ફ્રાન્સમાં પત્નીને નશાની દવાઓ ખવડાવી અને તેના પર અજાણ્યા માણસો દ્વારા 10 વર્ષ સુધી બળાત્કાર કરાવનાર પતિ અને રેપના અન્ય 50 આરોપીઓને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ ફ્રાન્સની એવિગન કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો. 72 વર્ષના આરોપી પતિનું નામ ડોમિનિક પેલીકોટ છે. ફ્રાન્સના 24ના રિપોર્ટ અનુસાર ડોમિનિકની પત્ની ગિજેલ પેલીકોટ વિરુદ્ધ બળાત્કારના 91 કેસ સામે આવ્યા હતા. તેમાંથી 72 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 51ની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ ઇન્ટરનેટ દ્વારા ડોમિનિકના સંપર્કમાં આવ્યા હતા. 51 આરોપીઓમાંથી 50 પર બળાત્કારનો આરોપ છે. આ સિવાય એક આરોપીએ ગિજેલની માફી માગી હતી, તેને યૌન ઉત્પીડનનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન 51માંથી 32 આરોપીઓ જામીન પર બહાર હતા. ગિજેલે આ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. બળાત્કાર કરનારાઓમાં બેંક કર્મચારી અને પત્રકાર પણ સામેલ
મહિલા પર બળાત્કાર કરનાર આરોપીઓમાં ફાયરમેન, લોરી ડ્રાઈવર, મ્યુનિસિપલ કાઉન્સિલર, બેંક કર્મચારી, જેલ ગાર્ડ, નર્સ અને પત્રકાર સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમાંથી ઘણાએ મહિલા પર એકવાર તો કેટલાકે છ વખત રેપ કર્યો હતો. આ આરોપીઓની ઉંમર 26થી 73 વર્ષની વચ્ચે છે. આ મામલા બાદ આધુનિક અને લોકશાહી દેશની ઓળખ ધરાવતા ફ્રાન્સમાં મહિલાઓની સુરક્ષાને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. મામલો સામે આવ્યા બાદ ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં દેખાવો પણ કરવામાં આવ્યા હતા. ગુરુવારે એટલે કે આજે સુનાવણી દરમિયાન પણ ઘણા પ્રદર્શનકારીઓ કોર્ટ રૂમની બહાર પહોંચી ગયા હતા. આરોપી બળાત્કારનો વીડિયો પણ બનાવતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પેલિકોટ વેબસાઈટ દ્વારા પુરુષોના સંપર્કમાં આવ્યો હતો અને તેમને ફોન કરતો હતો. પત્નીને ગાઢ ઊંઘ આવે તે માટે તે ખાવા-પીવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દેતો હતો. આ પછી તે અન્ય લોકો સાથે બળાત્કાર કરાવતો હતો. તે ઘટનાનો વીડિયો પણ બનાવતો હતો. રિપોર્ટ અનુસાર રેપની ઘટના 2011થી 2020 દરમિયાન થઈ હતી. મહિલાના વકીલનું કહેવું છે કે પત્નીને એવી બેભાન અવસ્થામાં રાખવામાં આવી હતી કે તેને ક્યારેય ગુનાની ખબર જ ન પડી. તેને આ સંબંધી એક પણ ઘટના યાદ નથી. વકીલે કહ્યું કે જ્યારે પોલીસે 2020માં એક ગુનાની તપાસના સંબંધમાં મહિલાને બોલાવી ત્યારે તેમને આ ચોંકાવનારી વાતની જાણ થઈ. મોલમાં છૂપાઈને વીડિયો બનાવતો ઝડપાયો
મહિલાએ જણાવ્યું કે દવાઓના કારણે તેના વાળ ખરવા લાગ્યા હતા અને તેનું વજન ઘટી રહ્યું હતું. તેની યાદશક્તિ બગડતી જતી હતી અને તે તે વસ્તુઓ પણ ભૂલી જવા લાગી હતી. તેના બાળકો અને મિત્રોને લાગ્યું કે મહિલાને અલ્ઝાઈમર છે. ખરેખર, પોલીસે સપ્ટેમ્બર 2020માં આરોપીને પકડી લીધો હતો. તે એક શોપિંગ સેન્ટરમાં ગુપ્ત રીતે મહિલાઓનો વીડિયો બનાવતો હતો. જ્યારે પોલીસે તેનું કોમ્પ્યુટર ચેક કર્યું તો તેમને તેની પત્નીના સેંકડો વીડિયો મળ્યા જેમાં તે બેભાન જોવા મળી હતી. વીડિયોમાં અલગ-અલગ લોકો હતા. પોલીસને કોમ્પ્યુટર પર એક વેબસાઈટ પર ચેટ પણ મળી જેમાં તે અજાણ્યા લોકોને પોતાના ઘરે બોલાવતો હતો. પોલીસે આ વેબસાઈટ બંધ કરી દીધી છે. આરોપીએ કબૂલ્યું છે કે તે તેની પત્નીને ટ્રાંક્વીલાઈઝરનો વધુ ડોઝ આપતો હતો. પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે ઘરમાં આવ્યા પછી માત્ર ત્રણ જ લોકો હતા જેમણે મહિલા સાથે કંઈ ખોટું કર્યું નહોતું અને તરત જ પરત ફરી ગયા. બાકીના તમામ 72 લોકોએ ગુનો કર્યો હતો.