શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને અઢળક નાણાં કમાવી આપવાની લાલચ આપતી ટોળકીનો ભોગ બનનારાનો સિલસિલો યથાવત જ છે. વડોદરા શહેરના એક યુવાને શેરબજારમાં રોકાણના નામે સાયબર માફિયાઓની જાળમાં આવી 87 લાખનું માતબર રોકાણ કર્યું હતું. જેની સામે તેને સાડા ચાર કરોડનો નફો દર્શાવી છેતરવામાં આવ્યો હતો. જો કે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતાં પોલીસે છેતરપિંડી આચરતી ટોળકીના વડોદરાના ચાર યુવાનોને ઝડપી પાડ્યા હતા. જેમાં એક ડિપ્લોમા એન્જીનીયર હોવાનું અને બાકીના ત્રણ 10-12 ચોપડી ભણેલા અને આઇટીઆઇ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભોગ બનનારના મોબાઇલ ફોન ઉપર એક વોટ્સએપની લિન્ક આવી હતી જેમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અને શેરબજારમાં રોકાણ કરી લાખો કમાવાની ટીપ્સ આપવામાં આવી હતી. જેને લઇ ભોગ બનનારે ગોલ્ડમેન સ્વીપ નામની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી ટીપ્સના આધારે રોકાણ કરવા માંડ્યું હતું. ભોગ બનનારે 87 લાખનું રોકાણ કરતા તેની સામે તેને 4.50 કરોડનો નફો દર્શાવવામાં આવ્યો હતો. જો કે તે નફો કે કરેલા રોકાણના નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા તેની પાસે વધુ 24.34 લાખ ભરવામાં કહેવામાં આવ્યું હતું. જો કે પોતે છેતરાયા હોવાનું લાગતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા ટેકનીકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરતા વડોદરાની ટોળકી સંડોવાયેલી હોવાની વિગતો પ્રકાશમાં આવતા વાઘોડિયાના ખટંબા ગામે રહેતા રીતેશકુમાર કનુભાઇ પટેલ (44), સોમા તળાવ પાસે રહેતા રાજ ઉર્ફે લાલી મહેન્દ્રભાઇ ચૌહાણ (26), કિસનવાડીમાં રહેતા વિકાસ ગોપાલભાઇ કહાર (25) અને આજવા રોડ પર રહેતા મેહુલ રાજેશભાઇ વસાવા (25)ની ધરપકડ કરવામાં આવી છે. રાજ ઉર્ફે લાલી ડિપ્લોમા એન્જીનીયર થયેલો છે. મેહુલે પોતાનું બેન્ક એકાઉન્ટ ટોળકીને આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.