સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ આપઘાતના બનાવ સામે આવ્યા છે. બે પરિણીતા, એક વિદ્યાર્થીની, તરુણી સહિતનાએ જીવન ટુંકાવ્યું હતું. જ્યારે આર્થિક સંકડામણમાં યુવકનો ઓફિસની અંદર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પહેલા બનાવમાં મૂળ રાજસ્થાન અને ઉધનામાં વાજપેય આવાસમાં 16 વર્ષીય રોશની સુરેશભાઈ માલી પરિવાર સાથે રહેતી હતી. પિતા કડિયા કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. રોશનીની માતાનું કોરોના કાળમાં અવસાન થયું હતું. રોશની એ ધોરણ 6 સુધીનો અભ્યાસ કરી કર્યો હતો અને હાલ ધાગા-કટીંગમાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતી હતી. રોશની ઘરે રસોડામાં છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રોશનીએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી બીજા બનાવમાં મૂળ ભાવનગર અને ગોડાદરા વિસ્તારમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં 42 વર્ષીય મુકતાબેન પ્રવીણભાઈ જીંજાળા પરિવાર સાથે રહેતા હતાં. પતિ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકતાબેન ઘણા વર્ષોથી શરીર અને કમરના દુખાવાની બીમારીથી પીડાતા હતા અને જેની દવા પણ ચાલતી હતી. જે બીમારીઓથી કંટાળી અંતે મુક્તાબેને ઘરે લોખંડના હુક સાથે દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્રીજા બનાવમાં મૂળ ગીર સોમનાથ અને વરાછા લંબે હનુમાન રોડ પર સપના સોસાયટીમાં 32 વર્ષીય મંગળાબેન ભાવેશભાઇ ડાંગોદરા પરિવાર સાથે રહેતા હતા. પતિ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળાબેન ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીઓથી પીડાતા હતા. જે બીમારીઓથી કંટાળી મંગળાબેને ઘરે અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચોથા બનાવમાં મૂળ અમરેલી અને યોગીચોક વિસ્તારમાં આવેલી સ્ટાર સિલિકોન રેસીડેન્સીમાં 30 વર્ષીય ચિરાગભાઈ રામજીભાઈ ડોબરીયા પરિવાર સાથે રહેતા હતા. સરથાણા જકાતનાકા પાસે વ્રજભૂમી પાસે વિકાસ શોપર બિલ્ડીંગમાં ડિઝલ અંગેની ભાગીદારીમાં ઓફિસ ચલાવતો હતો. જોકે ઓફિસમાં ઝેરી દવા પી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં કરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે, ચિરાગને લોનના હપ્તા સહિતના નાણાકીય તકલીફના લીધે ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલું ભયું હોવાની શક્યતા છે. પાંચમા બનાવમાં મૂળ મહેસાણાના વતની અને વેડરોડ પર આવેલાનિલય કોમ્પ્લેક્સમાં 17 વર્ષીય કૃપા હસમુખભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. પિતા રત્નકલાકાર તરીકે હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કૃપા વેડરોડ ખાતે આવેલી ગાયત્રી સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કૃપા શાળાએથી આવ્યા બાદ મોબાઈલ જોયા કરતી હતી. જેથી તેણીને તેની માતાએ મોબાઈલ બંધ કરી ભણવામાં ધ્યાન આપવા જણાવ્યું હતું. માતાએ આપેલા ઠપકાનું માઠું લગાડી અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તરૂણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું.