13 ડિસેમ્બરનો દિવસ અલ્લુ અર્જુન અને તેના પરિવાર માટે ભારે હતો. સંધ્યા થિયેટર કેસ મામલે પોલીસે એક્ટરની ધરપકડ કરી હતી. પરંતુ હાઈકોર્ટે અલ્લુ અર્જુનને એક મહિના જામીન આપ્યા હતા. અલ્લુ સંધ્યા થિયેટરમાં તેના ચાહકોને મળવા ગયો હતો, જ્યાં ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને એક 8 વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પીડિત બાળક માટે એક્ટરે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. ‘મને બાળકની ચિંતા છે…’
અલ્લુએ 15 ડિસેમ્બરે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આ બાળક વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અલ્લુએ લખ્યું- હું શ્રી તેજની હાલતથી ચિંતિત છું અને તેના વિશે પણ વિચારી રહ્યો છું. જો કે, તે ડોકટરોની દેખરેખમાં છે અને તેની સારવાર ચાલી રહી છે, પરંતુ જે થયું તે થવું જોઈતું નહોતું. હું હાલમાં કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. આથી, મને બાળક અને તેના પરિવારને મળવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. મારી પ્રાર્થના પરિવાર સાથે છે. બાળકની સારવારમાં અને પરિવારને મારો સ્પોર્ટ હંમેશા રહેશે. જે પણ ખર્ચ કરવા થશે અથવા કોઈ પણ જરૂરિયાત હશે હું પાછળ હટીશ નહીં. હું આશા રાખું છું કે બાળક જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. હું બાળક અને તેના પરિવારને જલ્દી મળવા ઈચ્છું છું. અલ્લુ અર્જુને જેલમાંથી આવ્યા બાદ આ વાત કહી હતી
જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું- ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ. જીવ ગુમાવનાર મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ એક કમનસીબ ઘટના હતી. હું પરિવારને દરેક સંભવિત રીતે ટેકો આપવા માટે હાજર રહીશ અને આ મુશ્કેલ સમયમાં તેમને દરેક શક્ય સહયોગ પ્રદાન કરીશ. આ ઘટના વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું કે આ ઘટના અજાણતા બની છે. એક્ટરે કહ્યું- જ્યારે હું ફિલ્મ જોવા ગયો હતો ત્યારે અચાનક આ ઘટના બની. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું ન હતું. છેલ્લા 20 વર્ષથી હું ફિલ્મો જોવા સિનેમા હોલમાં જઉં છું. તે હંમેશા એક સુખદ અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે વસ્તુઓએ અલગ વળાંક લીધો.