ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મેડીકલ માફીયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ બે નહી પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યુ છે. અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 લોકોએ સરકારને મોટાપાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યુ હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કાઢાવી લેતા હોય છે. આ કૌભાડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ઘટસ્ફોટ કરી રહી છે ત્યારે PM-JAY કાર્ડ બનાવવામાં જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ યોજનાના કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને 6 લોકોની ધરપકડ કરી છે. નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવીને 6 લોકોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ ગેંગ દ્રારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યુ છે કે, પાત્રતા વગરના લોકોની પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય અને તેઓ રૂપિયા આપે તો પણ કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. આ 6 આરોપીઓ એજન્ટ પણ છે અને અન્ય લોકો છે. આ લોકો PMJAYના નકલી કાર્ડ બનાવી આપતા હતા. મળતી માહિતી પ્રમાણે, ભારત સરકારના રૂપિયાને બગાડવાની કરતૂત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે. ક્રાઇમ બ્રાંચ આમાં સંડોવાયેલા 6 લોકોની હાલ ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે તેમની પર પણ તવાઈ આવી શકે છે. કારણ કે, તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે. આ ઝડપાયેલા છ લોકો ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ PMJAY યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જોકે, પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કાર્ડ કોની કોની સંડોવણીથી બનાવતા હતા. ખ્યાતિ હોસ્પિટલે 100 PM-JAY કાર્ડ બનાવ્યા
આ ગેંગ દ્રારા ત્રણ હજાર કાર્ડ બનાવાયા છે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ 100 જેટલા PM-JAY કાર્ડ બનાવી દીધા છે. હાલ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાંડમાં કોઇ પણ સંડોવાયેલો હશે તેને છોડવામાં આવશે નહી. ક્રાઇમ બ્રાંચે સરકારને ચુનો લગાવવાનું સૌથી મોટુ કૌભાડ ઝડપી પાડ્યુ છે. ખ્યાતિ હોસ્પિટલે 4947 ઓપરેશન કરી 26 કરોડના ક્લેઇમ કર્યા હતા
PMJAY વિભાગમાંથી મળેલા આ ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યું ત્યાં સુધીમાં) કુલ 4947 ઓપરેશન કર્યાં છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રૂપિયાની રકમ માટેના ક્લેઈમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ ક્લેઈમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂપિયા મળી ચૂક્યા છે, તે જાણી શકાયું નથી. પણ ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધારેની રકમના ક્લેઈમ 43 મહિનામાં જ કરી નાખ્યા હતા. ખ્યાતિકાંડ બાદ સરકારે PMJAY નિયમોમાં ફેરફારની તજવીજ હાથ ધરી
ખ્યાતિકાંડમાં હૃદયરોગની સારવાર કરાવવા આવેલા દર્દીઓએ જીવ ગુમાવ્યા બાદ રાજ્ય સરકારે PMJAY- યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવાનું નક્કી કર્યું છે. હવે પછી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે યોજના હેઠળ ક્લેઇમની અરજી કરતી વખતે હોસ્પિટલે સર્જરીનો વીડિયો પણ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. આ માટે સરકાર પોતાના પોર્ટલમાં નવા બદલાવ કરી રહી છે. યોજના હેઠળ કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી જેવી સારવાર સંદર્ભે નવા નિયમો લાગુ પડશે. આ સંદર્ભે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક સમીક્ષા બેઠક યોજી હતી. નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ નિયમો લાગુ પડશે