back to top
Homeગુજરાત9 વર્ષના ટાબરિયાએ 8 મિનિટમાં 200 દાખલા ગણ્યા:ગોંડલનો ગજેરા અચ્યુત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં...

9 વર્ષના ટાબરિયાએ 8 મિનિટમાં 200 દાખલા ગણ્યા:ગોંડલનો ગજેરા અચ્યુત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો; 30 દેશનાં 6000થી વધુ બાળકોમાં અવ્વલ

કહેવાય છે કે બાળકોમાં તો અખૂટ શક્તિ અને ક્ષમતાઓના ખજાનાનો ભંડાર છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન અને દિશા-સૂચન આપી વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો કંઈપણ શક્ય બને છે અને આ વાતને ગોંડલના 7 તેજસ્વી બાળકે સાબિત કરી બતાવ્યું છે. આજના ટેક્નોલોજીના સમયમાં નાના-મોટા સરવાળા-બાદબાકી લોકો ફોનમાં કરતા થયા છે. ત્યારે ગોંડલના 9 વર્ષના ટાબરિયાએ કમાલ કરી બતાવ્યું છે. દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણીને ગજેરા અચ્યુત જિજ્ઞેશભાઈ ચેમ્પિયન બની ગયો છે. 9 વર્ષનો ગજેરા અચ્યુત A2 કેટેગરીમાં ચેમ્પિયન બન્યો
14 ડિસેમ્બરના રોજ દિલ્હી યુનિવર્સિટી ખાતે વિશ્વના 30 દેશના 6000થી વધુ બાળકો વચ્ચે યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાનું અલગ અલગ કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગોંડલના પર્ફેક્ટ ક્લાસીસનાં 7 બાળકે ભાગ લીધો હતો, જેમાં 9 વર્ષનો ગજેરા અચ્યુત જિજ્ઞેશભાઈ A2 કેટેગરીમાં ચેમ્પિયન બન્યો, જ્યારે પિત્રોડા યુગ અને ડોબરિયા જિયાને નેશનલ લેવલ પર મેરિટ રેન્ક તેમજ અન્ય બાળકોએ અલગ અલગ કેટેગરીમાં તૃતીય રેન્ક મેળવી ગોંડલનું નામ રોશન કર્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યાં હતાં
નોંધનીય છે કે વિશ્વના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ વચ્ચેની આ સ્પર્ધામાં તેમને કોઈપણ જાતના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજનો ઉપયોગ કરી પોતાનું લોજિક, તર્ક કે બુદ્ધિ વાપરીને નિયત સમયમર્યાદામાં માત્ર 8 મિનિટમાં 200 દાખલા કરવાના હતા, જેમાં તમામ બાળકોએ સારું પ્રદર્શન કર્યું હતું. આ સાતેય બાળક સ્પર્ધામાં ભાગ લેવા માટે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યાં હતાં. બાળકોને ટ્રોફી-સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયાં
દિલ્હી યુનિવર્સિટીખાતે ડૉ.સ્નેહલ કારિયાના હસ્તે આ બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ આ બાળકોને તૈયાર કરનાર પર્ફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર, માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ક્રિષ્ના રૈયાણી, સયદા બાલાપરિયા અને તેમની ટીમને અભિનંદન આપ્યાં હતાં. અચ્યુત વારતહેવાર અને મેરેજ ફંકશનમાં પણ તૈયારી કરતો
અચ્યુત ગજેરાના પિતા જિજ્ઞેશભાઈ ગજેરા એકાઉન્ટિંગનું કામ કરી રહ્યા છે અને તેમની માતા ચેતનાબેન ગોંડલ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રેક્ટ બેઝ પર લેબ-ટેક્નિશિયનમાં ફરજ બજાવે છે. ચેતનાબેને જણાવ્યું હતું કે ચારથી પાંચ મહિનાથી તૈયારી કરી રહ્યો હતો. વારતહેવારે, દિવાળીની રજાના દિવસોમાં પણ અમે ટ્રાવેલિંગ સમયે પણ તૈયારી કરાવતા હતા. 8 અને 9 ડિસેમ્બરે મારા પિતરાઇભાઈના મેરેજ હતા ત્યારે, ગોંડલથી સાસણ જવાના ટ્રાવેલિંગ સમયે કારમાં અને લગ્નમાં રાખવામાં આવેલા રૂમમાં તેણે આ તૈયારી ચાલુ રાખી હતી. આ આવડત તેણે અબેક્સના માધ્યમથી વિકસાવી
માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે આ બાળકોની આવડત અને તેમની સફળતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બાળકો છેલ્લા 3 મહિનાથી તૈયારી કરી રહ્યાં હતાં. આ આવડત તેમણે અબેક્સના માધ્યમથી વિકસાવી છે. અબેક્સ દ્વારા બાળકોની એકાગ્રતા, નિરીક્ષણ શક્તિ, ઝડપ, યાદશક્તિ આ બધું ખૂબ જ વધે છે. માતા-પિતા જો બાળકને મોબાઈલના બદલે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એજ્યુકેશન પોલિસી પણ બાળકોને આ જ બાબત પર લઈ જાય છે. કોઈપણ બાળકનું લક્ષ્ય માર્ક્સ નહિ, સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ, સાથે જ માતા-પિતાએ અપેક્ષા રાખ્યા વગર બાળકને કોઈપણ એક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવો જોઈએ. જો તેની પાસ કોઈપણ એક સ્કિલ હશે તો તે ક્યાંય પાછો નહિ પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments