પંચમહાલ જિલ્લાના હાલોલનાં બે કૉમ્પ્યુટર સેન્ટરોમાં છૂપા વેશમાં ગયેલ પાલિકાના ચીફ ઓફિસર સાથે દિવ્ય ભાસ્કર અને પોલીસની ટીમ પહોંચી હતી. સેન્ટરોમાં પાલિકાનાં કોરા જન્મ પ્રમાણપત્રોમાં પરવાનગી વગર ગેરકાયદે રીતે બનાવટી પ્રિન્ટ કાઢીને અરજદાર પાસેથી 50થી લઇને 200 રૂ ઉઘારાણી કરતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ચીફ ઓફિસરે બુરખો પહેરીને સેન્ટરોમાં તપાસ કરતા પાલિકાનાં કોરા જન્મપ્રમાણપત્રોનો જથ્થો મળી આવતા ચોંકી ઊઠ્યા હતા. તમામ મુદ્દામાલ કબજે કરીને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલા નારાયણ કોમ્પ્યુટર અને જય મહાકાળી કોમ્પ્યુટર સેન્ટરોમાં પાલિકામાંથી અપાતા જન્મના પ્રમાણપત્રો પોતાના કોમ્પ્યુટરમાં પરવાનગી વગર ગેરકાયદે રીતે બનાવટી પ્રિન્ટ કરી રૂપિયા લઈને વેપલો કરાતો હોવાની બાતમી ચીફ ઓફિસર હીરલ ઠાકરને મળી હતી. કૌભાંડનો પર્દાફાશ કરવા ભેજાબાજોને મુદામાલ સાથે રંગેહાથ પકડવા ‘ઓપરેશન ડુપ્લિકેટ પ્રમાણપત્ર’ નામે ઓપરેશન હાથ ધરી ચુનંદા કર્મચારીઓની બે જુદી જુદી ટીમો બનાવી હતી. ચીફ ઓફિસરે ઓળખ છુપાવવા બુરખો ધારણ કરી પોલીસ અને દિવ્ય ભાસ્કરની ટીમને સાથે રાખી એક જ સમયે બન્ને સેન્ટરો પર છાપો મારતા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. દરોડા દરમિયાન બન્ને સેન્ટરો પર કોમ્પ્યુટરમાંથી નગરપાલિકાનાં બનાવટી જન્મપ્રમાણપત્રોની ગેરકાયદે પ્રિન્ટો નીકળી રહી હતી. પાલિકાએ બન્ને સેન્ટરો પરથી જન્મપ્રમાણપત્રોની કોરી અને પ્રિન્ટ કરેલાં જન્મ પ્રમાણપત્રોનો જથ્થો, કોમ્પ્યુટર સહિતની સામગ્રી કબજે કરી સ્થળ પર જ પંચનામું કરી ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર પ્રિન્ટ કરવાના કૌભાંડમાં કોની કોની સંડોવણી છે ? તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. કોમ્પ્યુટર સેન્ટરના સંચાલકોને ચીફ ઓફિસરે પૂછતાં પ્રમાણપત્રોની પ્રિન્ટ કરવા પાલિકાના કર્મચારીઓએ પ્રિન્ટ કરવા સૂચના આપી હોવાની કબૂલાત કરી હતી. નોંધનીય છે કે અગાઉ પાલિકાની ડુપ્લિકેટ આકારણી બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડુપ્લિકેટ જન્મપ્રમાણપત્ર પ્રકરણમાં પોલીસ કાર્યવાહી થશે
હાલોલ નગરપાલિકા નામના ડુપ્લિકેટ જન્મપ્રમાણપત્રો બનાવનાર નારાયણ કોમ્પ્યુટર અને જય મહાકાળી કોમ્પ્યુટર સેન્ટરોમાંથી ડુપ્લિકેટ જન્મપ્રમાણપત્રો બનાવતા પાલિકા ચીફ ઓફિસરના દરોડામાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પાલિકા દ્વારા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં ડુપ્લિકેટ સરકારી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે ગુનો નોંધાવા શક્યતા તપાસાશે. નકલી સર્ટિ માટે 50-200 રૂપિયા લેવાતા
હાલોલના બે કોમ્પ્યુટર સેન્ટરોમાંથી ઝડપાયેલા ડુપ્લિકેટ જન્મપ્રમાણપત્રોનો જથ્થો આબેહૂબ પાલિકાના અસલ પ્રમાણ પત્રમાં સામેલ હાલોલ નગરપાલિકાનો લોગો, અશોક સ્તંભ સહિત અક્ષરના ફોન્ટ પણ જોવા મળ્યા હતા. પાલિકામાં જન્મપ્રમાણપત્ર કઢાવવા આવનારને કોઇ કર્મચારી સેન્ટરોમાં મોકલ આપતો હતો. જ્યાં જન્મપ્રમાણપત્ર પર પ્રિન્ટિંગ કરીને આપીને રૂા.50થી 200 લઇને કમાણી કરતા હતા. કૌભાંડ આ રીતે ઝડપાયું કિશોરીએ ચીફ ઑફિસરને ફરિયાદ કરતા ઘટસ્ફોટ થયો
હાલ શાળામાં ઇકેવાયસી અને અપાર આઇડી બનાવવા આધારકાર્ડ અપડેટ કરવામાં માટે હાલોલની ધો.10ની વિદ્યાર્થિની સાત દિવસથી જન્મપ્રમાણપત્ર અંગ્રેજી અને ગુજરાતીમાં લેવા માટે ધક્કા ખાતી હતી. પાલિકાના કર્મચારીએ વિદ્યાર્થિનીને નારાયણ કોમ્પ્યુટરમાં મોકલી આપી હતી. સેન્ટરવાળાએ રૂપિયા લઈ જન્મપ્રમાણપત્રોની બે પ્રિન્ટો કાઢી આપતા કિશોરી પાલિકામાં આવી હતી. તેને બન્ને પ્રિન્ટો પર સહી-સિક્કા કરી આધાર લિન્ક કરવા જતાં ત્યાં જન્મનું પ્રમાણપત્ર બારકોડ વાળું હોવું જોઈએ એવું કહેતા કિશોરી પરત પાલિકામાં જન્મ-મરણ નોંધણી શાખામાં આવી હતી. બારકોડવાળું પ્રમાણપત્ર માંગતા કર્મચારીએ કિશોરીને બારકોડવાળું પ્રમાણપત્ર નહીં મળે તેમ કહેતાં કિશોરી ડઘાઇ ગઈ હતી. પોતાનું બારકોડવાળું પ્રમાણપત્ર ન મળતા કિશોરીને આવનાર બોર્ડ પરીક્ષા નહીં આપી શકેનું જણાવી કિશોરી ધ્રૂસકે ધ્રૂસકે રડતી રડતી ચીફ ઓફિસર પાસે પહોંચતા ડુપ્લિકેટ જન્મપ્રમાણપત્ર કૌભાંડના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. બારકોડ અંગે ચીફ ઓફિસરે તપાસ કરાવતા પાલિકામાં જન્મ-મરણ વિભાગમાં 2015 પછી જ બારકોડ સાથેનાં પ્રમાણપત્રો અપાયા હોઇ વર્ષ 1994થી 2015 સુધી જન્મપ્રમાણપત્ર અપડેટ કરાયા ન હોવાનું બહાર આવતા પાલિકાની કામગીરીએ ડિજિટલ ઇન્ડિયાના દાવાઓનો છેદ ઉડાડી નાખ્યો છે.