સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના “સાલસા એન્જોય રેસ્ટોરન્ટ”માં બની હતી. આ ચોરીમાં આશરે 8.60 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા, જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં “બ્લાઇન્ડ કેસ” સમાન લાગ્યો. ઓળખાણ ન થાય આ માટે તેઓ ટોપી ફૂલ સ્લીવ ટીશર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા એટલું જ નહીં હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા, પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા સીસીટીવીમાં કેદ થયા અને તેમને જોઈ પોલીસને શંકા ગઈ કે આ કોઈ જાણભેદુ જ હોઈ શકે. ચોરીમાં રેસ્ટોરન્ટના ભૂતપૂર્વ કર્મચારીની ભૂમિકા
હોટલમાં સંજય થાપા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ કર્મચારી તરીકે કાર્યરત હતો. તે ચોરી માટે મુખ્ય “જાણભેદુ” સાબિત થયો. તેણે શનિ-રવિના દિવસોમાં મોટાભાગના કસ્ટમર્સ આવતાં હોવાના આધારે હોટલમાં મોટી રકમ રાખવામાં આવતી હોવાની ટીપ પોતાના સાગરિત અર્જુન નાથ યોગીને આપી હતી. અર્જુને આ માહિતી અન્ય મિત્ર રાજ ખડકા ખત્રીને આપી અને ત્રણેય જણે મળીને ચોરીનું કાવતરું રચ્યું. પહેરવેશથી ઓળખ છુપાવવાનો પ્રયાસ
આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ખાસ આયોજન કર્યું હતું. ચોરીના સમયે તેઓ ફુલ સ્લીવની ટીશર્ટ, કેપ અને મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા. ઘટનાની જગ્યાએ ફિંગર પ્રિન્ટ્સ ના આવી જાય અથવા તો હાથથી પોલીસ ઓળખી ન શકે આ માટે આરોપીઓ દ્વારા ગ્લવઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાંથી મળી આવેલી વિગતોએ સાબિત કર્યું કે, ચોરીના સમયે આરોપીઓએ તમામ તજવીજ કરી હતી, જે એક જાણકાર વ્યક્તિ જ કરી શકે. પોલીસની તપાસ અને ધરપકડ
ડુમસ પોલીસે આ ગુનાના ઉકેલ માટે ચાર અલગ ટીમો બનાવી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ મેળવી. મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અર્જુન નાથ શંભુનાથ યોગીને દિવ-દમણથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાજ પાસેથી 4 લાખ રૂપિયાની રકમ કબ્જે કરી, જ્યારે અર્જુન પાસેથી 1.50 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી. હજી ત્રણ આરોપીઓ ફરાર છે અને તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજથી કેસ ઉકેલાયો
ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે, આ કેસ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ મહત્ત્વની સાબિત થઈ. ફૂટેજમાં દેખાય છે કે ચોરી કરનાર વ્યક્તિઓને હોટલની અંદરની સંપૂર્ણ જાણકારી હતી. મુખ્ય આરોપી રાજ ખડકાએ સીધું કાઉન્ટર ખોલીને ચોરી કરી હતી, જે એ સાબિત કરે છે કે તેને રકમ ક્યાં રાખવામાં આવતી હતી તે અંગેની સંપૂર્ણ જાણકારી હતી. આરોપીઓના રીઢા ગુનાહિત ઇતિહાસ
આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમને ખબર હતી કે, સીસીટીવી કેમેરામાં કેદ થવાને કારણે તેઓ ઝડપાઈ શકે છે. તેથી તેઓએ પોતાનું ચહેરું કેપ અને માસ્કથી ઢાંકી લીધું હતું. ફિંગરપ્રિન્ટ ન રહે તે માટે ગ્લવ્ઝનો ઉપયોગ કર્યો હતો, જે તેમની પૂર્વનિયોજિત તૈયારીને સાબિત કરે છે. હાલના તબક્કે ડુમસ પોલીસ બે આરોપીઓને પકડી શકી છે અને 5.50 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી છે. બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે તે શીઘ્ર જ બાકીના આરોપીઓને પકડી પાડશે અને સમગ્ર રકમ સાજીદ કરી શકશે.