શિયાળાની કડકડતી ઠંડીમાં અમદાવાદના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો અને અધિકારીઓ સ્ટડી ટુરના નામે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે 18 ડિસેમ્બરથી પ્રવાસે ગયાં છે. પ્રથમ તબક્કામાં ભાજપના 40 જેટલા કોર્પોરેટર અને બે અધિકારીઓ સહિત કુલ 42 લોકો શ્રીનગર ખાતે પ્રવાસ માટે પહોંચી ગયા છે. એક તરફ પ્રજાના કામો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને રોડ, પાણી, લાઈટ, ગટર સહિતના પ્રાથમિક સુવિધાના કામો પર ધ્યાન આપવું જોઈએ. પણ કહેવાતા પ્રજાના સેવકો પ્રજાના બે કરોડના ખર્ચે સ્ટડી ટુરના નામે કાશ્મીર જતા દિવ્ય ભાસ્કરે કોર્પોરેટરોના મતવિસ્તારમાં જઈને નાગરિકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપનાં કોર્પોરેટરોના ટુર વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમના જ મતવિસ્તારની પ્રજાએ જણાવ્યું હતું કે, બે કરોડ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે, તેના કરતા જો એક સારી સ્કૂલ બનાવી દીધી હોત તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વધારે સારું ભણી શકત. દેશમાં ગુજરાત મોડલ બતાવવામાં આવે છે અને બીજા રાજ્યના લોકો આપણા અહીંયા આવતા હોય છે તો પછી શા માટે શ્રીનગર ગયા છે, એ સમજાતું નથી. શિયાળાની ઠંડીમાં માઇનસ ડિગ્રી જ્યાં તાપમાન હોય ત્યાં શું સ્ટડી ટુર માટે ગયા છે કે પછી ફરવા માટે ગયા છે? એક તરફ ગરીબ પ્રજા રોડ ઉપર છે, ત્યારે બીજી તરફ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા કરી રહ્યા છે. રોડના ધીમા કામથી હેરાન થઈ રહ્યાં છીએ: પ્રકાશભાઈ
નારણપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલ પણ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા છે. ત્યારે નારણપુરામાં આવેલી સંગીતા સોસાયટીના રહેવાસી પ્રકાશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની બહાર જ ઘણા લાંબા સમયથી આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શરૂઆતના દિવસોમાં કામ ચાલુ થયું હતું, પરંતુ ત્યારબાદ ખૂબ જ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે. તેનાથી અમારી સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને રસ્તા પરથી પસાર થતાં લોકો હેરાન થઈ રહ્યા છે. ‘વર્ષો પહેલા બ્રિટિશરો હેરાન કરી ગયા અને હવે આ લોકો’
બીજી તરફ પ્રગતિનગર ચાર રસ્તા પાસે પણ બ્રિજ બનવાની કામગીરી ચાલુ હોવાથી ત્યાનું ટ્રાફિક સોસાયટીની બહારથી જ પસાર થાય છે, જેને કારણે અમારી સોસાયટીના જ રહેવાસીઓને મેન રોડ ઉપર જવા માટે 10થી 15 મિનિટ પીક અવર્સમાં રાહ જોવી પડે છે. કારણ કે, ખૂબ જ ટ્રાફિકજામ થઈ જતો હોય છે, તેથી નારણપુરા વોર્ડના તમામ લોકો હેરાન થઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટરો એકવાર ચૂંટાઈને આવ્યા છે, પછી તો ફરવાના જ છે ને! ભલેને પ્રજા હેરાન થયા જ કરે. વર્ષો પહેલા બ્રિટિશરો આવીને હેરાન કરી ગયા અને હવે આપણા જ લોકો પ્રજાને હેરાન કરે છે. અમારે જાતે જ કચરો નાખવા દૂર જવું પડેઃ શિવાનીબેન
વેજલપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગાડ્યા પણ જમ્મુ-કાશ્મીર ખાતે પ્રવાસે ગયા છે. ત્યારે વેજલપુરમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીના રહીશ શિવાનીબેન પટેલે જણાવ્યું હતું કે, હું એક ગૃહિણી છું અને અમારા બોર્ડમાં કચરાની સમસ્યા ખૂબ જ વધુ છે. સફાઈ તો રહેતી જ નથી, તેની સાથે કચરાની ગાડી જે દરરોજ આવી જોઈએ તેના બદલે આવે ન આવે તેવું જ હોય છે. કેટલીક વખત તો એક અઠવાડિયા સુધી પણ કચરો લેવા માટે ગાડી આવતી નથી. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે બેથી ત્રણ દિવસ બાદ કચરાની ગાડી આવીને કચરો લઈ જાય છે, ત્યારબાદ ફરીથી તે જ સમસ્યા ઉદભવે છે. ઘણી વખત અમારે જાતે જ કચરો નાખવા માટે દૂર જવું પડે છે. 1 મિનિટમાં થતો રસ્તો પસાર કરવામાં હવે અડધો કલાક થાય છેઃ નિસારભાઈ
વેજલપુર વોર્ડમાં રહેતા અન્ય એક નિસારભાઈ શેખએ જણાવ્યું હતું કે, હું ઘણા વર્ષોથી વેજલપુર વોર્ડમાં રહું છું. અમારા વોર્ડમાં છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી બળદેવનગર પાસેનો રોડ ખોદી રાખ્યો છે, તેને કારણે રાહદારીઓએ અડધા કલાકથી પણ વધુ સમય માટે ટ્રાફિક જામમાં ઊભા રહેવું પડે છે. આ ઉપરાંત રસ્તે ચાલતા જનારા લોકોને જગ્યા મળતી જ નથી. જે રસ્તા ઉપરથી પસાર થવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગતો હતો, તેના બદલે હવે અડધો-અડધો કલાક ટ્રાફિકજામમાં લોકોને ઊભા રહેવું પડે છે. તેથી ઝડપથી આ કામગીરી હવે પૂર્ણ થાય તો ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે, તેમ લાગી રહ્યું છે. અહીં રોડ સરખા નથી, શ્રીનગરમાં શું સ્ટડી કરવા ગયાં એ નથી સમજાતુઃ રાકેશભાઈ
ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાકેશ બ્રહ્મભટ્ટ જમ્મુ-કાશ્મીર ખાતે પ્રવાસે ગયા છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં રહેતા સુમિતભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવા કોર્પોરેટરોને પ્રજાકીય કામો ઉપર વધારે ધ્યાન આપવાનું હોય છે. ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ-પ્લાઝા રોડ ઉપર આખો રોડ ખરાબ થઈ ગયો છે, અનેક ખાડા છે છતાં પણ રોડ સરખા કરવામાં આવ્યા નથી. અનેક પ્રશ્નો આ વિસ્તારમાં છે. પ્રજાના કામો પર પહેલા ધ્યાન આપવું જોઈએ. દેશમાં ગુજરાતને મોડલ બતાવવામાં આવે છે, જેના આધારે લોકો અહીંયા આવતા હોય છે, પરંતુ શ્રીનગર ખાતે શેનો સ્ટડી રિપોર્ટ કરવા ગયા છે, તે સમજાતું નથી. ગરીબ પ્રજા રોડ પર આવી ગઈ અને કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા કરેઃ કોમલબેન
ઇસનપુર વોર્ડના ભાજપનાં કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી કાશ્મીર ખાતે પ્રવાસમાં ગયા છે. ત્યારે ઇસનપુર વિસ્તારમાં રહેતા કોમલબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રોડ, પાણી, લાઈટ ગટર જેવી સુવિધાઓનો અભાવ છે. રોડ ઉપર રહીએ છીએ નાના બાળકો રોડ ઉપર છે, ત્યારે ગરીબ પ્રજા રોડ ઉપર આવી ગઈ છે અને કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા કરે છે. કોઈ અમારી સામે જોતું નથી. કડકડતી ઠંડીમાં રોડ પર અમે હેરાન થઈ રહ્યા છે અને તેઓ ત્યાં જલસા કરવા માટે ગયા છે. અહીં માણસો નહિ, ઢોર રહેતા હોય તેવી સ્થિતિઃ મનીષભાઈ
ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર ઉમંગ નાયક પણ કાશ્મીરના પ્રવાસે ગયા છે. ત્યારે ખાડિયા વિસ્તારમાં રહેતા મનીષભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ખાડિયા વિસ્તારની પોળોમાં કોઈ કામ થતા નથી. અહીં માણસો નહિ પણ ઢોર રહેતા હોય તેવી સ્થિતિ છે. રોડ બનાવવાનો હોય ત્યારે કહે છે ડામર નથી, સિમેન્ટ નથી. પાણી અને ગટરોની પણ ખૂબ મોટી સમસ્યા છે. ઉપેક્ષિત વિસ્તાર હોય તેવું ખાડિયા વિસ્તારમાં છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે ચારેય તરફ બરફ છે ત્યારે ત્યાં શીખવા માટે શું ગયા છે એ તો તેઓને જ ખબર છે. પણ ત્યાંની પરિસ્થિતિ અત્યારે બધાને ખબર છે. જમ્મુ-કાશ્મીરમાંથી આપણે કંઈ શીખવાની જરૂર નથી, તેઓ ત્યાં જલસા કરવા માટે જ ગયા છે. ગુજરાત અન્ય રાજ્યોને દિશા બતાવે છે, ત્યારે રાજ્ય બહાર શું શીખવાનું છે, તે ખબર નથી પડતી. અહીં પ્રજા પાણી વિનાની છે અને કોર્પોરેટરો ફરવા જતા રહ્યાઃ મયુદ્દીનભાઈ
સરખેજના ભાજપના કોર્પોરેટર અને રિ-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને કોર્પોરેટર સુરેશ ખાચર પણ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા છે. ત્યારે સરખેજ ગામ વિસ્તારમાં રહેતા મયુદ્દીનભાઈ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરખેજ ગામના રોડ-રસ્તા ખરાબ છે. છેલ્લા ત્રણ દિવસથી પાણી આવ્યું નથી. ટેન્કરથી કોઈ પાણી પહોંચાડતું નથી. લોકોને પાણીની બોટલ ખરીદવી પડે છે. અહીં પ્રજા પાણી વિનાની છે અને કોર્પોરેટરો ફરવા માટે જતા રહ્યા છે. બે કરોડ રૂપિયાનો જો સારી સ્કૂલ બનાવવા પાછળ ખર્ચ્યા હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણી શકે. બીજી તરફ સારા કોઈ કામ માટે પણ તેઓ પૈસાનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ પ્રજા એક તરફ હેરાન છે અને તેઓ ફરવા માટે ગયા છે. પ્રાથમિક સુવિધાના કામો માટે બે કરોડ ખર્ચવા જોઈએઃ ચંદ્રકાંતભાઈ
લાંભા વોર્ડના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય માનસિંગ સોલંકી અને કોર્પોરેટર જશોદાબેન અમલીયાર પણ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા છે. ત્યારે લાંભા વિસ્તારના સ્થાનિક રહેવાસી ચંદ્રકાંતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, લાંભા વિસ્તારમાં રોડ-રસ્તાના ઠેકાણા નથી. પ્રખ્યાત બળીયાદેવ મંદિરના રસ્તા ઉપર ન જવા માટે ક્યાંય બોર્ડ નથી. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી લોકો દર્શન કરવા માટે આ મંદિર આવતા હોય છે, ત્યારે ત્યાં બોર્ડ લગાવ્યું કે રોડ સરખા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના રોડ, પાણી, લાઈટ, ગટર જેવા પ્રાથમિક સુવિધાના કામો કરવા જોઈએ. જનતાના પૈસાનો ખર્ચ કરીને ફરવા જવાની જગ્યાએ આવા કામો પાછળ ખર્ચવા જોઈએ.