ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત જહાજવાડા અલંગમાં તાજેતરમાં સ્ક્રેપ માટે આવેલી કોઈ શિપમાંથી અત્યંત જ્વલનશીલ અને ઝેરી કેમિકલ દરિયામાં બેરોકટોક ઠાલવામાં આવતાં દરિયાકાંઠો અને સમુદ્રમાં પારાવાર નુકસાન થયું છે. આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આને ગંભીર બેદરકારી ગણીએ કે જાણી જોઈને આચરવામાં આવેલું કૃત્ય. આના થકી પર્યાવરણ ભયજનક હદે પ્રદૂષિત થયું છે, તો બીજી તરફ સાગર ખેડુઓને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. દરિયામાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનું જાડું કાળું પડ ડામર જેવા પ્રવાહીનું પથરાયેલું છે. આ અંગે તળાજાના પ્રાંત અધિકારી જે.આર.સોલંકીએ જણાવ્યું હતું કે, ગત મોડીરાત્રે આ અંગે મને જાણ થઈ હતી. મને જાણ થતાં મેં તરત જ જીપીસીબીને જાણ કરી છે અને તેની ટીમ અત્યારે ત્યાં પહોંચીને તપાસ કરી રહી છે અને સાંજ સુધીમાં મને રિપોર્ટ કરશે. ભાવનગર જિલ્લામાં આવેલા અલંગ શિપ યાર્ડમાં પ્રતિવર્ષ દુનિયાના ખૂણેખૂણેથી મહાકાય જહાજો કપાવવા માટે આવે છે. આ જહાજોનું અહીં કટીંગ કરી સ્ક્રેપમાં તબદીલ કરવામાં આવે છે. આવા મહાકાય શિપને તોડતા સમયે શીપમાં રહેલો ઝેરી કચરો તથા પર્યાવરણ માટે અત્યંત ખતરનાક જલદ કેમિકલ્સ દરિયામાં ઢોળાતું હોય છે. આ કેમિકલ તથા ઝેરી કચરો દરિયામાં જવાના કારણે અસંખ્ય સમુદ્ર જીવસૃષ્ટિ નાશ પામી રહી છે, તો બીજી તરફ માનવજાતને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ વિકાસ અને સ્વાર્થની આંધળી વૃત્તિના કારણે સમગ્ર મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અલંગના કોઈ પ્લોટમાં પેટ્રોકેમિકલ્સનું વહન કરતું શિપ તોડવા અર્થે આવ્યું છે. આ શિપ બહાર પાણીએ લાંગર્યા બાદ શિપમાં રહેલું ડામર જેવું જલદ અને જોખમી કેમિકલ અજાણતાં કે જાણી જોઈને દરિયામાં છોડવામાં આવ્યું છે. આ કેમિકલ સમુદ્રમાં દૂરદૂર સુધી પ્રસરી જતાં સમુદ્રી જીવસૃષ્ટિ નાશ પામી છે. અસંખ્ય સમુદ્રી જીવો, તેમજ માછલીઓના મોત થયા છે, તો બીજી તરફ અલંગ શિપ યાર્ડના દરિયાકાંઠાના ડાબા અને જમણી સાઈડના બંને બાજુના અનેક કિલોમીટરની અંતર સુધી આવેલા કાંઠા વિસ્તારમાં આ ડામર જેવું કેમિકલ ફરી મળ્યું છે. માછીમારો માછલી પકડવા માટે સમુદ્રમાં જાળ બિછાવી હોય આ જાળમાં પણ ડામર જેવું પ્રવાહી ચોંટી જતાં જાળ બરબાદ થઈ જવા પામી છે. દરિયો ખેડતા માછીમારોએ જણાવ્યું હતું કે, દરિયામાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનું જાડું પડ ડામર જેવા પ્રવાહીનું પથરાયેલું છે. સમગ્ર બાબતને લઈને જવાબદારતંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી કે ન આ અંગે કોઈ તપાસ કરવામાં આવી છે. આજે સવારે પણ મોટી માત્રામાં દરિયાકાંઠે મૃત પક્ષીઓ, માછલીઓ, કરચલાઓ તણાઈ આવ્યા હતા. જે માત્રને માત્ર ડામર જેવા પ્રવાહીના કારણે મોતને ભેટ્યા છે.