હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા માટે આ ટૂર WTC ફાઈનલને જોતા ખૂબ જ મહત્ત્વની છે. ગઈકાલે ગાબા ટેસ્ટ ડ્રો થતા સિરીઝ 1-1ની બરાબરી પર છે. ઉપરાંત ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પણ અચાનક નિવૃત્તિ લેતા હવે ટીમ પર વધુ દબાણ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનથી મેલબોર્ન જવા માટે નીકળી હતી. જોકે આ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલીની મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયાની એક મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ થઈ હતી. રિપોર્ટમાં દાવો કર્યો છે કે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલાં વિરાટ કોહલી મેલબોર્નમાં એક ઓસ્ટ્રેલિયન ટીવી પત્રકાર પર કથિત રીતે ગુસ્સે થયો હતો. વિરાટને કેમ અચાનક ગુસ્સો આવ્યો? આનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો. મહિલા પત્રકારે કહ્યું- કેમેરા જોઈને કોહલી ગુસ્સે થઈ ગયો. તેને લાગ્યું કે મીડિયા તેનાં બાળકો સાથે તેની તસવીરો ખેંચી રહ્યું છે. આ એક ગેરસમજ છે. કોહલીએ મીડિયાને કહ્યું- બાળકો સાથે મારે થોડી પ્રાઇવસીની જરૂર છે, તમે મને પૂછ્યા વિના ફોટોઝ લઈ શકતા નથી. પત્ની અનુષ્કા, બાળકો વામિકા અને અકાયનો વીડિયો બનાવતા કોહલી ગુસ્સે ભરાયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાની એક મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી. વિરાટની મહિલા પત્રકાર સાથે તેના પરિવારની તસવીરો લેવાના મુદ્દે ચર્ચા થઈ હતી. વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા કોહલી અને અકાય કોહલી સાથે મેલબોર્ન એરપોર્ટ પર ઊતર્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન ચેનલ ‘ચેનલ 7’ના એક પત્રકારે તેનો વીડિયો બનાવ્યો, જેના પર વિરાટ ગુસ્સે થઈ ગયો. કોહલીએ વિનંતી કરી કે તસવીરો ડિલીટ કરે, પત્રકારે પણ વાત ન સાંભળી
વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો ચલાવે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સિરીઝમાં વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તે બ્રિસ્બેન ટેસ્ટમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. એડિલેડ ટેસ્ટમાં તે પ્રથમ ઇનિંગમાં 7 અને 11 રન બનાવી શક્યો હતો. પર્થમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કોહલી પ્રથમ દાવમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો, પરંતુ બીજી ઇનિંગમાં તેણે અણનમ 100* રન બનાવ્યા હતા. આ રીતે કોહલી કુલ 5 ઇનિંગ્સમાં 31.50ની એવરેજથી માત્ર 126 રન જ બનાવી શક્યો છે. BGTની આગામી ટેસ્ટ મેલબોર્નમાં રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)ની આગામી ટેસ્ટ 26મી ડિસેમ્બર (બોક્સિંગ ડે)થી યોજાશે. અગાઉ, 18 ડિસેમ્બરે રમાયેલી ગાબા ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89 રન પર ડિકલેર કર્યો હતો. આ રીતે ભારતીય ટીમને જીતવા માટે 275 રનનો સ્કોર મળ્યો હતો. પરંતુ જ્યારે ભારતનો સ્કોર 8/0 હતો ત્યારે ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે મેચ પાંચમા દિવસે રમાઈ શકી ન હતી, બાદમાં મેચ ડ્રો જાહેર થઈ હતી.