રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સબ-રજીસ્ટ્રાર ઓફીસનાં કોમ્પ્યુટર ઓપરેટર આરોપી જયદિપ ઝાલાને ચાર દિવસના રિમાન્ડ પર લઇ તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીએ રિમાન્ડ દરમિયાન યોગ્ય સહકાર ન આપ્યો હોવાનું સામે આવ્યું છે અને કોઈ પણ વાત હોય તેના જવાબમાં તમામ બાબતની જાણ ફરાર આરોપી હર્ષ સોની પાસે છે કહી હર્ષ સોની પર દોષનો ટોપલો ઢોળી દિધો હતો. આજે જયદિપ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આ કેસમાં પોલીસે માંડાડુંગરના પ્લોટધારક પ્રતિપાલસિંહ આવી નિવેદન આપતા તેમનું સાહેદ તરીકે નિવેદન નોંધવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે હર્ષ સોની સહીત બન્ને આરોપીઓ હજાઉ પણ પોલીસ પકડથી દૂર છે અને આ ગુનામાં હર્ષ સોનીના ભાઈની શંકાસ્પદ ભૂમિકા હોવાથી શંકાના આધારે પોલીસે તેની પણ પુછપરછ હાથ ધરી છે. રાજકોટ PCB ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસે આવેલ પટેલ ફેમીલી રેસ્ટોરન્ટમાં દરોડો પાડી રેસ્ટોરન્ટમાં છુપાવેલ દારૂની 24 બોટલ સાથે સંચાલક રોહિત પરસોતમ ગોસ્વામી (ઉ.વ.34) અને પારસ ભરત દોમડીયા (ઉ.વ.28)ને ઝડપી પાડી રૂ.12 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હોટલ સંચાલકો ત્રણ મહિનાથી જમવાની સાથે નશાખોરોને દારૂ પણ સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સોની બજાર સવજીભાઇની શેરીમાં રહેતા રણજીત જયદેવભાઇ પુરકાઇ (ઉ.વ.43) નામનો યુવાન સાંજે 5 વાગ્યે રૂમ પર હતો ત્યારે પેટમાં દુઃખાવો થાય છે તેમ કહેતાં તેને ગુંદાવાડી હોસ્પિટલે લઇ જવાયો હતો. ત્યાં દવા અપાતા પરત આવતો હતો ત્યારે ફરી દુઃખાવો વધતાં ફરી ગુંદાવાડી હોસ્પિટલમાં લઇ જવાયેલ હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેતાં અહિ ખસેડાયો હતો પરંતુ તેને અહિ દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં રણજીતભાઇને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. પોતે સોની બજાર માંડવી ચોકમાં નાસ્તાની દૂકાન ચલાવતો હતો અને હાર્ટએટેક આવી ગયાનું સામે આવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. રાજકોટ એલસીબી ઝોન-2 ટિમ પેટ્રોલિંગમાં હતાં ત્યારે રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.12 ના ખુણે રોડ ઉપર એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં આઇડી મારફતે ક્રિકેટ મેચમાં રનફેરના સોદાઓ કરી પૈસાની હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી મળતા સ્ટાફે દરોડો પાડી બાતમીના સ્થળે હાજર શખ્સની અટકાયત કરી તેનું નામ પૂછતાં કાસીમ દિલાવર હાલા (ઉ.વ.33) જણાવ્યું હતું. તેમના મોબાઈલમાં તપાસ કરતાં CBTF USDT100 નામની આઇ.ડી. સ્ક્રીન પર જોવામાં આવેલ જેમાં બીગબેશ લીગની મેચમાં સેશન્સનો રૂ.50 હજારનો સોદો કરેલ હોવાનુ તેમજ ડીપોઝીટ રૂ.2.50 લાખ અને આઈડી કાસીમ 470 જોવામાં આવેલ હતી. જે બાબતે પૂછતાં તેને આઈડી ઓનલાઇન લીધેલ હોવાનુ જણાવેલ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી રૂ.10 હજારનો મોબાઈલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ધર્મેશ છેલશંકર વ્યાસ આઝાદ ચોકમાં નોનવેજના રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં રોડ ઉપર પોતાની પાસે રહેલ મોબાઇલ ફોનમાં રહેલ આઈ.ડી. દ્વારા ક્રિકેટની ચાલુ મેચમાં સોદા લગાવી ઓનલાઈન જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી હાજર શખ્સને દબોચી તેનું નામ પૂછતા ધર્મેશ છેલશંકર (ઉ.વ.33) હોવાનું જણાવેલ હતું. તેમના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા સ્ક્રીન ઉપર RADHE EXCHANGE નામની આઇ.ડી. ખુલી હોય જેમાં મહિલા ક્રિકેટનો ઇન્ડિયા-વેસ્ટ ઈન્ડીઝના મેચનો લાઇવ સ્કોર જોવા મળેલ હતો. જેમાં તે મેચમાં અલગ-અલગ રકમના સોદા લગાવી ઓનલાઇન જુગાર રમતો હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.