રશિયામાં એક કાયદો પસાર કરીને અદાલતોને સત્તા આપવામાં આવી છે કે તેઓ ઈચ્છે તો કોઈપણ સંગઠનને આતંકવાદી જૂથોની યાદીમાંથી કાઢી શકે. મંગળવારે રશિયન સંસદના નીચલા ગૃહ રાજ્ય ડુમામાં આ અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદો પસાર થવાથી હવે રશિયા માટે અફઘાન તાલિબાન અને સીરિયન વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનું સરળ બનશે. આ કાયદા અનુસાર, જો કોઈ સંગઠન આતંકવાદ સંબંધિત ગતિવિધિઓ બંધ કરે છે તો તેને આ યાદીમાંથી હટાવી શકાય છે. આ કાયદા હેઠળ રશિયાના પ્રોસીક્યુટર જનરલ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. આ અપીલમાં કહેવામાં આવશે કે કેટલાક પ્રતિબંધિત સંગઠનોએ આતંકવાદી ગતિવિધિઓ બંધ કરી દીધી છે. આ પછી જો ન્યાયાધીશ ઈચ્છે તો તે સંગઠનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય લઈ શકે છે. રશિયાએ 2003માં તાલિબાન અને 2020માં HTSને આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કર્યા હતા. પુતિને તાલિબાનને આતંકવાદ સામે લડવામાં સહયોગી ગણાવ્યો હતો
તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. જે બાદ હજુ સુધી કોઈ દેશે તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપી નથી. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વર્ષે જુલાઈમાં તાલિબાનને આતંકવાદ સામે લડવામાં સહયોગી ગણાવ્યું હતું. જુલાઇ 2024માં કઝાકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન પુતિને કહ્યું હતું- આપણે માની લેવું જોઈએ કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તાને નિયંત્રિત કરે છે. આ સંદર્ભે તાલિબાન આતંકવાદ સામેની લડાઈમાં અમારો સહયોગી છે. આ વર્ષે મે મહિનામાં રશિયાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાંથી તાલિબાનને હટાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે, તાલિબાન જ વાસ્તવિક શક્તિ છે. અમે તેમનાથી અલગ નથી. મધ્ય એશિયામાં અમારા સાથી દેશો અલગ નથી. HTSને પ્રતિબંધિત યાદીમાંથી દૂર કરવાની માગ
બીજી તરફ, સીરિયામાં બશર અલ-અસદને હટાવનાર હયાત તહરીર અલ-શામ (HTS)ને આ યાદીમાંથી હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. સીરિયામાં તખ્તાપલટ પછી HTS અંગે રશિયાના નિવેદનો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. અગાઉ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સીરિયાના બળવાખોરોને આતંકવાદી ગણાવ્યા હતા, પરંતુ તખ્તાપલટના બીજા જ દિવસે રશિયન વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેર કરેલા નિવેદનમાં તેમને વિપક્ષ ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે 27 નવેમ્બરે સીરિયામાં બશર અલ-અસદ વિરુદ્ધ બળવો શરૂ થયો હતો, જેના 11 દિવસ પછી એટલે કે 8 ડિસેમ્બરે અસદ પરિવારની સત્તા ખતમ થઈ ગઈ હતી.