અમેરિકામાં લાંચના આરોપોથી ઘેરાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર પર અબજો ડોલરના પાવર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. રોયટર્સે ગુરુવારે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે, આ કરાર હેઠળ જે પાવર પ્લાન્ટ માટે ડીલ કરવામાં આવી છે તેને ભારત સરકાર તરફથી ટેક્સ લાભ મળી રહ્યો છે. અદાણી પાવર આ લાભ બાંગ્લાદેશને ટ્રાન્સફર કરી રહી નથી. બાંગ્લાદેશની શેખ હસીના સરકારે 2017માં વીજળીની ખરીદી માટે અદાણી પાવર સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ અદાણી પાવર તેના ઝારખંડ ખાતેના પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. રોઇટર્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશ આ કરાર પર ફરીથી વાટાઘાટો કરવા માગે છે. રિપોર્ટ અનુસાર આ પ્લાન્ટમાંથી મળતી વીજળી અન્ય પ્લાન્ટ્સની સરખામણીમાં મોંઘી છે. રોયટર્સે પોતાના રિપોર્ટમાં ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજો અને 7 અધિકારીઓના ઈન્ટરવ્યૂ ટાંક્યા છે. અદાણીએ પત્રનો જવાબ આપ્યો ન હતો
2019માં ભારત સરકારે અદાણીના આ પાવર પ્લાન્ટને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ)ના ભાગ તરીકે જાહેર કર્યો હતો. આ પછી આ પ્લાન્ટને આવકવેરા સહિત અન્ય ઘણા ટેક્સમાં છૂટનો લાભ મળ્યો. કરાર મુજબ, આ માહિતી બાંગ્લાદેશને આપવાની હતી અને કરમુક્તિનો લાભ બાંગ્લાદેશને ટ્રાન્સફર કરવાનો હતો. રોઇટર્સે 17 સપ્ટેમ્બર અને 22 ઓક્ટોબરના બે પત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બાંગ્લાદેશે અદાણીને ડીલ મુજબ લાભો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું, પરંતુ અદાણી પાવરે તેમ કર્યું ન હતું. રોયટર્સે બે બાંગ્લાદેશી અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે, અદાણીએ બંને પત્રોનો જવાબ આપ્યો નથી. જો ટેક્સ મુક્તિ બાંગ્લાદેશમાં ટ્રાન્સફર કરવામાં આવે તો વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ લગભગ 0.35 પૈસાની બચત થશે. બાંગ્લાદેશ અદાણી પાવરને ચૂકવણીમાં વિલંબ કરી રહ્યું છે
અદાણી પાવરે જુલાઈ 2023માં બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જોકે, બાંગ્લાદેશ વીજળીનું બિલ ચૂકવતું નથી. ઢાકાએ કરોડો ડોલરની બાકી ચૂકવણી કરવાની બાકી છે. બાંગ્લાદેશના ઉર્જા મંત્રી મોહમ્મદ ફૈઝલ કબીરે રોયટર્સ સાથે વાત કરતા કહ્યું કે, દેશમાં હવે અદાણીની વીજળી વગર કામ કરવાની ક્ષમતા છે. અદાણી પાવરે બાકી બિલોને કારણે બાંગ્લાદેશને વીજ પુરવઠો અડધો કરી દીધો છે. અદાણી પાવર અનુસાર, બાંગ્લાદેશ 846 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 7200 કરોડનું દેવું છે. અદાણી પાવરના આ પગલા બાદ બાંગ્લાદેશે પણ તેની માગ અડધી કરી દીધી છે. બાંગ્લાદેશ અને અદાણી પાવર વચ્ચે 2017માં થયેલો આ કરાર 25 વર્ષ માટે છે. આ અંતર્ગત અદાણી પાવર ઝારખંડ સ્થિત પાવર પ્લાન્ટના 2 યુનિટમાંથી વીજળી પૂરી પાડે છે. અમેરિકામાં અદાણી સામે લાંચ લેવાનો કેસ દાખલ
24 ઓક્ટોબરે અમેરિકાના ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં લાંચ લેવા અંગેનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણીએ ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી હતી અથવા આપવાની યોજના બનાવી હતી. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક પેઢી સાથે સંબંધિત છે. આ કેસ 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો. બુધવારે એટલે કે, 20 નવેમ્બરે થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત એસ જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. સાગર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી છે.