દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… અમદાવાદ ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે ભારે ખેંચતાણ
ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ પ્રમુખોની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં વિધાનસભા મુજબ સેન્સ લેવામાં આવી રહી છે. જોકે બે વોર્ડમાં પહેલેથી જ વોર્ડ પ્રમુખ નક્કી કરી દેવામાં આવ્યા હોવા અંગેની ચર્ચા ભાજપના કાર્યકર્તાઓમાં જાગી છે. ડેપ્યુટી મેયરના ઘાટલોડિયા વોર્ડમાં પ્રમુખ તરીકે મુખ્યમંત્રીના પૂર્વ પીએના નામની ચર્ચા છે. જેનું પ્રમુખ બનવાનું લગભગ નિશ્ચિત છે. જ્યારે પૂર્વ અને ચાલુ સ્ટેન્ડિંગના વોર્ડમાં પણ માત્ર બે હોદ્દેદારોના નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં એક મુખ્યમંત્રીના પીએના નજીકના વ્યક્તિ પણ નિશ્ચિત મનાય છે. ભાજપના કેટલાક કોર્પોરેટરો પણ ધારાસભ્યો ઉપર પોતાની સાથે રહેતા કાર્યકર્તાને જ પ્રમુખ બનાવવા માટે ભલામણો શરૂ કરી દીધી છે. બધી જગ્યાએ બુથ પ્રમુખની સેન્સ લેવામાં આવી રહી છે. જોકે કેટલાક વોર્ડમાં પ્રમુખોની નિમણૂક માટે નામો નિશ્ચિત આપી દેવામાં આવ્યા છે. માત્ર ચૂંટણી અધિકારીએ કહેવા માટે પ્રદેશમાં નામ જ આપવાના છે. રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખોની ચૂંટણીમાં જૂના જોગીઓના પત્તા કપાશે
રાજકોટ શહેરમાં 18 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ નિમવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સ્થાનિક નેતાઓ સાથે પ્રદેશ કક્ષાએથી પણ આગેવાન આવ્યા છે જે કાર્યકરોની સેન્સ લઈને નોંધ કરી રહ્યા છે. રાજકોટની ચાર વિધાનસભા વાઈઝ સેન્સ લેવામાં આવી છે આ પ્રક્રિયા વચ્ચે બે કે ત્રણ દાયકાથી પક્ષને વફાદાર રહી ખુરશી ગોઠવવાથી લઈને ઝંડી લગાડવા સુધીનું કામ કરતાં કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી પક્ષને વફાદારને હાલ જે પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં પક્ષમાં જોડાયેલા નવા ચહેરાઓને પ્રમુખ પદ બનાવવા તરફ નિરીક્ષકો આગળ વધી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે કણાની જેમ ખૂચે તેવી બાબત છે. મોટાભાગના જૂના જોગીઓને સાઈડ લાઈન રાખવા કવાયત ચાલી રહી હોવાની ચર્ચા છે.જેથી પક્ષમાં ભારે જૂથવાદ જોવા મળી રહ્યો છે. નારાજગીનો જ્વાળામુખી ગમે ત્યારે વિસ્ફોટ બનીને ફાટી નીકળે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે મોટા નેતાઓ નારજગીની વાત નકારી રહ્યા છે. જોઈએ, હવે આગળ શું થાય છે. 50 હજારમાં થતી કાશ્મીર ટ્રીપના AMC 88 હજાર ચૂકવશે!
