ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આગામી 1-2 દિવસમાં તેમને ICUમાંથી ખાનગી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમને 12 ડિસેમ્બરે નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમને સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હોસ્પિટલે મંગળવારે સાંજે લાલકૃષ્ણ અડવાણીનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભાજપના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી 12 ડિસેમ્બરથી ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ICUમાં ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. તેમની તબીયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમની તબિયતની પ્રગતિના આધારે, તેમને આગામી 1-2 દિવસમાં ICUમાંથી શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. અડવાણીને પણ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ હતા. તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ દિલ્હી એઈમ્સમાં તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.