અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, એ ઉક્તિને રણકાંઠાની માલધારી સમાજની બે દીકરીએ અથાગ મહેનત બાદ યથાર્થ ઠેરવી છે. આમ તો ક્રિકેટ જગતમાં પુરુષોનો જ ઈજારો જોવા મળે છે, પરંતુ આ ઇજારાને હવે ધીમે ધીમે મહિલાઓ તોડવા લાગી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખોબા જેવડા અંતરિયાળ જૈનાબાદ ગામની માલધારી સમાજની બે માસીયાઈ બહેનોએ ક્રિકેટ જગતમાં ડંકો વગાડી ઇતિહાસ રચ્યો છે. જેમાં જૈનાબાદ ગામની માલધારી સમાજની નિધિ મકવાણાનો સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ થતા ગરીબ પરિવારમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. જયારે એની માસીયાઈ બહેન આલ જતનનું પણ SGFI સ્ટેટ ટુર્નામેન્ટમાં સિલેક્શન થયુ છે. વધુમાં આ બંને માસીયાઈ માલધારી બહેનો લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડેશ્વારી, રાયફલ શૂટિંગ સ્પર્ધામાં પણ નેશનલ લેવલ સુઘી રમીને પછાત રણકાંઠાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી ઇતિહાસ રચ્યો છે. શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલમાં શીખીને અનેક ખેલાડીઓએ મેદાન માર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ ગામની શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્કૂલમાં આમ તો 1976થી સ્કૂલ સ્થાપના થઇ, ત્યારથી અત્યાર સુધીમાં શૈક્ષણિક ક્ષેત્રમાં તેમજ રમતગમત ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ સ્કૂલનું ખૂબ નામ છે. તેમજ વર્ષોથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ રમત ગમતમાં ભાગ લે છે. જેમ કે, એથલેટિક, ખો-ખો, કબ્બડી, બાસ્કેટબોલ, હેન્ડબોલ, લોન્ગ ટેનિસ, સોફ્ટ ટેનિસ, રાઇફલ શૂટિંગ, ઘોડે સવારી અને ક્રિકેટ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લે છે. આમ તમામ રમતોમાં આ ખેલાડીઓ અનેકો વખત રાજ્યકક્ષા સુધી ગયેલા હતા. ત્યારબાદ 2003માં આ સ્કૂલની દીકરી દિવાની યાસ્મીના 200 મીટર દોડમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પ્રથમ વખત છત્તીસગઢ રાયપુર મુકામે નેશનલમાં ગઈ હતી. ત્યારબાદ આ સ્કૂલમાંથી 2011માં પ્રથમ વખત સિઝન બોલ ક્રિકેટની શરૂઆત કરી હતી. ત્યારે ભાઈઓમાં પણ અંડર 16 બીસીસીઆઈમાં પ્રથમ વખત જિલ્લા ચેમ્પિયન બન્યા હતા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ હિલ શિલ્ડ ટુર્નામેન્ટમાં પણ આ સ્કૂલના ખેલાડીઓ ચાર વખત જિલ્લા ચેમ્પિયન બની જામનગર મુકામે રમવા ગયા હતા. બંને દીકરીઓ સતત ત્રણ ચાર વર્ષથી મહેનત કરે છે
