અમદાવાદ પોલીસના હાથે ઝડપાયેલા અને બાદમાં મોતને ભેટેલા તાંત્રિકે 12 હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં ત્રણ હત્યા પોતાની પ્રેમિકાના માતા-પિતા અને ભાઈની રાજકોટમાં કરી હોવાની કબૂલાત કરી હતી. જે મામલે તાંત્રિક અને તેના સાગરિત સામે રાજકોટમાં ગુનો નોંધાયા બાદ પોલીસે સાગરિતનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેયની હત્યા કર્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે તાંત્રિકે જાતે જ સુસાઈડ નોટ લખી ત્યાં મૂકી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ જેનો કબજો લીધો છે તે જીગર પણ તાંત્રિકના નિશાના પર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તેના શરીરના કટકા કરીને લાશને દાટી દીધા બાદ પ્રેમિકાના માતા-પિતા અવારનવાર દીકરી બાબતે પૂછતાં તેમને તંત્રી વિધિના બહાને બોલાવી નવલસિંહે નગ્માના માતા પિતા અને ભાઈને ઝેરી દવા પાઈ હત્યા નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપી જીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટના અંગે જીગર પણ વાકેફ હોય જેથી સહઆરોપી તરીકે પણ તેની ભૂમિકા હોવાથી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે મૃતક પરિવાર પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટ અંગે પુછપરછ કરતા તાંત્રિકે પોતે ચોટીલા પાસેથી કાગળ લઇ અને જાતે ખોટી સ્યુસાઇડ નોટ લખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે જીગરના રિમાન્ડ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે. રાજકોટ રૂરલ SP હિમકર સિંહએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે સિરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી જેની તપાસમાં મેં મહિનામાં રાજકોટના પડધરી પાસે ત્રણ લોકોની પણ તેમને હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું જે અંગે લેખિતમાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. સિરિયલ કીલરે કુલ 12 હત્યા કર્યા હોવાની કબૂલાત આપી હતી જેમાં નવલસિંહ ચાવડાની સાથે જીગર ગોહિલની પણ સંડોવણી ખુલવા પામી હતી. રાજકોટના ત્રણ લોકોની હત્યા નિપજાવી જેમાં કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ, તેના પુત્ર આસિફ અને પત્ની ફરીદાબેનનો સમાવેશ થાય છે. આ પરિવાર દોરા ધાગા અને મેલી વિદ્યામાં માનતો હોવાથી તેમને તાંત્રિક નવલસિંહ સાથે પરિચય હતો. આ દરમિયાન કાદરભાઈની પુત્રી નગમા અને સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા વચ્ચે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને નગ્મા નવલસિંહને લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરતી હતી જેથી તેનાથી કંટાળી નવલસિંહએ નગમાની વઢવાણ નજીક હત્યા કરી લાશના કટકા કરી ફેંકી દીધી હતી. કાદરભાઈએ પોતાની દીકરી નગ્મા ગુમ થવા અંગે અને આર્થિક તેમજ શારીરિક સમસ્યા નિવારણ માટે તાંત્રિક નવલસિંહ ચાવડાને જાણ કરતા ભુવાએ દીકરી નગ્માની હત્યા અંગે કોઈ વાત બહાર ન આવે તે માટે પ્લાન બનાવી કાદરભાઈ અને તેના પરિવારને પહેલા જેતપુર પાસે દર્ગામાં વિધિ કરાવી અને પછી પડધરી પાસે વિધિ કરવાનું કહી લઇ ગયા હતા જ્યાં પડધરી નજીક રામપર ગામે અંધારાનો લાભ ઉઠાવી મેલડી માતાજીની દવા છે કહી પરિવારને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને પછી પોતે લખેલી ખોટી સ્યુસાઇડ નોટ ત્યાં મૂકી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ રાજકોટમાં થયેલ આ ત્રણ હત્યા અંગે જીગર જાણતો હોવાથી તેની પણ હત્યા થશે તેવો તેને ડર હતો. જો કે હત્યામાં જીગરની સંડોવણી સામે આવતા હાલ પડધરી પોલીસે આરોપી જિગરનો કબ્જો મેળવી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે. અને મૃતક પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટ આરોપી સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહએ ચોટીલા ખાતેથી કાગળ મેળવી ત્યારબાદ પોતે જ ગાડીમાં બેસીને લખી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પડધરી પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ કે આખા મામલામાં મૃતક પરિવારની દીકરી મિસિંગ હોવા છતાં આ દિશામાં કોઈ યોગ્ય તપાસ થઇ શકી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ સ્યુસાઇડ નોટ લખેલી મળી આવી હતી તો તે સ્યુસાઇડ નોટ બાબતની પણ યોગ્ય ખરાઈ કરવામાં આવેલ નથી તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે કારણ કે હાલની તપાસમાં સ્યુસાઇડ નોટ આરોપી નવલસિંહે લખી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જો મૃતદેહ મળ્યા સમયે યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો કદાચ આ સિરિયલ કિલરનો ખેલ કદાચ વહેલો ખુલ્લો પડી શક્યો હોત. હવે આ સમગ્ર કેસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે..