મુંબઈએ 3 વર્ષમાં બીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રવિવારે બેંગલુરુમાં રમાયેલી ફાઈનલમાં ટીમે મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા MPએ 174 રન બનાવ્યા હતા. મુંબઈએ 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 48 રન બનાવ્યા હતા. સૂર્યાંશ શેડગેએ 15 બોલમાં 36 રન અને અથર્વ અંકોલેકરે 6 બોલમાં 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. MP તરફથી કેપ્ટન રજત પાટીદારે 40 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ પહેલા મુંબઈ 2022માં પણ ચેમ્પિયન બન્યું હતું. MPની ખરાબ શરૂઆત
ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ MPની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અર્પિત ગૌર માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો અને વિકેટકીપર હર્ષ ગવલી માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. હરપ્રીત સિંહ ભાટિયાએ પાવરપ્લેમાં પહેલા ધીમી બેટિંગ કરી અને પછી તે 23 બોલમાં 15 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. રજત પાટીદારે એકલાહાથે લડત આપી
સુભ્રાંશુ સેનાપતિએ 17 બોલમાં 23 રન બનાવ્યા હતા, પરંતુ તેને શિવમ દુબેએ પેવેલિયન મોકલી દીધો હતો. તેના પછી એક છેડે રજત પાટીદાર રહ્યો અને બીજા છેડે વિકેટો પડતી રહી. વેંકટેશ અય્યરે 9 બોલમાં 17 રન અને રાહુલ બાથમે 14 બોલમાં 19 રન બનાવ્યા હતા. શિવમ શુક્લા અને કુમાર કાર્તિકેય 1-1 રન બનાવી શક્યા હતા, ત્રિપુરેશ સિંહ ખાતું પણ ખોલી શક્યા ન હતો. પાટીદારે 40 બોલમાં 81 રન બનાવ્યા, તેની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સ સામેલ છે. તેણે 202.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. પાટીદારે વેંકટેશ સાથે 34 રન અને બાથમ સાથે 56 રનની ભાગીદારી કરી હતી. તે ટુર્નામેન્ટનો બીજો ટોપ રન સ્કોરર પણ છે. શાર્દૂલે 2 વિકેટ લીધી
મુંબઈ તરફથી શાર્દૂલ ઠાકુર અને રોયસ્ટન દાસે 2-2 વિકેટ લીધી હતી. સ્પિનર અથર્વ અંકોલેકરે 1 વિકેટ લીધી હતી. મિડિયમ પેસ બોલર શિવમ દુબે અને સૂર્યાંશ શેડગેને પણ 1-1 વિકેટ મળી હતી. એક ખેલાડી રનઆઉટ થયો હતો. મુંબઈ માટે સારી શરૂઆત
175 રનના ટાર્ગેટ સામે મુંબઈને સારી શરૂઆત મળી હતી. પૃથ્વી શૉ 10 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ટીમે પાંચમી ઓવર સુધીમાં સ્કોર 48 રન સુધી પહોંચાડી દીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે 16 રન બનાવ્યા હતા. ઓપનર અજિંક્ય રહાણેએ ફરીથી સૂર્યકુમાર યાદવ સાથે મળીને સ્કોરિંગ રેટ જાળવી રાખ્યો હતો. રહાણે અને સૂર્યાએ ભાગીદારી કરી અને સ્કોર 100 રનની નજીક પહોંચાડ્યો. રહાણે 37 રન બનાવીને આઉટ થયો હતો, તેના પછી શિવમ દુબે પણ માત્ર 9 રન બનાવી શક્યો હતો. સૂર્યા પણ 48 રન બનાવીને આઉટ થયો હતો. શેડગે એકતરફી રન ચેઝ કર્યો હતો
મુંબઈએ 129 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, ટીમને 32 બોલમાં 46 રનની જરૂર હતી. અહીં સૂર્યાંશ શેડગે બેટિંગ કરવા આવ્યો, તેણે માત્ર 15 બોલમાં 3 સિક્સ અને 3 ફોર ફટકારીને 36 રન બનાવ્યા. તેના સપોર્ટથી અથર્વ અંકોલેકરે 6 બોલમાં 16 રન બનાવ્યા અને 18મી ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. MP તરફથી ફાસ્ટ બોલર ત્રિપુરેશ સિંહે 2 વિકેટ લીધી હતી. શિવમ શુક્લા, વેંકટેશ અય્યર અને કુમાર કાર્તિકેયને 1-1 સફળતા મળી. આવેશ ખાન અને રાહુલ બોથમ કોઈ વિકેટ લઈ શક્યા ન હતા. રહાણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો
મુંબઈ તરફથી શેડગે 36 રન બનાવ્યા અને 1 વિકેટ પણ લીધી, આથી તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. અજિંક્ય રહાણે 9 મેચમાં 164.56ના સ્ટ્રાઈક રેટથી 469 રન બનાવનાર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. MPનો કેપ્ટન રજત પાટીદાર 428 રન સાથે બીજા નંબર પર રહ્યો હતો. મુંબઈએ 2022માં પણ ખિતાબ જીત્યો હતો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ અને મધ્યપ્રદેશની ટીમ પ્રથમ વખત સામસામે આવી હતી. અગાઉ બંને અલગ-અલગ ટીમ સામે 1-1 ફાઈનલ રમ્યા હતા. મુંબઈએ 2022માં હિમાચલ પ્રદેશને 3 વિકેટે હરાવ્યું હતું. જ્યારે MPને 2011માં બંગાળ સામે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ બીજી વખત ખિતાબ જીત્યો, જ્યારે MP ફરી એકવાર ખાલી હાથે રહી. મુંબઈએ સેમિફાઈનલમાં બરોડા, MPએ દિલ્હીને હરાવ્યું હતું
મધ્ય પ્રદેશ ગ્રૂપ-Aમાં ટોચ પર હતું અને મુંબઈએ ગ્રૂપ-Eમાં ટોચ પર રહીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. બંનેને 1-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈએ વિદર્ભને 6 વિકેટે અને MPએ સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું હતું. સેમિફાઈનલમાં મુંબઈએ બરોડાને 6 વિકેટે અને MPએ દિલ્હીને 7 વિકેટે હરાવ્યું હતું.