રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આજરોજ રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ મવડી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, તમામ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાર્ષિક ઈસ્પેક્શન પરેડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મર્ડર, દુષ્કર્મ અને અકસ્માત સહિતના ગુનામાં 5 થી 30 ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા આજે લેવામાં આવ્યું હતું. મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઇન્સ્પેકશન પરેડ આઈજીપી દ્વારા લેવામાં આવી હતી. જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. હાલ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં છે અને કોઈપણ જ્વલંત પ્રશ્ન ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ક્રાઇમ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પણ સામે આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષા અંગે રાજકોટ જિલ્લા પોલીસ અસરકારક રીતે કામગીરી કરી રહી છે. નવા કાયદા સંબંધમાં જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવશે. જયારે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી પ્રશ્ન છેલ્લા થોડી સમયથી સામે આવી રહ્યો છે. જેમાં વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે. રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને આહવાન છે કે કોઈપણ જગ્યાએ વ્યાજખોરોનો ત્રાસ હોય તો તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે જેથી તેની સામે તુરંત ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.