ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) ઉપર આજે મંગળવાર બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી ગયું હતું. જેમાં ઓવરટેક કરતું ટેન્કર પણ અડફેટે આવતાં ટેન્કર તૂટી ગયું હતું. ભચાઉના ચોપડવા બ્રિજ પર પાછળ ટેન્કરમાંથી ડીઝલ વહ્યું હતું. જ્યારે ડીઝલ ઢોળાઈને રોડ પર જતાં ઓચિંતી આગ ભડકી હતી. બે કલાકની મહામહેનતે આગ કાબૂમાં આવી હતી. ટ્રેલર પલટતાં સમયે પાછળથી ઓવરટેક કરતાં ટેન્કરની પાછળ ટકરાઈ પડતા ટેન્કરમાં રહેલું ડીઝલ માર્ગ ઉપર ઢોળાયું હતું, જેને લઈ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાના પગલે હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી ગઇ હતી. બ્રિજ પર બપોરના સમયે અકસ્માત સર્જાયો
આ અંગે અહીંથી પસાર થતાં શેખ બાબા નામના પ્રવાસીએ જણાવ્યું હતું કે બપોરના 12 વાગ્યા બાદ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પલટી ગયું હતું. જ્યારે ટેન્કર પાછળથી ડીઝલ રસ્તા ઉપર ઢોળાઈ રહ્યું હતું. બનાવના પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમે કહ્યું હતું કે, ઘટના અંગેની જાણ થતાં જ બનાવ સ્થળે ટીમ રવાના થઈ છે અને સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અલબત્ત સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ આ માર્ગેથી પસાર થતાં લોકો સાવચેતીપૂર્વક આગળ વધે તે હિતાવહ હોવાનું તંત્રએ કહ્યું હતું. અકસ્માત અને આગની દિવ્ય ભાસ્કરે ફાયરને જાણ કરી
ચોપડવા પાસે અકસ્માત સર્જાયો હોવાની જાણ દિવ્ય ભાસ્કરે સામખીયાળી ટોલ ગેટની હાઇવે પેટ્રોલિંગ ટીમને કરતાં અધિકારી શૈલેષ રામી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં રોડ પર વહી રહેલા ડીઝલ ટેન્કરને બનાવ સ્થળેથી રવાના કરાવી બંને તરફના માર્ગને બંધ કરાવી દીધો હતો. દરમિયાન ટ્રેલરમાંથી ઢોળાયેલું ઓઇલ છેક સર્વિસ રોડ સુધી પહોંચી જતાં તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, આ સમયે પસાર થયેલી એક કારમાં પણ આગ લાગી હતી.જેને હાઇવે ટીમે કાબુમાં લીધી હતી. અલબત્ત હાઇવે ટીમની તાબડતોબ કાર્યવાહીથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. ઈનોવા કારમાં આગ લાગી હતી
આજે 17 ડિસેમ્બરે ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમ ટોલ પ્લાઝાનો 1 વાગે કોલ આવ્યો હતો કે, ભચાઉના ચોપડવા બ્રિજ પાસે એક મોટા ટ્રેલરમાં એક્સિડન્ટ થયું છે, તેના કારણે ડીઝલનું ટેન્કર તૂટી ગયું છે અને આખા રોડ પર આગ લાગી ગઈ છે અને એક ઇનોવા કારમાં પણ આગ લાગી ગઈ છે અને લગભગ 400 મીટરથી વધુ રોડ પર ડીઝલમાં આગ છે. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 60 લીટર ફોમ અને 9 હજાર લીટર પાણીનો મારો
લગભગ 60 લીટરથી પણ વધુ ફોમનો ઉપયોગ કર્યો હતો અને 9000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કર્યો હતો. સદભાગે મોટી દુઘર્ટના ટળી હતી અને 2 કલાકની મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપ, શક્તિસિંહ સોઢા, મયુર રામાનંદી જોડાયા હતા.