રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડપ્લેસ બન્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતાં લોકો ઠૂંઠવાયા હતા, જોકે અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતાં લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી. અમદાવાદમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા, ડીસા અને રાજકોટ બાદ અમરેલીમાં ઠંડી વધી
દર શિયાળામાં સામાન્ય રીતે ગુજરાતમાં નલિયા અને ડીસામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું હોય છે. ચાલુ સિઝનમાં નલિયા અને ડીસા ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે સરકી રહ્યો છે. આજે પણ અમરેલી જિલ્લામાં 9.8 ડિગ્રી જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદના લઘુતમ તાપમાનમાં વધારો
ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે જેમાં અમદાવાદ શહેરમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો .જ્યાં 17 ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેરમાં સિઝનનું સૌથી ઓછું 11.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે ગત રાત્રે તેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 9.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આફત મંડરાઈ રહી છે એટલે કે અત્યંત ઠંડીનું જોર યથાવત્ રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હાલની સ્થિતિ કરતાં પણ એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે અથવા તો એકાદ ડિગ્રી સેલ્સિયસ વધારો નોંધાઈ શકે છે. ઉત્તરના ફૂંકાતા પવનોના કારણે ઠંડીનું જોર વધ્યું
સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ વર્ષે જે પ્રમાણે ડિસેમ્બર મહિનામાં ઠંડી પડી રહી છે તેનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતમાં કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે તથા ઉત્તર દિશા તરફથી બરફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર છેલ્લા દસ દિવસથી ઉત્તર દિશા તરફથી સીધા પવનનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે.જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત નજીક દરિયાકાંઠો હોવાથી ત્યાં તાપમાન મુખ્યત્વે સમતોલ રહે છે. તેથી આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.