાએ ઇઝરાયલને આ વિસ્તારમાંથી ખસી જવાની માંગ કરી હતી, પરંતુ ઇઝરાયલે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને ઇનકાર કર્યો હતો. ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના કબજાને 2019માં તત્કાલિન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ પહેલા શનિવારે સીરિયાને લઈને નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ હતી.