રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલ ગામની વચ્ચે જે. જે. કાલરીયા નામની ગ્રાન્ટેડ શાળા કાગળ પર ચાલતી હોવાનુ સામે આવ્યું છે. 20 દિવસ પહેલા ગ્રામજનોની નનામી અરજીના આધારે રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું હતુ કે આ શાળા છેલ્લા 3 માસથી બંધ છે અને અહીં ધો.-9 અને 10ના 30 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ઍક મહિલા આચાર્ય અને ક્લાર્ક છે. જેને પગાર સરકાર ચૂકવી રહી છે. જોકે ગ્રામજનોએ આ શાળા 10 વર્ષથી બંધ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો ત્યારે ધો. 9 અને 10માં 54 વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે તેવું કાગળ પર દર્શાવતા ટ્રસ્ટી મંડળને શાળા બંધ શા માટે ન કરવી તેની નોટિસ રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવી છે જ્યારે ઘરે બેઠા વર્ષોથી સરકારનો પગાર લેતા આચાર્ય અને ક્લાર્કને પગારની રિકવરી શા માટે ન કરવી એવી નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો છે. ટ્રસ્ટી મંડળને નોટિસ આપવામાં આવી
રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરાજીના છાડવાવદર ગામે કાગળ ઉપર સ્કૂલ ચાલતી હોવાની અગાઉ ફરિયાદ મળી હતી જેના આધારે આઠ જેટલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ આપવામાં આવેલો છે ત્યારે હાલ આ શાળા શા માટે બંધ ન કરી દેવી તે પ્રકારની નોટિસ ટ્રસ્ટી મંડળને આપવામાં આવી છે તો સાથે જ શાળાના આચાર્ય અને ક્લાર્કને એ પ્રકારની નોટિસ આપાઇ છે કે આપના પગારની રિકવરી શા માટે ન કરવી અને આ નોટિસ નો જવાબ ત્રણ દિવસમાં આપવાનો રહેશે જે જવાબ બાદ એક્શન લેવામાં આવશે. શાળા છેલ્લા 3 માસથી બંધ હોવાનુ તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલ ગામડા ગામની વચ્ચે જે. જે. કાલરીયા હાઇસ્કુલ નામની કાગળ પર ચાલતી શાળા પકડાઈ હતી. સરકારી ચોપડે ધો.9 અને 10ની કાગળ પર ચાલતી શાળા અંગે ગ્રામજનોએ ફરિયાદ કરતા પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા તપાસ કરવામા આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ શાળા છેલ્લા 3 માસથી બંધ હોવાનુ એજયુકેશન ઇન્સ્પેક્ટર સહિતનાની તપાસમાં સામે આવ્યું હતુ. શાળામાં આચાર્ય અને શિક્ષકો સહિતનો સ્ટાફ પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ શાળામાં કદી તાળા ખુલતા નથી એવો ગામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે અને આ હાઈસ્કૂલ વિશે માહિતી અધિકાર હેઠળ શાળાની આરટીઆઈ પણ જાગૃત નાગરિક દ્વારા ત્રણ વર્ષ પૂર્વે કરવામાં આવી હોવાની બાબતો સામે આવી રહી હતી. ખંઢેર જેવી હાલતમાં રહેલી બિલ્ડિંગમાં જાણે વર્ષોથી લાગેલા હોય તેવી સ્થિતી જોવા મળી રહિ છે. શિયાળાની સીઝન હોવાથી વિદ્યાર્થીઓ આવતા નથી
આ શાળામાં માત્ર નામના જ વિદ્યાર્થીઓ આવતા હોવાનો અને શાળા અનેક ગ્રાન્ટ અને શિષ્યવૃતિનો પણ લાભ લેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતો. આ અંગે રાજકોટના પૂર્વ ઇન્ચાર્જ DEO દીક્ષીત પટેલે જણાવ્યુ હતુ કે, ધોરાજીમાં ડમી શાળાની ફરિયાદ આવતાની સાથે જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જયા તપાસમાં જાણવા મળ્યા મુજબ આ શાળા 3 માસથી ખુલી જ ન હોવાનું લાગી રહ્યું હતુ. તેમજ આ શાળા પર ગત વર્ષે પણ ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારે પણ તાત્કાલિન સમયના અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જે. જે. કાલરીયા સ્કૂલના ટ્રસ્ટી વલ્લભ કાલરીયાએ અગાઉ બચાવ કર્યો હતો કે, શાળા ચાલુ જ છે પરંતુ શિયાળાની સીઝન હોવાથી વિદ્યાર્થીઓ અમુક વખત શાળાએ આવતા નથી. એક ધોરણમાં 28 અને અન્ય ધોરણમાં 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આચાર્યનું નામ કોમલબેન વિરોજા છે અને અન્ય ક્લાર્ક છે. આ સ્કૂલ બંધ હોવાથી મારે ધોરાજીમાં શાળામાં એડમિશન લેવું પડ્યું
જ્યારે છાડવાવદર ગામની વિદ્યાર્થિની જાગૃતિએ અગાઉ કહ્યુ હતુ કે, આ સ્કૂલ છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. મારે અહીં એડમિશન લેવું હતું પરંતુ આ સ્કૂલ બંધ હોવાથી મારે ધોરાજીમાં શાળામાં એડમિશન લેવું પડ્યું. જ્યારે ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન શીતલબેન ચૌહાણ એ જણાવ્યું હતું કે, આ સ્કૂલ 10 વર્ષથી વધુ સમયથી બંધ છે અને અહીં ગ્રાન્ટેડ સ્કૂલ બંધ હોવાથી અમારા બાળકોને ધોરાજી સુધી અભ્યાસ માટે મોકલવા પડે છે.