ફૂલગુલાબી અને કડકડતી ઠંડીમાં અમદાવાદના ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટરો અને અધિકારીઓ મળી કુલ 225 લોકો સ્ટડી ટુરના નામે ફરવા માટે ફરવા માટે દુનિયાનું સ્વર્ગ કહેવાતા એવા જમ્મુ કશ્મીરના શ્રીનગર પ્રવાસે જવાના છે. જેની પાછળ પ્રજાના ટેક્સના બે કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જોકે આ ખર્ચને લઈને હવે ચર્ચા જાગી છે. આ સ્ટડી ટુર પાછળ ખર્ચાની જો ગણતરી કરવામાં આવે તો બે કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. જેની ગણતરી કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ 88 હજાર રૂપિયા થાય છે. સામાન્ય રીતે જમ્મુના શ્રીનગરના પાંચ દિવસ અને છ રાત્રીનું પેકેજ 50000 રૂપિયા સુધીનું થાય છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન 88 હજારનો ખર્ચ કરશે.જેને લઈ મનપામાં ચર્ચા જાગી છે. બીજી તરફ આ સ્ટડી ટુર માટે રાજ્યના મુખ્યમંત્રી પાસે મંજૂરી લેવામાં આવી છે કે કેમ ? તેની પણ ચર્ચા છે. મોરબી ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ત્રાજપર, માળિયા વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ ગામ ખાતે રોડ રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે રૂપિયા 4 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાંથી જિલ્લા પંચાયતની એક સમિતિના ચેરમેનના નામની બાદબાકી કરી નાખવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું. આ મુદ્દે સમિતિના ચેરમેને મોરબી મોટા નેતા સામે અંગુલીનિર્દેશ કરતા રાજકારણ ગરમાયું છે. ચેરમેન દ્વારા જેનું નામ લેવામાં આવ્યું તે નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, આમંત્રણ પત્રિકામાં નામ લખવું ન લખવું તે જિલ્લા પંચાયતનો વિષય છે, મારે તે બાબતમાં કઈ લાગે વળગે નહીં. આમ આમંત્રણ પત્રિકા વિવાદથી અન્ય શહેર જિલ્લા ભાજપની જેમ મોરબી ભાજપનો પણ જૂથવાદ ઉડીને સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વિધાનસભા ચૂંટણી સમયે, વાંકાનેરના રાજવીને રાજ્યસભાના સાંસદ બનાવતા સમયે, અને લોકસભા ચૂંટણી સમયે પણ નાના મોટા જૂથવાદના અનેક ઉદાહરણો સામે આવી ચુક્યા છે. શું અમદાવાદ મનપાના કમિશનર બદલાશે?
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની બદલીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એમ. થેન્નારસન કમિશનર તરીકેનો બે વર્ષથી વધુ સમય થયો છે. જોકે છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશનના અધિકારીઓની કામગીરીથી કમિશનર ખુદ નારાજ થઈ ગયા છે. સ્વચ્છતા સર્વેક્ષણ હોય કે શહેરના પ્રોજેક્ટથી લઈને વિવિધ કામોમાં અધિકારીઓને સૂચના આપી હોવા છતાં પણ તે મુજબની કામગીરી થતી નથી. બીજી તરફ એવી ચર્ચા છે કે, કમિશનર ગુજરાત હાઇકોર્ટમાં થતી અરજીઓને લઈને અન્ય જગ્યાએ જવા માગ કરી રહ્યા છે. કમિશનરની કામગીરી ખૂબ જ સારી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બિન અનુભવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોથી લઈને અધિકારીઓની નબળી કામગીરી, હાઇકોર્ટમાં કેટલીક બાબતોને લઈને થતી અરજીઓ અને મહેનત છતાં પણ પરિણામ ન મળતા હવે તેઓની બદલી થવાની ચર્ચા જાગી છે. રાજકોટમાં DGPની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકની તારીખ પે તારીખ
રાજકોટમાં DGPની અધ્યક્ષતામાં યોજાનાર કોન્ફરન્સ વધુ એક વખત પાછળ ઠેલાઈ છે. રાજકોટમાં પહેલા 14 નવેમ્બરે આ ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની હતી. પરંતુ, કોઈ કારણોસર ત્યારે આ બેઠક રદ કરી 13 ડીસેમ્બરે યોજવાનો નિર્ણય કરાયો હતો. જો કે, 13 ડીસેમ્બરે મુખ્યમંત્રી રાજકોટના મહેમાન બન્યા હતા જેથી 13 ડીસેમ્બરે પણ આ કોન્ફરન્સ રદ કરવી પડી હતી. પોલીસે હવે ત્રીજી વાર બેઠકનું મુહૂર્ત (તારીખ) નક્કી કરવું પડશે.