ગુજરાતમાં હાલમાં ઝોલાછાપ ડોક્ટરો ઝડપી પાડવાને લઈને મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યમાં અત્યાર સુધી કુલ 1200થી વધુ ઊંટવૈદ્યને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારી જિલ્લામાં પણ એક અઠવાડિયામાં બાતમીના આધારે 4 જેટલા ડોક્ટરોને ઝડપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નવસારીના મહુવર ગામે ક્લિનિક
નવસારી SOGના સંતોષભાઈ સુનિલભાઈ તથા કિરણભાઈ દિનેશભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મહુવર ગામના સહકારી મંડળીની પાછળ એન્ટાલીયા સોસાયટીમાં પ્લોટ નંબર 324માં પાર્કિંગમાં એક ક્લિનિક ધમધમી રહ્યું છે. બાતમીના આધારે રેડ કરતા આરોપી રાજુભાઈ જશુભાઈ ટંડેલ કોઈ પણ માન્ય ડિગ્રી વગર પાર્કિંગમાં બોટલ ચઢાવવા સાથે દર્દીઓને દવા પણ આપતા હતા, જેના આધારે તેમની ધરપકડ કરી ક્લિનિકમાંથી કુલ 10,200,9નો મુદ્દામાલ કબજે કરી મરોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી રાજુ ટંડેલ છેલ્લા સાત વર્ષથી આ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તેની પાસે વડોદરાની NDSC હર્બલ નામની ડીગ્રી છે, જેના આધારે તે દર્દીઓની ચકાસણી અને સારવાર કરતો હતો. સાથે જ દર્દીઓની ડિમાન્ડના આધારે તે ઘરે જઈને પણ સારવાર આપતો હોવાની હકીકત પોલીસને મળી હતી. ખેરગામ તાલુકામાં પ્રથમ કેસ
તારીખ 11મી ડિસેમ્બરના રોજ ખેરગામ તાલુકામાં પણ એક કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી શશીકાંત મહારુ પાટીલ માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયામાં છેલ્લા છ વર્ષથી દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો. સાથે જ ઘરના પાછળના ભાગે આવેલા તેના ઘરમાં દર્દીઓને બિન્દાસ પણે બાટલા ચડાવવા સહિત દવા આપી જોખમી સારવાર આપતો હતો, જેની જાણકારી નવસારી SOG ભક્તેશ બોરશે તથા મયુરભાઈ રઘુભાઈને મળતાં ક્લિનિક પર પહોંચી તપાસ કરતા બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું. વાંસદા તાલુકાના પીપલખેડમાં બીજો કેસ
વાંસદા તાલુકાના પીપલખેડ ઝકાર ફળિયામાં મહેન્દ્રભાઈ નાગજીભાઈ ભોયેના મકાનમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સુનિલભાઈ સદાશિવભાઈ પવાર ગેરકાયદેસર રીતે દર્દીઓને દવા આપી તેમની સારવાર કરી રહ્યો હતો, જે અંગેની બાતમી મળતા SOGના અમરભાઈ ભગવાનભાઈ તથા મયુરભાઈ રઘુભાઈએ છાપેમારી કરતા દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોક્ટરે પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ 19,721ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વાંસદા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 125 તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનો એક્ટ 1963ની કલમ 30 અને 35 મુજબનો ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનને આપી છે. ચીખલીના સારવણીમાં ત્રીજો કેસ
ચીખલી તાલુકામાં પણ આવેલા સારવણી ગામના વિઠ્ઠલવાડી ફળિયામાં સાઇ ક્લિનિક ચલાવતા આરોપી સંજયભાઈ રમણભાઈ સોનાવાલા કોઈપણ ડિગ્રી વગર દર્દીઓને દવા આપી તેમના જીવનને જોખમાય તે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ 10,835નો મુદ્દા માલ કબજે કરી ચીખલી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમ ઉમેરી કેસ નોંધવામાં આવ્યો છે. આમ તારીખ 11મી ડિસેમ્બરથી અત્યાર સુધી નવસારી જિલ્લામાં ચાર જેટલા ડોક્ટરો અલગ અલગ વિસ્તારમાં મેડિકલની ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હતા. દર્દીઓના જીવને જોખમ હોવાનું જાણવા છતાં પણ બિન્દાસ પણે તેઓ સારવાર આપી રહ્યા હતા, જેના આધારે SOGએ કાર્યવાહી કરી કાયદેસરના પગલાં લીધા છે.