બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને ફાસીવાદી ગણાવ્યા છે. બાંગ્લાદેશના વિજય દિવસના એક દિવસ પહેલા રવિવારે સાંજે જારી કરાયેલા નિવેદનમાં હસીનાએ કહ્યું કે, મોહમ્મદ યુનુસ ફાસીવાદી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સરકાર સ્વતંત્રતા વિરોધી અને કટ્ટરવાદીઓની સમર્થક છે. શેખ હસીનાએ કહ્યું કે, દેશવિરોધી શક્તિઓએ દેશી અને વિદેશી ષડયંત્ર દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે સત્તા પર કબજો કર્યો. આજે બાંગ્લાદેશમાં આઝાદીની 53મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 1971માં બાંગ્લાદેશે ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી. હસીનાએ કહ્યું- ફાસીવાદી યુનુસની આ સરકાર જનતા પ્રત્યે કોઈ જવાબદારી નિભાવી રહી નથી. સત્તા હડપ કરી તેઓ લોક કલ્યાણના કાર્યોને મુશ્કેલ બનાવી રહ્યા છે. લોકો મોંઘવારીથી પરેશાન છે. ભૂખ્યા લોકો પણ ડસ્ટબીનમાંથી ખોરાક ભેગો કરી રહ્યા છે. મુક્તિ સંગ્રામના ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, મોહમ્મદ યુનુસની સરકારનો ઉદ્દેશ્ય લોકોના મનમાં આઝાદી માટે લડનારાઓ વિરુદ્ધ ગુસ્સો પેદા કરવાનો છે. આ સરકાર મુક્તિ સંગ્રામના ઈતિહાસ અને ભાવનાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ લોકો બાંગ્લાદેશની સ્વતંત્રતા સંગ્રામની ભાવનાને નષ્ટ કરવા માટે મનઘડત કહાનીઓ ફેલાવી રહ્યા છે. જો આમ થશે તો તેઓ બંગાળીઓની મહાન સિદ્ધિને કલંકમાં ફેરવી દેશે. અનામત વિરુદ્ધ આંદોલને બળવો કર્યો હતો બાંગ્લાદેશમાં 5 જૂને હાઇકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, ત્યારથી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જ્યારે આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો વડાપ્રધાન અને તેમની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધના બે મહિના પછી 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. આ પછી સેનાએ દેશની કમાન સંભાળી.