સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો મોબાઇલ હેક થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે ડે. મેયરના મોબાઇલ પર આવેલી એક ખોટી લિંક પર ક્લિક કરવાથી તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો. સમયસૂચકતા અને સતર્કતા દાખવીને ડેપ્યુટી મેયરે તુરંત જ સાયબર ક્રાઇમને જાણ કરી અને મોટા ફ્રોડમાંથી બચી ગયા. આ ઘટના ચાર દિવસ અગાઉની છે જ્યારે ડેપ્યુટી મેયરના મોબાઇલ પર PM કિસાન એપ્લિકેશન નામની એક લિંક આવી. તેઓએ તેને અધિકૃત લિંક સમજી ક્લિક કરી દીધી. લિંક પર ક્લિક કરતાં જ તેમનો મોબાઇલ હેક થયો અને તેના દ્વારા OTP જનરેટ થવા લાગ્યાં. આથી તેમણે કોઈ મોટું કૌભાંડ ચાલે છે તે સમજ્યું. હેકરોના મોટા કાવતરામાં ફસાતા બચી ગયા
નરેન્દ્ર પાટીલે તરત જ સાઇબર ક્રાઇમ સેલને જાણ કરી. સાઇબર વિભાગના નિર્દેશો અનુસાર તેમણે તરત જ પોતાના ફોનને ફ્લાઇટ મોડમાં મૂકી દીધો અને પોતાની તમામ બેન્ક સાથે સંપર્ક કરીને મોબાઇલથી કોઈ ટ્રાન્ઝેકશન મંજૂર ન કરવાની સૂચના આપી. આ કારણે તેઓ હેકરોના મોટા કાવતરામાં ફસાતા બચી ગયા. સાયબર સુરક્ષાની જાગૃતિની અપીલ
આ ઘટનાને પગલે નરેન્દ્ર પાટીલએ જણાવ્યું કે, “ખોટી લિંક અથવા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોખમી છે. દરેક વ્યક્તિએ ખૂબ સતર્ક રહેવું જોઈએ અને આવા હુમલાઓથી બચવા માટે જરૂરિયાતમંદ માહિતી મેળવવી જોઈએ.” આર્ટિફિશિયલ લિંક દ્વારા હેકિંગના કેસ વધે છે
સુરત સાયબર ક્રાઇમ વિભાગે આ કેસને ગંભીરતાથી લઈને વધુ તપાસ શરૂ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા મહિનાઓમાં આ પ્રકારના હેકિંગના બનાવોમાં વધારો થયો છે, જેમાં ભ્રમજનક લિંક અથવા અજાણી એપ્લિકેશનોના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવવામાં આવે છે.