ઉધના વિસ્તારમાં આરાધ્યા કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસના મુખ્ય આરોપીઓને ઝડપવાની ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરમુખ ઉર્ફે ગુરૂ સિંઘ અને શુભમ ઉર્ફે માફિયા સિંઘને ઉત્તરપ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી. તેઓ આ માટે લખનૌમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પણ ઉધના પોલીસએ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ. 28 નવેમ્બર, 2024ના રોજ થઈ હતી, જ્યારે રાત્રે આશરે પોણા આઠ વાગ્યે બમરોલી રોડ પર આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાંચે તાત્કાલિક રીતે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. તપાસમાં ખુલ્યું કે, મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દિપક પવાર પાસે વારંવાર ઉધાર નાણાં માંગ્યા હતા. નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો. આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો. ગુરમુખે દિપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા, અજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સની, ગણેશ ઉર્ફે ગણીયો, અને અમૃતાંશ ઉર્ફે લુલીયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી. આરોપીઓની ધરપકડ
આ કેસના મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરૂ અને શુભમ ઉર્ફે માફિયા, ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાના ફિરાકમાં હતો. ગુરમુખ મહારાષ્ટ્રનો રહેવાસી છે જ્યારે શુભમ ઉત્તરપ્રદેશનો છે. પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે જાણવા મળ્યું કે, આ બંને આરોપી લખનૌમાં છુપાયેલા છે અને નેપાળ ભાગવાનો પ્લાન ઘડી રહ્યા છે. ડીસીપી ભગીરથ ગઢવી જણાવ્યું હતું કે ,આરોપીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા હતા.આરોપી ગુરમુખનો અગાઉ પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ છે. 2020માં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ IPC કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ છે. એમ જ, શુભમ ઉર્ફે માફિયા વિરુદ્ધ 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 હેઠળ કેસ નોંધાયો હતો.