હવે જૈનાબાદ ગામની માલધારી સમાજની મકવાણા નિધિ જેણે પ્રથમ વખત 2019 -20ની અંદર ધોરણ નવમાં એડમિશન લીધુ હતું. ત્યારે તે પ્રથમ વખત બાસ્કેટબોલમાં પાટણ રાજ્ય કક્ષાએ અને હોકી ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધો હતો. પરંતુ એને રમતગમતમાં ખૂબ રસ હોવાના કારણે શાળા પરિવારે વિચાર્યું કે, વ્યક્તિગત ટુર્નામેન્ટમાં એને ભાગ લેવડાવીએ, ત્યારે તે વાંસકુદમાં ભાઈઓ તો ખૂબ ભાગ લેતા હોય છે, પરંતુ દીકરી હોવા છતાં તેણે પોતે 7 ફુટ વાંસફૂદ કૂદી નડિયાદ મુકામે U-19માં 2023-24માં બે વર્ષ સતત મહેનત બાદ રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મહારાષ્ટ્રના મૂળચંદ મુકામે પાર્ટીશિપેટ થયેલી તે જ વર્ષમાં સોફ્ટ ટેનિસમાં પણ અમદાવાદ ખોખરામાં રાજ્ય કક્ષાએ 5 ખેલાડીની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી મકવાણા નિધિ, આલ જતન, ભૂંગળ ગોપી ત્રણ દીકરીઓ છત્તીસગઢ રાયપુર મુકામે નેશનલમાં રમવા ગયેલી. ત્યારબાદ પરંતુ તેની સાથે તેની બહેન આલ જતન પણ સાથે જોડતા બંનેની જુગલ જોડી બની હતી. જતન પણ વાંસ કુદમાં નડિયાદ ખાતે U-17માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બિહાર પટના મુકામે પાર્ટીશિપેટ કરેલ. આમ બંને દીકરીઓ સતત ત્રણ ચાર વર્ષથી સાથે સાથે મહેનત પણ કરે છે. ત્યારબાદ નિધી ધોરણ 12 પાસ કરી પાટડી સરકારી વાણિજ્ય વિનયન કોલેજમાં એડમીશન લીધું હતુ. ત્યાંથી પણ રમત ગમતમાં ભાગ લેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પણ ટેનિસમાં 5 ખેલાડીની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ બીજી ટુર્નામેન્ટ રાયફલ શૂટિંગમાં પણ ત્યાં રમવા જતાં તેમાં પણ એર પિસ્ટલમાં 400માંથી 273 પોઇન્ટ મેળવી 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. બંને બહેનોને પરિણામ મળ્યું
હવે વાત કરીએ ક્રિકેટની તો 2023-24માં રાજકોટ મુકામે સૌરાષ્ટ્રમાંથી 65 દીકરીઓ આવી હતી. તેમાં પણ તેની પસંદગી કેમ્પ માટે થઈ હતી. ત્યારબાદ આ વર્ષે પણ 6 જિલ્લામાં પસંદગી આવી હતી, જેમાં નિધી તેમજ જતનનું પોરબંદરમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી જિલ્લા ટુર્નામેન્ટમાં પસંદગી થતાં બંને ભાવનગર મુકામે મેચો રમવા ગયા હતા. ત્યારબાદ રાજકોટ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ફિટનેસ ટેસ્ટ માટે પસંદગી થતાં તેમાં પણ ખુબ સારી ટેસ્ટ પસાર થતા આજે જી-1માં વડોદરા મુકામે U-19 સૌરાષ્ટ્ર ટીમમા સુરેન્દ્રનગર ગ્રામ્યમાંથી પસંદગી થઇ હતી. છેવાડાના ગામમાંથી પસંદગી કે જ્યાંથી ફરતી બાજુ 70 કિલોમીટર સુધી કોઈ સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ બહેનોમાં નહીં રમતા હોય ત્યારે આ રીતે સૌરાષ્ટ્રમાં પસંદગી થતાં ખૂબ આનંદ થાય છે. તેમજ તેની બહેન જતન પણ અન્ડર 19માં ધોરણ 12માં અભ્યાસ કરે છે, તેનું પણ SGFI સ્ટેટ ટુર્નામેન્ટમાં સિલેક્શન થયેલ છે. તેને પણ હજી મેચો રમાડી જો પસંદગી થશે તો તે પણ નેશનલકક્ષાએ ભાગ લેવા જશે. આમ બંને બહેનો ક્રિકેટમાં ખૂબ મહેનત કરે છે, ત્યારે આજે બંનેને પરિણામ મળ્યું છે. બંને બહેનો ભારતીય મહિલા ક્રિકેટમાં દુનિયામાં ડંકો વગાડે તો નવાઈ નહીં
