સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને IAS – IPS બનવા માટેની તાલિમ મળી રહે તે હેતુથી વર્ષ 2019 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન સંચાલિત UPSC કોચિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર તત્કાલીન મુખ્યમંત્રીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં 200 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવાનું શરૂ કરાયું હતું. જોકે બાદમાં હાજરીનો પ્રશ્ન સર્જાતા છેલ્લા 2 વર્ષથી ડિપોઝિટિવ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં હવે આ સેન્ટરમાં મિસ મેનેજમેન્ટ સામે આવ્યુ છે. છેલ્લા એક વર્ષમાં 111 વિદ્યાર્થીઓને રૂ. 8,100 એટ્લે કે રૂ. 8,99,100 પરત ન મળ્યાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ સેન્ટરમાં સફાઈનો અભાવ, સ્ટાફ આરામ ફરમાવતો હોય તેવા ઉપરાંત લાયબ્રેરીમાં શ્વાન શયન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ બાયોમેટ્રિક મશીન બંધ હોવાથી વિદ્યાર્થીઓની હાજરી પણ રેગ્યુલર પૂરાતી નથી. હાલ 200 ની કેપેસિટી સામે 90 જેટલાં વિદ્યાર્થીઓ તાલિમ મેળવી રહ્યા છે. વર્ષ 2019 ના JIO એટ્લે કે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સંચાલિત UPSC કોચિંગ સેન્ટરનું તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણી હાલ UPSC કોચિંગ સેન્ટરના ડાયરેક્ટર છે. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીની નિષ્ણાંત ફેકલ્ટી અહીં આવી વિદ્યાર્થીઓને IAS – IPS બનવા માટેની સઘન તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની ડિપોઝિટ યુનિવર્સિટીમાં જમા થાય છે અને વિદ્યાર્થી 2 વર્ષ પૂર્ણ કરે ત્યારે ડિપોઝિટ પરત આપવામા આવે છે. જોકે કોઈ વિદ્યાર્થીને ડિપોઝિટ નથી મળી તો એ બાબતે રજીસ્ટ્રારને વાત કરવામાં આવશે. હાલ અહીં વિદ્યાર્થીઓ ઓછા આવે છે એ હકીકત છે પરંતુ અહીં માત્ર બેસ્ટ 30 વિદ્યાર્થીઓને જો રહેવાની સુવિધા અહીં મળે તો ચોક્કસ તેમાંથી 1 વિદ્યાર્થી તો IAS કે IPS બને જ. જ્યારે તાજેતરમાં જ કો – ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ અપાયો છે તેવા ડૉ. સંજય પંડ્યાએ જણાવ્યું હતુ કે, અહીં હાલ 111 જેટલાં વિદ્યાર્થીઓને રૂ. 8,100 ડિપોઝિટ આપવાની બાકી છે. જે માટે પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. અહીં સફાઈ માટે પણ કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની હાજરી પુરવા માટેનુ બાયોમેટ્રિક મશીન બંધ હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબ સાઇટ પર UPSC માં વર્ષ 2022 માં તાલિમ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ મુકાયું છે પરંતુ બાદમા છેલ્લાં 2 વર્ષથી આ સેન્ટરને લગતી કોઈ જ માહિતી ઓનલાઇન જાહેર કરવામાં આવી નથી. જેથી અહીં મિસ મેનેજમેન્ટ થઈ રહ્યાનું પ્રતીત થઇ રહ્યુ છે. અહીં રેગ્યુલર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી શ્રેણિક રામાણીના હવાલે સેન્ટરની કામગીરી ચાલે છે. ઉલ્લેખનીય છે કે, SU JIO ( જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) UPSC BHAVAN ની શરૂઆત વર્ષ 2019 થી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે કુલ 600 કરતા વધારે વિધાર્થીઓએ પ્રવેશ મેળવી આ ભવનમાં દિલ્હીથી એક્સપર્ટ ટીચર્સ દ્વારા UPSC ના અભ્યાસક્રમ અનુસાર તમામ વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 21 વિદ્યાર્થિઓએ UPSC ની પ્રિલીમ્સ પરીક્ષા પાસ કરી મેઇન્સ પરીક્ષા આપી છે. જેમાંથી 3 વિદ્યાર્થીઓએ મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલ છે તથા અંદાજે 90 કરતા વધારે વિદ્યાર્થીઓ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત વિવિધ જગ્યાઓ પર પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં ડૉ. મેહુલ રૂપાણી કો – ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અહીં વિદ્યાર્થી દીઠ રૂ. 8,100 ડિપોઝિટ લેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી જ્યારે તાલીમ પૂર્ણ કરે ત્યારે તે રકમ તેને પરત મળી જાય છે. અહીં 2 વર્ષની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. SU JIO UPSC BHAVAN માં પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન અથવા ગ્રેજ્યુએશનના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી શકે છે. જેમાં 200 માર્કસની એક લેખિત પરિક્ષા આપવાની રહે છે, જેમાં ઉતીર્ણ થયેલ વિધાર્થીઓ નું ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે. આ બન્ને પરીક્ષાના આધાર પર એક મેરીટ લીસ્ટ બને છે. જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મળ્યા પછી એક પણ રૂપિયાના ચાર્જ વગર. એટલે કે સંપૂર્ણ નિઃશુલ્ક રૂપે તેઓને 2 વર્ષ માટે એડમિશન મળે છે. જેમાં તેઓને UPSC નું પ્રીલીમ્સ, મેઇન્સ, અને ઇન્ટરવ્યૂ આ ત્રણેવ પડાવની સાથે તૈયારી કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે પ્રવેશ મળવાથી તેઓને 1 વર્ષ માટે લેક્ચર ભરવા જરૂરી છે. આ સાથે તેઓને સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી લાયબ્રેરી સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિકલી ટેસ્ટ , મંથલી ટેસ્ટ, મેઇન્સ ટેસ્ટ, આન્સર વ્રાઈટિંગ તથા ખાસ પ્રીલીમ્સ બૂસ્ટર ટેસ્ટ સીરીઝ દ્વારા વિદ્યાર્થીઓને UPSC ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. દિલ્હીના એવા તજજ્ઞો કે જેઓ UPSC પરીક્ષાનાં 2- 4 ઇન્ટરવ્યૂ આપેલ હોય તથા ઓછામાં ઓછું 6 – 7 વર્ષ કરતા વધારે ટિચિંગનો અનુભવ હોય તેવા અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને જે તે વિષયમાં પારંગત બનાવવામાં આવે છે. અહીંની ફેકલ્ટીની જો વાત કરવામાં આવે તો ફેકલ્ટી ઓફ બિઝનેસ મેનેજમેન્ટના અમિત જૈન, ઇતિહાસમાં આશય પુરાંદરે, અર્થશાસ્ત્રમાં પી. કે. મિશ્રા, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ નિશાંત શ્રીવાસ્તવ, એથીક્સ એન્ડ ઇન્ટીગ્રિટીમાં નિરજ, CSAT માં ગૌરવ નાગર, ભૂગોળમાં સસેન્દ્ર તિવારી, IR એન્ડ ગવર્નન્સ એન્ડ ઇન્ટર્નલ સિક્યુરિટી, પર્યાવરણમાં પ્રશાંત તથા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભારતી તાલીમ આપી રહ્યા છે.