વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની આગામી સિઝનનું ઓક્શન ગત રવિવરે બેંગલુરુમાં યોજાયું હતું. જેમાં 19 ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે પાંચેય ફ્રેન્ચાઈઝીઓએ કુલ 9.05 કરોડ રૂપિયા ખર્ચ્યા, જેમાંથી 4 કરોડપતિ બની. જેમાં 22 વર્ષની સિમરન શેખ સૌથી મોંઘી ખેલાડી હતી. તેને ગુજરાતે 1.90 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરી. તો વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન ને 1.70 કરોડમાં ટીમમાં સામેલ કરી હતી. ગુજરાતે પ્રકાશિકા નાઈકને 10 લાખ તથા ઇંગ્લેન્ડની ડેનિએલ ગિબ્સનને 30 લાખમાં ટીમમાં સામેલ કરી હતી. હેડ કોચ માઈકલ ક્લિન્ગર તથા નવા બોલિંગ કોચ પ્રવીણ તાંબેએ આ ઓક્શનને ટીમના દ્રષ્ટિકોણથી સફળ ગણાવી હતી. કોચ માઈકલ ક્લિન્ગરે જણાવ્યું કે,’અમને ટીમમાં પાવર હિટરની જરૂર હતી. જે અમે ઓક્શનમાંથી હાંસલ કરી. આ ઉપરાંત અમે અગાઉની સિઝનનાં કોર ગ્રૂપને જાળવી રાખ્યું છે. જેના કારણે આગામી સિઝનમાં અમે સારું પ્રદર્શન કરીશું તેવી આશા છે. સિમરન બેટિંગ લાઈન અપને વધુ મજબૂત કરશે. તે લોકલ પ્લેયર હોવાને કારણે એ પ્લસ પોઈન્ટ છે. ટીમમાં બેથ મૂનીના બેકઅપમાં જરૂર પડ્યે કીપર તરીકે ફીબી લિચફિલ્ડ રહી શકે છે. અમે ગિબ્સનને ટીમમાં સામેલ કરી, જે બેટિંગમાં યોગદાન આપવાની સાથે ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરી શકે છે.’ આશા છે કે આવનારા સમયમાં અમદાવાદમાં પણ WPL યોજાશે- સંજય અદેસરા
અદાણી સ્પોર્ટ્સ લાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,’મિની ઓક્શનમાં અમુક ગેપ્સ પૂર્ણ કરવાનો જ ટાર્ગેટ હતો. ડોટિન-સિમરનને ટીમમાં કોઈપણ ભોગે લેવા માગતા હતા અને તેમાં સફળ થયા. આવનાર રાજ્યનાં અન્ય ખેલાડીઓ પર પણ ફોક્સ રહેશે. વુમન્સ પ્રીમિયર લીગ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને આશા છે કે તેનું આયોજન આગામી સમયમાં અમદાવાદમાં પણ જોવા મળશે.’ આગામી સિઝનમાં કામ કરવા આતુર- પ્રવીણ તાંબે
IPL રમી ચૂકેલા અને ઘણી ટીમનો ભાગ રહેલા પૂર્વ સ્પિનર પ્રવીણ તાંબેએ કહ્યું કે,’ટીમમાં તનુજા કંવર સહિતનાં સારા ખેલાડીઓ છે, જેમની સાથે આગામી સિઝનમાં કામ કરવા આતુર છું. T20 આવવાને લીધે દરેક ફોર્મેટ ઝડપી બન્યા છે, તે રીતે T20 પણ સતત ઝડપી બની રહ્યું છે અને T10 ફોર્મેટ પણ આગામી સમયમાં વધી શકે છે. ખેલાડીઓ સ્કૂપ શોટ અને રિવર્સ શોટ રમતા થઈ ગયા છે. એવામાં રમત આગળ વધે તેમ-તેમ ખેલાડીએ પોતાની સ્કિલ્સને સમયાંતરે અપડેટ કરવાની જરૂર છે.’