રાજકોટ શહેર વોર્ડ નં.14ના ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ જન્મના દાખલામાં ચેડાં કરી બોગસ દાખલો રજૂ કરી વોર્ડ પ્રમુખ માટેની દાવેદારી કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં રાજકોટ શહેરના વધુ એક કાર્યકરે કોઇપણ ભોગે સત્તા મેળવવા માટે રાજકોટની નેતાગીરીને અંધારામાં રાખવાનો ખેલ પાડ્યો છે. જયેશ લાઠિયા નામના આગેવાને વોર્ડ નં.18માં પ્રમુખપદ માટે ફોર્મ ભર્યું છે સાથે સાથે રાજકોટ તાલુકા પ્રમુખ માટે પણ દાવેદારી કરી છે. એક વ્યક્તિ એક જ જગ્યા માટે ફોર્મ ભરી શકે તેવા સંગઠનના ચૂંટણી અધિકારીએ નિયમ જાહેર કર્યા હતા આમ છતાં લાઠિયાએ કાંડ કરી હોદ્દો મેળવવા ખેલ પાડ્યો હતો. રાજકોટ શહેરના વોર્ડ નં.18માં પ્રમુખપદ માટે ભાજપના 11 કાર્યકરો આગેવાનોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6ના ફોર્મ મંજૂર થયા હતા. આ પૈકી જયેશ લાઠિયાનું ફોર્મ પણ ચૂંટણી નિરીક્ષકોએ માન્ય રાખ્યું હતું. એક વ્યક્તિ કોઇ એક જગ્યા માટે જ દાવેદારી કરી શકે. આ નિયમથી તમામ લોકો વાકેફ છે અને જયેશ લાઠિયા પણ આ બાબત જાણતા હતા, પરંતુ તેઓ સંગઠનની રચનામાં આ વખતે કોઇ પણ સંજોગોમાં હોદ્દો મેળવવા મરણિયા બન્યા હતા અને તેમણે શહેરના નેતૃત્વને જાણ કર્યા વગર રાજકોટ તાલુકા પ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનની ચૂંટણી માટે અમદાવાદના ભાજપના આગેવાન આશિષભાઇ દવેની નિરીક્ષક તરીકે ભાજપે વરણી કરી છે અને જયેશ લાઠિયાએ નિરીક્ષક દવેને પોતાનું નિયત ફોર્મ આપ્યું હતું અને તાલુકા પ્રમુખપદ માટે દાવેેદારી કરી છે. ભાજપના આગેવાનો-કાર્યકરો હોદ્દો મેળવવા માટે પાર્ટીની શિસ્તના લીરા ઉડાવી રહ્યા છે અને એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે. હા, મેં બન્ને હોદ્દા માટે દાવેદારી કરી હતી: જયેશ લાઠિયા
ભાજપના આગેવાન જયેશ લાઠિયાનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતાં લાઠિયાએ શરૂઆતમાં તો ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં તેમણે કહ્યું હતું કે, વોર્ડ નં.18ના પ્રમુખ અને રાજકોટ તાલુકા પ્રમુખ બંને માટે પોતે દાવેદારી કરી હતી અને ફોર્મ ભર્યા હતા અને બાદમાં તાલુકા પ્રમુખપદ માટેનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જોકે વોર્ડ નં.18 અને તાલુકા ભાજપના આગેવાનોઅે કહ્યું હતું કે, જયેશ લાઠિયાની બંને જગ્યાએ દાવેદારી છે અને શહેર તથા જિલ્લાના આગેવાનોને અંધારામાં રાખી પોતાનું લોબિંગ કરાવી રહ્યો છે. માખેલાએ સરકારી કામોમાં પણ નકલી દસ્તાવેજ રજૂ કર્યાની શંકા
શહેરના વોર્ડ નં.14ના પ્રમુખ બનવા માટે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ પોતાની જન્મ તારીખના દાખલામાં ચેડાં કરી પોતાની વાસ્તવિક ઉંમર કરતાં 6 વર્ષ ઉંમર નાની કરી નાખી હતી. આ મામલો પ્રદેશ ભાજપે પહોંચતા માખેલાનું ફોર્મ રદ કરવાાં આવ્યુ છે અને આગામી દિવસોમાં તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. વોર્ડ પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ કરેલા કરતૂત તેની ગુનાહિત માનસિકતાની સાબિતી આપે છે તેવી શહેર ભાજપમાં જ જોરશોરથી ચર્ચા શરૂ થઇ છે. મહેશ માખેલા વોર્ડ પ્રમુખ બનવા માટે બોગસ દસ્તાવેજ બનાવી શકે તો સરકારી કામો માટે તેણે અગાઉ અનેક જગ્યાએ બોગસ દસ્તાવેજથી પોતાના કામ પાર પાડ્યાની શંકા સેવાઇ રહી છે. આ મામલે તપાસ કરવામાં આવે તો વિપુલ માખેલાના અન્ય કૌભાંડનો પણ ભાંડાફોડ થઇ શકે.