આમ જોઈએ તો ક્રિકેટની શરૂઆત શ્રીમતી ઝુબેદા બેગમ હાઇસ્કુલ, જૈનાબાદમાં 2011થી થઈ હતી. પરંતુ આજના આ સમયમાં બહેનો પણ કેમ આગળ ન વધી શકે, તેવી વિચારસરણી સાથે આ શાળાના ટ્રસ્ટી સબીર મહંમદખાનજી તેમજ ધનરાજ મલિક પણ આ વાત સાથે સહમત છે. ત્યારે એમનો પણ ખૂબ સારો સહકાર મળે છે. તેમજ શાળાના આચાર્ય ટી.જી.મલેકનો પણ સારો સહકાર મળે છે. ત્યારે આજે આ વાતને પૂર્ણ કરવા માટે આ બંને દીકરીઓ ખૂબ મહેનત કરતી હતી. ત્યારે પણ ખૂબ સારો સહકાર આય્યો છે. તેમના મા-બાપનો પણ પશુપાલનનો વ્યવસાય હોવા છતાં ખૂબ સારો સહકાર મળ્યો છે, ત્યારે બંને દીકરીઓ ખૂબ આગળ વધી છે. આ બધી બાબત એટલા માટે ટાંકવી જોઈએ કે એમની ક્રિકેટની કારકિર્દી જોઈએ તો અમારી સ્કૂલમાંથી વ્યાયામ શિક્ષક એલ.જી.વણોલ દ્વારા થયેલી છે. અને બંને દીકરીઓ ખૂબ ઉત્સાહપૂર્વક મહેનત કરી રહી છે. ત્યારે આ પરિણામ પર પહોંચ્યા છીએ આપણે એવી આશા રાખીએ કે જી-1 ટુર્નામેન્ટમા તો સ્થાન મળ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર વતી હજુ પણ વધુ રમવાની તક મળે તેમજ રાષ્ટ્ર કક્ષાએ પણ તેમને તક મળે અને તેઓ આગામી દિવસોમાં આ બંને માસીયાઈ બહેનો ભારતીય મહિલા ક્રિકેટમાં દુનિયામાં ડંકો વગાડે તો નવાઈ નહીં. બંને બહેનો અથાગ મહેનત થકી આજે આ લેવલ સુધી પહોંચી: આચાર્ય ટી.જી. મલેક
આ અંગે શાળાના આચાર્ય ટી.જી. મલેક ગર્વભેર જણાવે છે કે, આ બંને માલધારી સમાજની બંને બહેનો રાત-દિવસની અથાગ મહેનત અને પરસેવો પાડી આજે આ મુકામ પર પહોંચી છે. આગામી દિવસોમાં જૈનાબાદ ગામની માલધારી સમાજની આ બંને બહેનો ભારત વતી રમી મહિલા ક્રિકેટમાં ડંકો વગાડી અમારા ગામ, અમારા જિલ્લા અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરે એવી આશા છે. જયારે માલધારી સમાજની આ બંને બહેનોના કોચ અને જૈનાબાદ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક એલ.જી.વણોલ પણ આ બંને બહેનોની ક્રિકેટ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને અથાગ મહેનત થકી આજે આ લેવલ સુધી પહોંચી છે. આ સિવાય આ બંને દીકરીઓ દરેક રમતમાં જેમ કે, લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડેશ્વારી અને રાયફલ શૂટિંગ સહીતની તમામ રમતોમાં અવ્વલ નંબર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. જયારે આ અંગે જૈનાબાદ ગામની માલધારી સમાજની આ બંને માસીયાઈ બહેનો નિધિ મકવાણા અને આલ જતન ભારત વતી મહિલા ક્રિકેટમાં રમવાની મહેચ્છા સાથે અથાગ પરિશ્રમ કરી પરસેવો પાડી રહી છે.